મુખ્ય મંત્રીશ્રીએ જાહેર કર્યું કે, લોહપુરૂષ સરદાર પટેલના નામથી ભડકતી હિન્દુસ્તાનની કેન્દ્ર સરકાર ભલે સરદાર સાહેબનું ગૌરવ કરે કે ના કરે ગુજરાતની આ સરકાર નર્મદા ડેમના સાનિધ્યમાં સરદાર સાહેબની દુનિયામાં ઊંચામાં ઊંચી “સ્ટેચ્યુ ઓફ યુનિટી” પ્રતિમા બનાવશે. ૬૪ માળની મકાનની ગગનચુંબી ઇમારતથી વિશ્વ આખાને આ પ્રતિમા ઉપરથી પ્રેરણા મળશે.
આજે હનુમાનજી જયંતિના પાવન પર્વે સરદાર સરોવર નર્મદા પ્રોજેકટની સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલની મોરબી શાખા નહેરના રૂા. પર૦ કરોડના મહત્વાકાંક્ષી નિર્માણ કાર્યનું ખાતમૂર્હુત આજે મારબીમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું હતું.
નર્મદા અને મચ્છુનો સંગમ કરતી આ મોરબી શાખા નહેરના બાંધકામથી રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના દોઢ લાખ એકર જમીનને સિંચાઇ મળશે અને ૭ તાલુકાના ગામોને પીવાનું શુદ્ધ નર્મદાનું પાણી મળશે.
નર્મદાના પાણી સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીને પહોંચાડવામાં પ૦ વર્ષનો વિલંબ થયો છે તેની પીડા વ્યકત કરતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, કોણે વિલંબ કર્યો, કોણે રોડાં નાંખ્યા તેનો હિસાબ નથી કરવો પણ આજે નર્મદા યોજના જયાં પહોંચી છે ત્યાં પહોંચાડવામાં સહુનું, બધી જ સરકારનું યોગદાન રહેલું છે, એમ આ સરકાર માને છે.
માત્ર એક જ અઠવાડિયામાં સૌરાષ્ટ્ર અને કચ્છની તરસી ધરતીને નર્મદાનું પાણી પહોંચાડવા રૂા. ૯૧૦૦ કરોડના ખર્ચે શાખા નહેરોનું બાંધકામ ભગીરથ ધોરણે હાથ ઉપર લીધું છે અને આખા એક દશકામાં ૭પ૦૦૦ કિલોમીટરની નહેરોનું ગુજરાત વ્યાપી નેટવર્ક હાથ ધર્યું છે. આ કેટલું વિરાટ કાર્ય છે તેનો અંદાજ આવી શકશે, એમ તેમણે જણાવ્યું હતું.
નર્મદાના પાણીએ ખેતી આધારિત ગામડાના અર્થતંત્રની તાસીર બદલી નાંખી છે એટલું જ નહીં, રૂપિયો ખેડૂતના પસીનામાંથી ગામડામાં ઉગે છે અને તેનાથી શહેરોની આર્થિક સશક્તતા પણ વધી છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આના પરિણામે કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાતનું એક દશકા પહેલાં કયાંય નામોનિશાન નહોતું પરંતુ છેલ્લા એક જ દશકમાં ગુજરાતે કૃષિ ક્રાંતિ કરીને કૃષિ ઉત્પાદનનો વિક્રમ સર્જીને રૂા. પ૦,૦૦૦ કરોડનું કૃષિ ઉત્પાદન કર્યું છે અને ગુજરાતનો કૃષિદર અગિયાર ટકા ઉપર પહોંચાડયો છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના ખેડૂતો સુખી થાય, ગામડું સુખી થાય એમાં જેમનો ગરાસ લૂંટાઇ જતો હતો એવા વાંકદેખા લોકોએ ભૂતકાળમાં ખેતી માટે ખેડૂતોને પાણીને બદલે વીજળીના તારને પકડાવી ગેરમાર્ગે દોરી બરબાદ કરી દીધા હતા. આ સરકારે ખેડૂતોને ખેતીવાડી માટે વીજળીની જરૂર નથી, પાણી જરૂરી છે એવી સાચી સમજ આપીને નર્મદાનું પાણી અને જળસંચયની ક્રાંતિ માટે કિસાનશક્તિને પ્રેરિત કરી અને ખેતી માટે પાણી મળતું થયું છે.
