સરકાર આવકવેરા ધારા 1961 અને નાણા (નંબર 2) ધારો, 2019માં ચોક્કસ સુધારા કરવા કરેવરા કાયદા (સંશોધન) વટહુકમ, 2019 પ્રસ્તુત કર્યો છે. આ જાહેરાત કેન્દ્રીય નાણાં અને કૉર્પોરેટ મંત્રી શ્રીમતી નિર્મલા સિતારમણે આજે ગોવામાં એક પત્રકાર પરિષદમાં કરી હતી. નાણાં મંત્રીએ વધુમાં આ સુધારાઓની ઉપયોગિતા સમજાવી હતી, જે નીચે મુજબ છેઃ
a. આર્થિક વૃદ્ધિ અને રોકાણને પ્રોત્સાહન આપવા નાણાકીય વર્ષ 2019-20માં આવકવેરા ધારામાં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જેનો અમલ ચાલુ વર્ષે જ થશે. આ જોગવાઈ કોઈ પણ સ્થાનિક કંપનીને 22 ટકાનાં દરે આવકવેરો ચૂકવવાનો વિકલ્પ આપે છે, જે એ શરતને આધિન છે કે, તેઓ અન્ય કોઈ મુક્તિ/છૂટછાટનો લાભ નહીં લે. આ કંપનીઓ માટે કરવેરાનો અસરકારક દર 25.17 ટકા હશે, જેમાં સરચાર્જ અને સેસ સામેલ છે. ઉપરાંત આ પ્રકારની કંપનીઓને લઘુતમ વૈકલ્પિક કરવેરો (એમએટી) પણ ચૂકવવાની જરૂર નહીં પડે.
b. ઉત્પાદન ક્ષેત્રમાં નવું રોકાણ મેળવવા અને આ રીતે સરકારની પહેલ ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપવા નાણાકીય વર્ષ 2019-20થી આવકવેરા ધારામાં અન્ય એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે, જે 1 ઓક્ટોબર, 2019નાં રોજ કે પછી સ્થાપિત થનારી કોઈ પણ નવી સ્થાનિક કંપનીને ઉત્પાદન ક્ષેત્રમાં નવું રોકાણ કરવાની સુવિધા આપે છે, જેમને 15 ટકાનાં દરે આવકવેરો ચુકવવાનો વિકલ્પ મળશે. આ લાભ એવી કંપનીઓને જ મળશે, જેઓ અન્ય કોઈ મુક્તિ/છૂટછાટનો લાભ નહીં લે તેમજ 31 માર્ચ, 2023નાં રોજ કે એ અગાઉ તેમનું ઉત્પાદન શરૂ કરશે. આ કંપનીઓ માટે કરવેરાનો અસરકારક દર 17.01 ટકા હશે, જેમાં સરચાર્જ અને સેસ સામેલ હશે. ઉપરાંત આ પ્રકારની કંપનીઓને લઘુતમ વૈકલ્પિક કરવેરો (એમએટી) પણ ચૂકવવાની જરૂર નહીં પડે.
c. કરવેરાની છૂટછાટ વ્યવસ્થાની પસંદગી ન કરતી અને કરમુક્તિ/છૂટછાટનો લાભ લેનારી કંપની અગાઉ સંશોધિત દર પર કરવેરાની ચૂકવણી જાળવી રાખશે. જોકે આ કંપનીઓ તેમનાં ટેક્સ હોલિડે/કરમુક્તિનો ગાળો પૂર્ણ થયા પછી કરવેરાની છૂટછાટ વ્યવસ્થાનો લાભ લઈ શકે છે. આ વિકલ્પની કવાયત પછી કંપનીઓ 22 ટકાનાં દરે કરવેરો ચૂકવવા જવાબદાર રહેશે અને એકવાર આ વિકલ્પ અજમાવ્યાં પછી કંપની એમાંથી બહાર નહીં નીકળી શકે. ઉપરાંત કરમુક્તિ/છૂટછાટોનો લાભ લેવાનું જાળવી રાખનારી કંપનીઓને રાહત પ્રદાન કરવા લઘુતમ વૈકલ્પિક કરવેરા (એમએટી)નો દર હાલનાં 18.5 ટકાથી ઘટાડીને 15 ટકા કરવામાં આવ્યો છે.
e. મૂડીબજારમાં ફંડનો પ્રવાહ સ્થિર જાળવી રાખવા નાણા (નંબર 2) ધારો, 2019 દ્વારા પ્રસ્તુત સંવર્ધિત સરચાર્જ કંપનીમાં ઇક્વિટી શેરનાં કે ઇક્વિટી ભંડોળ એકમનાં કે સુરક્ષા (Security) લેવડ-દેવડ ટેક્સ માટે જવાબદાર વ્યવસાયિક ટ્રસ્ટનાં એકમનાં વેચાણ પર વ્યક્તિ, એચયુએફ, એઓપી, બીઓઆઈ અને એજેપીનાં હાથ જતાં મૂડીગત લાભ પર મુડી વધારાનો લાભ લાગુ નહીં થાય.
f. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઈ) માટે ડેરિવેટિવ્સ સહિત કોઈ પણ સીક્યોરિટીનાં વેચાણમાંથી થનાર મુડી વધારા પર સંવર્ધિત સરચાર્જ લાગુ નહીં પડે.
જે સૂચીબદ્ધ કંપનીઓએ 5 જુલાઈ, 2019 અગાઉ શેરોની પુનઃખરીદીની જાહેરાત કરી છે, તેમને પણ કોઈ પણ પ્રકારનો કરવેરો ચૂકવવો નહીં પડે.
g. સરકારે સીએસઆર સ્વરૂપે 2 ટકાનાં ખર્ચનાં અવકાશને વધારવાનો નિર્ણય પણ લીધો છે. હવે 2 ટકા સીએસઆર ભંડોળનો ખર્ચ કેન્દ્ર કે રાજ્ય સરકાર કે કોઈ પણ એજન્સી કે કેન્દ્ર અથવા રાજ્ય સરકારનાં જાહેર સાહસ દ્વારા ફંડેડ ઇન્ક્યુબેટર્સ પર કરી શકાશે તથા વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનીયરિંગ તેમજ તબીબી સંશોધન કાર્યમાં સંકળાયેલી અને એસડીજીને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવતી સાર્વજનિક ભંડોળથી ચાલતી યુનિવર્સિટીઓ, આઇઆઇટી, રાષ્ટ્રીય લેબોરેટરીઓ અને સ્વાયત્ત સંસ્થાઓ (આઇસીએઆર, આઇસીએમઆર, સીએસઆઇઆર, ડીએઈ, ડીઆરડીઓ, ડીએસટી, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયનાં નેજાં હેઠળ સ્થાપિત)માં પ્રદાન કરી શકશે.
કૉર્પોરેટ કરવેરાનાં દરમાં ઘટાડો અને અન્ય રાહતો પ્રદાન કરવાથી સરકારને રૂ. 1,45,000 કરોડની આવક ગુમાવવી પડશે.