પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશના વિવિધ સશક્ત જૂથો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.
અર્થતંત્ર અને કલ્યાણ અંગેના આ ઉચ્ચ સ્તરીય જૂથે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના વિસ્તરણ જેવા હાથ ધરાયેલા પગલા અંગે પ્રધાનમંત્રી શ્રી મોદીને માહિતગાર કર્યા હતા અને પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. એવી પણ ચર્ચા થઈ હતી કે એક રાષ્ટ્ર એક રેશન કાર્ડની પહેલને કારણે વધુ ને વધુ લોકોને મદદ મળી રહી છે. આ ઉપરાંત કોરોના માટેના આરોગ્ય કર્મચારીઓની વીમા યોજના છ મહિના માટે લંબાવવામાં આવી છે. ગરીબ વર્ગને કોઈ પણ વિલંબ વિના વિના મૂલ્ય ખાદ્ય અને અનાજ મળી રહે તે માટે વિવિધ રાજ્ય સરકાર સાથે સંકલન સાધીને કામગીરી હાથ ધરવા પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારને આદેશ આપ્યા હતા. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે પડતર રહેલા વીમાના દાવાના સેટલમેન્ટને ઝડપી બનાવવા પગલાં ભરવા જોઇએ જેથી મૃતકોના વારસદારોને સમયસર આ યોજનાનો લાભ મળી શકે.
કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે પગલા ભરવા માટે વિવિધ સલાહકાર જૂથે સૂચવેલા પગલાને આધારે આ જૂથે પુરવઠો તથા લોજિસ્ટિકની આપૂર્તિ અંગે પ્રધાનમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. પુરવઠાનો સ્રોત સતત વહેતો રહે અને આ હિલચાલ એકીકૃત થઈ શકે તે માટે પ્રધાનમંત્રીએ અધિકારીઓને સૂચનો કર્યા હતા.
ખાનગી ક્ષેત્રો, એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સંકલન સાથે કામ કરી રહેલા સશક્ત જૂથે હાલમાં સરકાર કેવી રીતે ખાનગી ક્ષેત્રો, એનજીઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે કામ કરી રહી છે તે અંગે પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને માહિતગાર કર્યા હતા. સમાજના સ્વંયસેવકોનો વિશેષ કામગીરી ન હોય તેવા આરોગ્ય ક્ષેત્રના કાર્યોમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની શક્યતા ચકાસવા માટે પ્રધાનમંત્રીએ આ અધિકારીઓને નિર્દેશ કર્યા હતા. એવી પણ ચર્ચા થઈ હતી કે વિવિધ પક્ષકારો સાથે કમ્યુનિકેશન માટે કડી સ્થાપવા માટે એનજીઓની મદદ લઈ શકાય. હોમ કોરોન્ટાઈન થયેલા લોકો સાથે સંપર્ક સાધવા માટે લશ્કરના ભૂતપૂર્વ જવાનોનો કોલ સેન્ટરની સેવા માટે પણ ઉપયોગ કરવાના પ્રધાનમંત્રીએ નિર્દેશ આપ્યા હતા.