હવે, આ જ વાંકદેખા લોકો નર્મદા યોજનાના ડેમના દરવાજા નાંખવામાં આડખીલી ઉભી કરી રહ્યા છે પણ આજ નહીં તો કાલ ગુજરાતની મહેનત રંગ લાવશે. ગુજરાતને કોઇની જમીન ડુબાડવી નથી પરંતુ નર્મદા ડેમના દરવાજા બાંધીને પાણીનો સંચય કરવો છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આ જ વાંકદેખા લોકો નર્મદા નહેરોના બાંધકામ માટે ખેડૂતોને જમીન આપવા માટે ગેરમાર્ગે દોરતા રહ્યા છે. પરંતુ આ જ સરકારે જંત્રી અને વળતર આધારિત ખેડૂતોની જમીન નર્મદા કેનાલ માટે સંપાદિત કરવાની નવી ખેડૂતહિતલક્ષી યોજના કરી છે. આ જમીન સંપાદન માટે ખેડૂતો ઉત્સાહભેર પ્રતિસાદ આપી રહ્યા છે, એમ તેમણે જણાવ્યું હતું.
મોરબી-મચ્છુકાંઠે ખાતમુર્હૂતના સ્થળે લાભાર્થી ખેડૂતો સાથે સીધો સંવાદ કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને ગુમરાહ કરનારાથી સાવધ રહેવા અને ટપક સિંચાઇથી ખેતીને સમૃદ્ધ કરવાની દિશા માટે સમજ આપી હતી.
ખેડૂતોની ખેતીના હેતુ માટે નવી શરતમાંથી જૂની શરતમાં જમીન ફેરવવાના પિ્રમીયમમાં પ૦ ટકા ધટાડો કરીને ખેડૂત તરફી સરકારનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડયું છે. આ એક જ નિર્ણયથી ખેડૂતોની જમીનની કિંમત બમણી થઇ ગઇ છે. આ ખેડૂતોના હિતોને વરેલી સરકાર છે, એમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાણીની સમસ્યા વર્ષોથી રહી છે તેના સામના માટે ૧૯૬૧માં નર્મદા યોજનાનું ખાતમુર્હૂત થયું હતું. પરંતુ પ૦ વર્ષના વાણાં વાયા છતાં પ્રજાની આકાંક્ષાઓ ફળિભૂત થઇ ન હતી અને નર્મદા ડેમના કામો પૂર્ણ થયા નહીં. પરંતુ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નર્મદા યોજનાનાં કામો ઝડપભેર પૂર્ણ થાય તેનો દ્રઢ નિર્ધાર કર્યો છે અને નર્મદા યોજનાસામે વિઘ્નો ઉભા થયા ત્યારે તેમણે ૭ર કલાકના ઉપવાસ પણ કર્યા છે. આમ અડગ પુરૂષાર્થને કારણે નર્મદા ડેમની ઉંચાઇ વધી છે. તેમણે નર્મદા યોજનાના કામો અને કેનાલના કામો માટે સોનાની લગડી જેવી જમીન આપનાર ખેડૂતોની ઉદાત્ત ભાવનાને બિરદાવી હતી અને નર્મદા કેનાલના કામ ઝડપભેર પૂર્ણ કરવા ખેડૂતો જમીન સંપાદનના કાર્યમાં સહકાર આપે તેમ જણાવ્યું હતું. નર્મદા યોજનાના પાણી મચ્છુ-રના જળાશયમાં ભળશે જેથી આ પવિત્ર જળસંગમથી આ વિસ્તારનું પીવાના પાણી અને ખેતીનું ચિત્ર ખૂબ જ ઉજ્જવળ બનશે, એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યના નાણા મંત્રી શ્રી વજુભાઈ વાળાએ મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને આધુનિક ભગીરથ ગણાવતાં જણાવ્યું હતું કે, નર્મદા નીરને ર૩૦ ફુટ ઉંચેથી વહેવડાવીને મોરબીને નર્મદાનું પાણી પહોંચાડયું છે. જે નેવાના પાણી મોભે ચડાવવા સમાન છે. મોરબીને આંગણે મોરબીની શાખા નહેરનું ખાતમુર્હૂત એ અત્યંત આનંદનો અવસર છે, એમ જણાવતાં શ્રી વાળાએ નર્મદા નહેર થકી મોરબીની બહેનોની પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવાની મહત્વની કડી ગણાવી હતી. મુખ્ય મંત્રીશ્રી મહિલા સશક્તિકરણની હાર્દિક ખેવના સેવે છે તેનો ઉલ્લેખ કરતાં શ્રી વાળાએ નર્મદા યોજનાની પૂરક વિગતો આપી હતી અને મોરબીને મળનારી પિયત સુવિધા તથા પીવાના પાણીની સંભવિત સગવડો વિષેની વિગતો આપી હતી.
ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયાએ નર્મદા યોજનાથી મોરબીને થનારા લાભો સવિસ્તાર રજૂ કરીને મુખ્ય મંત્રીશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી તથા માળિયા કેનાલની ક્ષમતા વધારીને મોરબીને મળેલી વધુ એક સુવિધાને બિરદાવી હતી. વિકાસલક્ષી રજૂઆતોને રાજ્ય સરકારમાંથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે તેનો ઉલ્લેખ કરી ધારાસભ્ય શ્રી અમૃતિયાએ નાના શહેરોના વિકાસ પ્રત્યે રાજ્ય સરકાર ચિંતિત છે, એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મોરબીના ઉઘોગ અને વ્યાપર મંડળોના સંયુકત ઉપક્રમે રૂા. ર૧ લાખનો કન્યા કેળવણીનિધિનો ચેક મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને હર્ષનાદ સાથે અગ્રણી ઉઘોગપતિઓએ અર્પણ કર્યો હતો. હૈદ્રાબાદ સ્થિત બે કંપનીઓએ પણ દરેકે રૂા. પ લાખના ચેક કન્યા કેળવણીનિધિમાં અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે સંસદસભ્ય પૂનમબેન જાટ, ધારાસભ્યો સર્વશ્રી જશુમતીબેન કોરાટ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રીમતી વંદનાબેન મકવાણા, શ્રી પ્રવિણભાઈ માંકડીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, ર્ડા. ભરત બોધરા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી હંસાબેન પારધી, મોરબી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી હર્ષાબેન ઠાકર, જિલ્લા કલેકટર શ્રી એચ. એસ. પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નલિન ઉપાધ્યાય, સરદાર સરોવર નર્મદા નિગમના ચેરમેન શ્રી ડી. રાજગોપાલન તેમજ વહીવટી સંચાલક શ્રી એસ. જગદીશન, જોઇન્ટ એમ.ડી. શ્રી જી. આર. અલોરિયા, ચીફ એન્જીનીયર શ્રી અશ્વિન મિસ્ત્રી, ડિરેકટર શ્રી વસંત રાવલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સમારંભની શરૂઆતમાં નર્મદા નિગમના સૌરાષ્ટ્ર વિભાગના મુખ્ય ઇજનેર શ્રી અશ્વિન મિસ્ત્રીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે આભારદર્શન ગ્રામ વિકાસ મંત્રી શ્રી મોહનભાઈ કુંડારિયાએ કર્યું હતું.
મોટી સંખ્યામાં ધરતીપુત્રો અને ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્ય સમારોહની પહેલાં મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મોરબી નજીક ધુંટું ખાતે મોરબી શાખા નહેરનું ખાતમુર્હૂત કરી ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ કર્યો હતો.
આ પ્રસંગે મોરબી શાળાના વિઘાર્થી ભાઇ-બહેનોના કલાવૃંદે રાષ્ટ્રભક્તિભર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા તેમજ સ્વર્ણિમ ગુજરાતની ઝાંખી કલાનૃત્યો દ્વારા રજૂ કરી હતી.
મોરબીના નગરજનો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ધરતીપુત્રો તથા ગ્રામજનોએ આ વિસ્તારની ખેતી અને ખેડૂતોને સમૃદ્ધ કરનાર સરદાર સરોવર નર્મદા યોજનાની મોરબી કેનાલના બાંધકામના શુભારંભ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉમળકાભેર સ્વાગત કરીને અભિવાદન કરી પોતાના હર્ષની અભિવ્યક્તિ કરી હતી.