પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, તમામ દિશાઓમાંથી રેલવે જોડાણ દ્વારા કેવડિયાનું જોડાણ દરેક માટે ગર્વની બાબત છે અને યાદગાર ક્ષણ છે. શ્રી મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશના વિવિધ વિસ્તારોમાંથી ગુજરાતના કેવડિયાને જોડતી આઠ ટ્રેનોનો શુભારંભ કરાવીને અને ગુજરાતમાં રેલવે સાથે સંબંધિત કેટલાંક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા પછી આ વાત કરી હતી.
પ્રધાનમંત્રીએ કેવડિયા અને પ્રતાપનગર વચ્ચે મેમુ સર્વિસ ઉપરાંત કેવડિયા અને ચેન્નાઈ, વારાણસી, રેવા, દાદર અને દિલ્હી સાથે જોડતી નવી રેલવે તેમજ ચાંદોદ – કેવડિયા વચ્ચે નવી લાઇનનું ઉદ્ઘાટનને કેવડિયાના વિકાસમાં નવા પ્રકરણની શરૂઆત સમાન ગણાવ્યું હતું. એનાથી પ્રવાસીઓ અને સ્થાનિક આદિવાસીઓ એમ બંનેને લાભ થશે, કારણ કે કેવડિયાનો વિકાસ થવાથી સ્થાનિક આદિવાસીઓ માટે સ્વરોજગારીની અને રોજગારીની નવી તકો ઊભી થશે.
રેલવે લાઇન નર્મદાના કિનારે સ્થિત કરનાલી, પોઇચા અને ગરુડેશ્વર જેવા આધ્યાત્મિક કેન્દ્રોને પણ જોડાણ પ્રદાન કરશે.