કોંગ્રેસ સરકારે ૧૯૮૫ થી ૧૯૯૦ દરમ્યાન ઉદ્યોગોને આપેલી કુલ જમીનમાંથી ૯૩% જમીન ગૌચર જમીન હતી,
૧૯૯૦-૧૯૯૫ દરમ્યાન ૩૨% ગૌચર જમીન આપી દીધી.
શ્રી મોદીનાં ૧૧ વર્ષનાં નેતૃત્વમાં ૪% જેટલી જ ગૌચર જમીન ફાળવવામાં આવી છે.
કોંગ્રેસનાં જુઠ્ઠાણા ફરી એકવાર ખુલ્લા પડી ગયા!
ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણીઓ નજીક છે ત્યારે કોંગ્રેસનો ગભરાટ વધી રહ્યો છે એ જોઈ શકાય છે. ગુજરાતનાં લોકોએ વર્ષોથી આ પક્ષને સત્તાથી દુર રાખ્યો છે અને એટલે છેલ્લા ૧૧ વર્ષથી સતત ચાલી રહેલી રાજ્યની વિકાસયાત્રામાં અવરોધ નાખવા તેઓ શક્ય એટલી તમામ યુક્તિઓ અપનાવીને જુઠ્ઠાણા ફેલાવી રહ્યા છે. કોંગ્રેસ આ માટે અફવાઓ ફેલાવવાનું અને જુઠ્ઠા વ્યક્તિગત આક્ષેપો દ્વારા ચરિત્ર્યહનન કરવાનું પણ ચૂકી નથી.
કોંગ્રેસે ફેલાવેલા અનેક જુઠ્ઠાણાઓમાંથી એક એ છે કે ગુજરાત સરકારે છેલ્લા ૧૧ વર્ષમાં મોટા પાયે ગૌચર જમીન ઉદ્યોગોને આપી દીધી છે. કાલ્પનિક વાતો ઘડી કાઢવા માટે જો નોબલ ઈનામ આપવામાં આવે તો તેની સૌથી યોગ્ય હકદાર ગુજરાતની કોંગ્રેસ પાર્ટી જ છે.
આંકડાઓ પરથી ખ્યાલ આવશે કે કોણે આ કિંમતી ગૌચર જમીન આપી દીધી, અને કોણે તેને બચાવવાનાં તમામ પ્રયત્નો કર્યા.
૧૯૮૫-૧૯૯૦ માં જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે તેણે ઉદ્યોગોને આપેલી કુલ જમીનમાંથી ૯૩% જમીન ગૌચર જમીન હતી.
ત્યારબાદ ૧૯૯૦-૯૫નાં પાંચ વર્ષ કે જ્યારે કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે ઉદ્યોગોને આપવામાં આવેલી કુલ જમીનમાંથી ૩૨% જમીન ગૌચર જમીન હતી.
દક્ષિણ ગુજરાતની અંત્યત હરિયાળી એવી ગૌચર જમીન ઉદ્યોગોને આપી દઈને કોંગ્રેસે પોતાની લાગણીહિનતાનો પરચો આપ્યો હતો.
શ્રી નરેન્દ્રભાઈ મોદી ૨૦૦૧માં સત્તા પર આવ્યા પછી પરિસ્થિતિ બદલાવાનું શરૂ થયું. પહેલેથી જ તેમણે ગૌચર જમીન પ્રત્યે સંવેદનશીલતા બતાવી અને તેમના નેતૃત્વમાં છેલ્લા ૧૧ વર્ષમાં ઉદ્યોગોને ફાળવવામાં આવેલી કુલ જમીનમાં માત્ર ૪% જેટલી જ ગૌચર જમીન હતી. ભુતકાળમાં ક્યારેય આવા આંકડા સાંભળવા મળ્યા નહોતા.
૧૯૮૦ થી ૧૯૯૦ નાં દશકમાં (જ્યારે ગુજરાતમાં દરેક સ્તર પર કોંગ્રેસનું શાસન હતું) ગુજરાતમાંથી ૩૬૦૦ હેક્ટર જેટલી ગૌચરની જમીન ઓછી થઈ ગઈ હતી. પરંતુ શ્રી નરેન્દ્રભાઈ મોદીનાં દુરંદેશી નેતૃત્વ દરમ્યાન છેલ્લા ૧૧ વર્ષમાં ૬૮૦૦ હેક્ટર જેટલી જમીન વધવા પામી છે.
તો ગુજરાતની ગૌચર જમીનને કોણ ખાઈ ગયું? કોંગ્રેસનાં અંધેર શાસનમાં ન માત્ર ગૌચર જમીન વહેંચી દેવામાં આવી, પણ વિકાસનાં લાભ સામાન્ય માણસ સુધી પહોંચવા પણ ન પામ્યા. આજે, અર્થતંત્રનાં તમામ ક્ષેત્રોમાં પ્રગતિ જોવા મળે છે. દેશનો કૃષિદર માંડ ૩% ની આસપાસ ફરી રહ્યો છે, ત્યારે ગુજરાતનો કૃષિવિકાસ દર ૧૧% જેટલો છે, એટલું જ નહિ, રાજ્યનાં ઉદ્યોગો પણ ઘણી સારી પ્રગતિ કરી રહ્યા છે. ગુજરાત દેશમાં સૌથી વધુ રોજગારી પ્રદાન કરી રહ્યુ છે, અને ભારત સરકારનાં આંકડા પ્રમાણે રાજ્યમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે.
આમ, હવે તમારે નક્કી કરવાનું છે:
ગૌચર જમીન મામલે કોંગ્રેસનો પોતાનો વર્તાવ સાવ સંવેદનાહિન રહ્યો છે, ત્યારે ગુજરાતનાં લોકોને ગૌચર જમીન મામલે તે ગેરમાર્ગે કેમ દોરી રહી છે?
પોતાના હિતોની પૂર્તિ માટે જુઠ્ઠાણા ફેલાવીને ગુજરાતની વિકાસયાત્રામાં રોડા નાખનાર આ લોકો પર ભરોસો કરી શકાય?
ક્યારેય નહિ.