મુંબઇ મહાનગરપાલિકાના નગરસેવકોએ લીધી મુખ્ય મંત્રીશ્રીની સૌજન્ય મુલાકાત
અમદાવાદના સુઆયોજિત આધુનિક વિકાસ અને સુખાકારીના નવા આયામોથી પ્રભાવિત થતા મુંબઇના નગરસેવકો
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાત આજે મુંબઇ મહાનગરપાલિકાના વિવિધ પક્ષોના ચૂંટાયેલા ૧૮ નગરસેવકોના વરિષ્ઠ પ્રતિનિધિમંડળે લીધી હતી અને અમદાવાદ મહાનગરમાં મુખ્ય મંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ શહેરી સુખાકારી સેવાઓ અને સુવિધામાં દેખાઇ રહેલા ગુણાત્મક પરિવર્તનોની પ્રસંશા કરી હતી.
મુંબઇના આ નગરસેવકોના પ્રતિનિધિમંડળે અમદાવાદમાં વિશેષ કરીને સાબરમતી નદીના શુદ્ધિકરણ અને નર્મદાના પાણીથી સાબરમતી રિવરફ્રંન્ટ પ્રોજેકટ, કાંકરિયા લેઇક ફ્રંટ ડેવલપમેન્ટ, બીઆરટીએસજનમાર્ગ સહિતના આધુનિક વિકાસના માળખાકીય સુવિધાના નવા આયામોની સફળતા સાથે અમદાવાદની સાંસ્કૃતિક વિરાસત માટેની કાળજી વગેરેમાં સરકારની વિકાસ માટેની જનભાગીદારી વિશે ભારોભાર પ્રસંશા કરી હતી.