એમણે ભારતની ભૂમિ છોડી છે, છતાં તેમને ભારત માટે એવોને એવો જ પ્રેમ છે. વૈશ્વિક તખ્તા પર ભારતીય ડાયસ્પોરા સૌથી ગતિશીલ અને સફળ સમુદાય છે, આ સમુદાય જે દેશોમાં જઈને સ્થાયી થયો છે, ત્યાં સ્થાનિક રીતરિવાજો અને પરંપરાઓ સાથે પૂરેપૂરા હળીમળી જાય છે, એટલું જ નહીં, તેમના વિકાસમાં પણ યોગદાન કરે છે. પરંતુ સાથોસાથ, તેમના હૃદય ભારત માટે હજુ પણ ધબકતા હોય છે અને જ્યારે પણ જરૂરિયાત ઊભી થાય ત્યારે તે ભારતને મદદગાર બને છે.
શ્રી નરેન્દ્ર મોદી ડાયસ્પોરામાં હંમેશા લોકપ્રિય રહ્યા છે, તેઓ શ્રી મોદીને બદલાવના પ્રતિનિધિ તરીકે જુએ છે, જેઓ ભારતનું આમૂલ પરિવર્તન કરવાના છે. પ્રત્યેક વિદેશ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી ડાયસ્પોરા સાથે જોડાવાની તક ઝડપે છે. ન્યુયોર્ક શહેરમાં મેડિસન સ્ક્વેર ગાર્ડનથી માંડીને સિડનીમાં ઓલફોન્સ એરેના, ધી, હિંદ મહાસાગરમાં સેશેલ્સ અને મોરિશિયસથી માંડીને શાંઘાઈ, સુધી નરેન્દ્ર મોદીને ભારતીય સમુદાય તરફથી પ્રચંડ આવકાર મળ્યો છે.
પ્રધાનમંત્રી શ્રીના વક્તવ્યો અત્યંત પ્રેરણાદાયી હોય છે, જેમાં તેઓ ભારત પર ફૂંકાઈ રહેલા પરિવર્તનના પવન અંગે વાત કરે છે, લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે સરકારના પ્રયત્નો વિશે વાત કરે છે અને ભારતના વિકાસમાં ડાયસ્પોરાની ભૂમિકા જણાવે છે.
પર્સન ઑફ ઈન્ડિયન ઓરિજિન (વિદેશમાં વસેલી ભારતીય મૂળની વ્યક્તિ - પીઆઈઓ) તેમજ ઓવરસીઝ સીટીઝનશીપ ઑફ ઈન્ડિયા (વિદેશમાં વસેલા ભારતીય મૂળના લોકોને ભારતની નાગરિકતા - બેવડી નાગરિકતા)ના એકીકરણના અત્યંત આવશ્યક સુધારાને વિશ્વભરમાં વસેલા ભારતીય ડાયસ્પોરાએ આવકાર્યો છે. ઘણાં સ્થળોએ વિઝાના નિયમો હળવા કરવાને તેમજ પ્રક્રિયાઓના સરળીકરણને પણ આવકારવામાં આવ્યું છે.
સામુદાયિક સત્કાર સમારંભો ઉપરાંત ભારતીય સમુદાય શ્રી મોદીને એરપોર્ટસ પર તેમજ તેઓ જે પ્રસંગોમાં હાજરી આપે, તે વિવિધ પ્રસંગોએ પણ આવકારે છે. પ્રધાનમંત્રી હાજરી આપવાના હોય તેવા વિદેશોમાં યોજાયેલા કાર્યક્રમો દરમિયાન ‘મોદી, મોદી, મોદી’ના હર્ષોનાદ અત્યંત સ્વાભાવિક બની ગયા છે. ફ્રાંસમાં પ્રથમ વિશ્વયુદ્ધની યાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તો પ્રધાનમંત્રીએ લોકોને આમ નહીં કરવા અને “શહીદો અમર રહો”નો નારો લગાવવા વિનંતી કરવી પડી હતી.
પ્રધાનમંત્રીએ ડાયસ્પોરાની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખી કાઢી અને ભારતના વિકાસ માટે તેમને સાથે જોડવાનું ચાલુ રાખ્યું છે.