ગ્લોબલ બુધ્ધિષ્ઠ કોંગ્રેગ્રેશનના કન્વિનર વેનલામા લોબઝેન્ગએ મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લઇને ગુજરાત સરકારના બુધ્ધ વિરાસત માટેના જતનના પ્રયાસોની પ્રસંશા કરી
બુધ્ધ વિરાસતના જતન માટેનું નેતૃત્વ લેવા ભારત સક્ષમ
ગુજરાત ભગવાન બુધ્ધ અને બૌધ્ધ ધર્મની વિરાસતના અવશેષોથી સમૃધ્ધ છે
વિશ્વકક્ષાનું બૌધ્ધ મંદિર ગુજરાતમાં નિર્માણ થશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજ્ન્ય મૂલાકાત આજે, ગ્લોબલ બુધ્ધિષ્ઠ કોંગ્રેગ્રેશનના કન્વિનર વેન લામા લોબઝેન્ગએ લીધી હતી અને ભારતમાં બુધ્ધ વિરાસતના જતનસંવર્ધન માટે નેતૃત્વ લેવાની ક્ષમતા સંદર્ભમાં પરામર્શ કર્યો હતો.
શ્રીયુત લામા લોબઝેન્ગ જેઓ (Mr. VEN LAMA LOBZANG) ભગવાન બુધ્ધના હેરિટેજ વિકાસ માટેના અશોક મિશનના પ્રમુખ છે તેમણે પશ્ચિમ ભારતમાં વિશેષ કરીને ગુજરાતમાં બુધ્ધ ધર્મની વિરાસત માટે મુખ્યમંત્રીશ્રીએ હાથ ધરેલા અભિનવ પ્રયાસોની પ્રસંશા કરી હતી અને ગુજરાતમાં મળી આવેલા ભગવાન બુધ્ધના પાર્થિવ દેહના અસ્થિ અવશેષોના જતન માટે રાજ્ય સરકારે જે પહેલ કરી છે તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા.
શ્રીયુત લામા લોબઝેન્ગને ગુજરાતમાં બુધ્ધ ધર્મની વિરાસતના પ્રભાવથી મુખ્યમંત્રીશ્રીએ માહિતગાર કર્યા હતા. ગુજરાતમાં ભગવાન બુધ્ધનું વિશ્વકક્ષાનું ભવ્ય મંદિર બુધ્ધ ટેમ્પલ દેવની મોરીના સ્થળે બાંધવાની નેમ વ્યકત કરી હતી.
ગુજરાત સરકાર ભારતમાં બૌધ્ધ ધર્મની સાંસ્કૃતિક વિરાસતના જતન અને વિકાસ માટે સહયોગ આપવા તત્પર છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવ શ્રી કે. કૈલાસનાથન અને શ્રીયુત લોદી જી ગ્યારી પણ ઉપસ્થિત હતા.