શ્રી મોદીએ શ્રી બાલાસાહેબ ઠાકરેને ભાવભીની શ્રદ્ધાંજલી આપી શિવસેનાના દિવંગત દિગ્ગજ નેતા પ્રત્યે સન્માન રૂપે બે મિનિટનું મૌન પાળ્યું
આ એક ઐતિહાસિક ઘટના છે, જ્યારે લોકો પહેલી વખત આ પ્રકારની ટેક્નોલૉજીના માધ્યમ દ્વારા જોડાઈ રહ્યા છે : શ્રી મોદી
ગુજરાતની પ્રશંસા તેના વિકાસ માટે છેલ્લાં 11 વર્ષથી થઈ રહી છે તથા તેનું કારણ છે ગુજરાતના લોકોનો દૃઢનિશ્ચય તથા દૂરંદેશી : શ્રી મોદી
હું હંમેશાં વડાપ્રધાનને વિકાસના મુદ્દે સ્પર્ધા કરવા માટે આગ્રહ કરું છું, પરંતુ તેઓ આક્ષેપો, અપશબ્દોની હરીફાઈ કરવા તથા ગુજરાતને બદનામ કરવા માંગે છે: શ્રી મોદી
કૉંગ્રેસે દેશને બરબાદ કરી દીધો છે. પહેલાં તેમણે 356 ની કલમનો દુરૂપયોગ કર્યો, હવે તેઓ સી.બી.આઈ. નો દુરૂપયોગ કરી રહ્યા છે : શ્રી મોદી
મુખ્યમંત્રીએ મતદારોને ગુજરાતમાં કમળને વિજયી બનાવવાની વિનંતી કરી, મહિલા મતદારો પાસે મજબૂત સહભાગિતા માટેની માંગ કરી
રવિવાર 18 નવેમ્બર, 2012ની સાંજે શ્રી નરેન્દ્ર મોદીએ 3-ડી ટેક્નોલૉજીનો ઉપયોગ કરીને એક જ સમયે ગુજરાતનાં ચાર અલગ અલગ શહેરોમાં વિરાટ જાહેર સભાઓને સંબોધિત કરી. જાહેર સભાઓ અમદાવાદ, સૂરત, વડોદરા તથા રાજકોટમાં આયોજીત કરવામાં આવેલ. શ્રી મોદીએ આને ગુજરાતમાં થઈ રહેલ ઐતિહાસિક ઘટના તરીકે ઓળખાવી, જેણે ટેકનોલૉજીના ઉપયોગના એક નવા અધ્યાયની શરૂઆત કરી. તેમણે નવા વર્ષની શરૂઆત તથા લાભ પાંચમના પર્વ નિમિત્તે લોકોને શુભકામનાઓ આપી.
પોતાનું ભાષણ શરૂ કરતાં પહેલાં, શ્રી મોદીએ શિવસેનાના દિગ્ગજ નેતા શ્રી બાલાસાહેબ ઠાકરેને પોતાના દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલી અર્પી, જેમનું 86 વર્ષની વયે અવસાન થયું. તેમણે દિવંગત નેતાના સન્માનમાં બે મિનિટનું મૌન પાળવા માટે જણાવ્યું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે પહેલી વાર ટેક્નોલૉજીના ઉપયોગ દ્વારા લોકો આ પ્રકારે જોડાઈ રહ્યા છે અને ઉમેર્યું કે ટેક્નોલૉજી તો ફક્ત માધ્યમ છે – લોકો સાથેનો તેમનો સંબંધ તો દિલનો છે.
શ્રી મોદીએ કહ્યું કે તેઓ લોકોના આશીર્વાદ ઇચ્છે છે તથા જણાવ્યું કે આ સીટ પરથી કોઈ પણ વ્યક્તિ ઊભી રહે, પરંતુ તેઓ જ ઉમેદવાર રહેશે તથા લોકોના સુખ-દુ:ખના હંમેશાં સાથી બની રહેશે. તેમણે કમળને ફરીથી વિજયી બનાવવા માટે લોકોને જોરદાર અપીલ કરી તથા લોકોને અનુરોધ કર્યો કે દિલ્હીના લૂંટારાઓને ગુજરાતમાં પગ મૂકવા દેવો જોઈએ નહીં. તેમણે મહિલા મતદારોને પણ આ ચૂંટણીમાં મજબૂત સહભાગિતા માટે માંગ કરી.ગુજરાતમાં છેલ્લાં 11 વર્ષમા થયેલા વિકાસ પર વાત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ગુજરાતની પ્રશંસા તેના વિકાસ માટે સમગ્ર દુનિયામાં થઈ રહી છે તથા તેની પાછળનું કારણ ગુજરાતના લોકોનો દૃઢનિશ્ચય અને દૂરંદેશી રહેલ છે. તેમણે રાજકીય સ્થિરતાને ગુજરાતની સફળતા પાછળ રહેલ પરિબળ તરીકે ગણાવી અને ભારપૂર્વક કહ્યું કે જો ગુજરાતમાં રાજકીય સ્થિરતા ન હોત તો ગુજરાત વિકાસની આ ઊંચાઈઓને આંબી શક્યું ન હોત.
તેમણે જણાવ્યું કે કૃષિ હોય, ઉદ્યોગ હોય, સિંચાઈ હોય કે કોઈ પણ અન્ય ક્ષેત્ર હોય, રાજ્યએ તમામ ક્ષેત્રના વિકાસમાં એક અમીટ છાપ છોડી છે. શ્રી મોદીએ જાહેર કર્યું કે ‘સૌની યોજના’ સૌરાષ્ટ્રના ખેડૂતોનું જીવન બદલી નાખશે. તેમણે કહ્યું કે જે સમયે દેશનો કૃષિ વિકાસ દર 2-3% ને પાર કરી શકતો ન હોય, ત્યારે ગુજરાતમાં ખેતી 11% ના દરથી વધી રહેલ છે.
શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ જ્યારે પણ વડાપ્રધાન સાથે વિકાસના મુદ્દે સ્પર્ધા કરવાની વાત કરે છે, ત્યારે તેઓ આરોપો, અપશબ્દો તથા ગુજરાતની બદનામીની હરીફાઈ કરવા ઇચ્છે છે. તેમણે એક ઘટનાને યાદ કરી જેમાં કૉંગ્રેસના એક નેતાએ તેમની તુલના વાનર સાથે કરેલ, પરંતુ તેઓએ કહ્યું કે તે નેતા રામાયણ અને વાનરશક્તિના સામર્થ્યને કદાચ ભૂલી ગયા છે.કૉંગ્રેસ દ્વારા ફેલાવાઈ રહેલાં જૂઠાણાં બાબતે વધુ ઉદાહરણો આપતાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ જૂઠ ફેલાવી રહ્યા છે કે ગુજરાત સરકારે ગૌચરની જમીન આપી દે છે. પરંતુ 1980 થી 1985 સુધી એ કૉંગ્રેસની સરકાર હતી જેણે દક્ષિણ ગુજરાતની 93% મહામૂલી ગૌચર ભૂમિ આપી દીધી હતી, જ્યારે હકીકતમાં છેલ્લાં 11 વર્ષમાં તો ફક્ત 4% ગૌચર ભૂમિ જ આપવામાં આવેલ છે.
તેમણે વધુમાં કૉંગ્રેસના ગુજરાતમાં શિક્ષણ મોંઘું હોવાના એક વધુ જૂઠાણાંની વાત કરી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં એંજિનિયરિંગની ફી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનની સરખામણીમાં ઓછી છે, કે જ્યાં બન્ને જગ્યાએ કૉંગ્રેસનું શાસન છે. તેમણે કૉંગ્રેસ દ્વારા ફેલાવવામાં આવી રહેલ જૂઠાણાંને સમજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
મુખ્યમંત્રીએ કૉંગ્રેસ દ્વારા આપવામાં આવેલ વચનો કે જો 2004 અને 2009 માં ચૂંટાઈ આવશે તો 100 દિવસની અંદર મોંઘવારી દૂર કરી દેશે પર ઝાટકણી કાઢી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ફક્ત કિંમતો ઓછી નથી થઈ એટલું જ નહીં, પરંતુ આ સરકારે તો સિલિંડરો પણ છીનવી લીધાં છે, જેના કારણે પરિવારો પર બહુ માઠી અસર પડશે. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે કૉંગ્રેસના કોઈ પણ નેતાએ આ વાત પર દિલસોજી પણ વ્યક્ત નથી કરી. તેમણે લોકોને પાઇપલાઇન દ્વારા ગેસ પહોંચાડવાના રાજ્ય સરકારનાં પગલાં બાબતે કેન્દ્ર સરકારના ગુજરાત વિરોધી વલણ બાબતે જણાવ્યું. કૉંગ્રેસના ગુજરાત વિરોધી વલણનું એક વધુ ઉદાહરણ આપતાં શ્રી મોદીએ કહ્યું કે કેવી રીતે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં આવેલ કંપનીઓને દિલ્હીથી આવકવેરાની નોટિસો ફટકારવામાં આવી હતી.તેમણે પોતાના ભાષણમાં કોઈ પણ યુવા જે પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે લોન લેવા માંગતા હોય તેના ગેરંટર બનાવાના ગુજરાત સરકારના નિર્ણય વિષે વાત કરી.
શ્રી મોદીએ જણાવ્યું કે કૉંગ્રેસે દેશને બરબાદ કર્યો છે તથા રાજકીય પંડિતોને વિનંતી કરી કે તેઓ કૉંગ્રેસની વાસ્તવિક પ્રકૃતિનું અધ્યયન કરે અને લોકોના ધ્યાન પર લાવે. તેમણે યાદ કર્યું કે જે સમયે દેશના રાજકારણ પર કૉંગ્રેસનું વર્ચસ્વ ન રહ્યું ત્યારે તેઓએ કલમ 356 નો વિપક્ષી સરકારો સામે દુરૂપયોગ કર્યો હતો અને હવે જ્યારે તેઓ તેમ કરી શકે તેમ નથી ત્યારે તેઓ સી.બી.આઈ. નો દુરૂપયોગ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં કૉંગ્રેસ ફક્ત પોતાના ઉમેદવારો જ ઉભા રાખી રહી છે, પરંતુ અસલમાં ચૂંટણી તો સી.બી.આઈ. જ લડી રહી છે.
મુખ્યમંત્રીએ યાદ કર્યું કે કેવી રીતે રાણી લક્ષ્મીબાઈએ કહ્યું હતું કે, “હું મારું ઝાંસી નહીં આપું” તથા ગુજરાતના લોકોને કહ્યું કે તેઓ પણ દૃઢપણે જણાવે કે અમે પણ અમારું રાજ્ય કૉંગ્રેસના હાથમાં નહીં સોંપીએ. તેમણે જણાવ્યું કે તમામ લોકોએ ભવ્ય અને દિવ્ય ગુજરાત માટે સંગઠિત થવું પડશે. તેમણે ઉમેર્યું કે ભૂતકાળથી વિપરીત કે જ્યારે ગુજરાતમાં કર્ફ્યૂ સામાન્ય બાબત હતી, હવે રાજ્યએ શાંતિ, એકતા અને ભાઈચારાના રસ્તે આગળ ધપવાનો માર્ગ બતાવ્યો છે.