શ્રી નરેન્દ્ર મોદીની હિમાચલ પ્રદેશમાં પ્રચાર ઝુંબેશ ચાલુ, કાંગરામાં જાહેરસભામાં સંબોધન
શ્રી મોદીએ લોકોને ભાજપની સરકારને ફરીથી ચૂંટવા માટે આગ્રહ કર્યો, તેમણે કહ્યું કે તેઓ ભાજપ તરફી જુવાળ જોઈ રહ્યા છે
ગુજરાતના વિકાસ પાછળનું કારણ છે રાજકીય સ્થિરતા આ વખતે તો પંજાબે પણ વૈકલ્પિક સરકારના વલણને ફગાવી દીધું અને પ્રવર્તમાન સરકારને ફરીથી ચૂંટી કાઢી : શ્રી મોદી
વડાપ્રધાને મત તો માંગ્યા પરંતુ જનતા પ્રત્યેની જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહેલ છે : શ્રી મોદી
કૉંગ્રેસે ભ્રષ્ટાચારને સંસ્થાગત કરી દીધેલ છે, કૉંગ્રેસમાં અપરાધ કરો તો તમને ઇનામ મળે છે : મુખ્યમંત્રી
આ દેવભૂમિ પર આપણે દિલ્હીનાં પાપોને પ્રવેશવા દેવા માંગીએ છીએ? શ્રી મોદીનો સવાલ
રાજ્યમાં આગામી વિધાનસભા ચૂંટણીના પગલે હિમાચલ પ્રદેશમાં પોતાનો ચૂંટણી પ્રચાર ચાલુ રાખતાં શ્રી નરેન્દ્ર મોદીએ કાંગરામાં એક જાહેરસભાને સંબોધિત કરી, જેમાં તેમણે ભાજપને રાજ્યમાં શાસન ચલાવવા માટેની બીજી તક આપવા માટે લોકોને ખૂબ ભારપૂર્વક અપીલ કરી.હિમાચલ પ્રદેશ સાથેના પોતાના જૂના સંબંધોને તાજા કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓએ ઘણાં વર્ષો સુધી આ પહાડી રાજ્યમાં કામ કરેલ છે તથા ગુજરાત બહાર હિમાચલ તેમનું બીજું ઘર છે.
આગામી ચૂંટણી બાબતે શ્રી મોદીએ નિશ્ચયપૂર્વક જણાવ્યું કે તેમણે અનેક ચૂંટણીઓ જોઇ છે, પરંતુ આ વખતે તેઓ ભાજપ તરફી જૂવાળ જોઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આજે ગુજરાતે જે વિકાસનાં નવાં શિખરો સર કર્યાં છે તેની પાછળનું કારણ છે રાજકીય સ્થિરતા - છેલ્લી કેટલીય ચૂંટણીઓથી રાજ્યમં ભાજપ જ જીતી રહેલ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે રાજકીય સ્થિરતાના કારણે ઉત્તરદાયિત્વમાં વધારો થાય છે અને નીતિ-નિયમોમાં પણ સુસંગતતા આવે છે. તેમણે લોકોને અપીલ કરી કે ચાલુ સરકારને બદલવાની પ્રથાને બંધ કરવી જોઈએ અને તેમણે પડોશી રાજ્ય પંજાબનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે જાન્યુઆરી 2012 ની ચૂંટણીમાં અકાલી દળ-ભાજપની સરકારને ફરીથી ચૂંટીને તેમણે ઇતિહાસ રચ્યો છે.
શ્રી મોદીએ જણાવ્યું કે શ્રી ધુમલની સરકારે 72 પુરસ્કારો જીત્યા છે, ત્યારે બીજી તરફ ડૉ. મનમોહન સિંહની સરકાર એક પણ પુરસ્કાર જીતી શકી નથી.
વડાપ્રધાનની હિમાચલ પ્રદેશની મુલાકાતનો ઉલ્લેખ કરતાં શ્રી મોદીએ કહ્યું કે તેમની મુલાકાત એક સમાચાર બની ગયા કે ડૉ. ‘મૌનમોહન’ સિંહે મૌન તોડવાનો નિર્ણય કર્યો, પરંતુ શ્રી મોદીએ જણાવ્યું કે કમનસીબે વડાપ્રધાન તથા શ્રીમતી સોનિયા ગાંધી ગરીબોની પરિસ્થિતિ બાબતે કાંઈ પણ બોલવામાં નિષ્ફળ રહ્યા છે, કે જેઓ મોંઘવારીથી પીડાઈ રહ્યા છે.
મુખ્યમંત્રીએ લોકોને કૉંગ્રેસે 2009 માં આપેલ વચનને યાદ કરાવ્યું કે ચૂંટણી જીત્યાના 100 દિવસમાં તેઓ મોંઘવારી ઘટાડશે અને પૂછ્યું કે શું એવું થયું છે? તેમણે વધુમાં જણાવ્યું કે વડાપ્રધાને જનતા સમક્ષ આવવું જોઈએ તથા ભાવવધારા માટે જવાબ આપવો જોઈએ. શ્રી મોદીએ જાહેર કર્યું કે વડાપ્રધાન હિમાચલમાં મત ઉઘરાવવા તો આવ્યા પરંતુ જનતા પ્રત્યેની કોઈ પણ જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા.
તેમણે કહ્યું કે કૉંગ્રેસે એલ.પી.જી. સિલિન્ડરની મર્યાદાના નામે લોકોના જખમો પર મીઠું ભભરાવ્યું છે અને વધારાનાં ત્રણ સિલિન્ડર સબસીડીવાળી કિંમતે આપવાનું ખોટું વચન આપ્યું જે આજ સુધી થયું નથી.
યુ.પી.એ. સરકાર હિમાચલ પ્રદેશને રૂ. 10,000 કરોડની સહાય આપવાના શ્રીમતી સોનિયા ગાંધીના નિવેદન અંગે બોલતાં શ્રી મોદીએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શ્રી સોનિયા ગાંધીએ આ પ્રકારનું નિવેદન કર્યું. તેમણે કહ્યું કે આ પૈસા તો લોકોના છે, જેના પર તેમનો અધિકાર છે.
શ્રી મોદીએ જણાવ્યું કે કૉંગ્રેસે ભ્રષ્ટાચારને સંસ્થાગત કરી દીધેલ છે તથા તેની પાસેથી કોઈ પણ પ્રકારના બદલાવની અપેક્ષા કરવી વ્યર્થ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કૉંગ્રેસમાં જો કોઈ દુષ્કૃત્ય આદરે તો તેને પુરસ્કાર આપવામાં આવે છે. તેમણે સલમાન ખુર્શીદનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે તેઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો છે પરંતુ તેમ છતાં તેમને ગઈકાલે કરવામાં આવેલ ફેરબદલમાં બઢતી આપવામાં આવી છે.
તેવી જ રીતે, શ્રી મોદીએ કહ્યું કે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે ભ્રષ્ટાચારના કારણોસર રાજીનામું આપવું પડ્યું હતું પરંતુ ત્યારબાદ તુરંત જ કૉંગ્રેસ દ્વારા તેમને હિમાચલનો હવાલો સોંપવામાં આવ્યો.
તેમણે ધુમલ સરકારની કામગીરીની પ્રશંસા કરી અને કહ્યું કે જ્યારે સોનિયાજી તથા ડૉ. મનમોહન સિંહ ક્યારેય મહિલાઓની દુર્દશા સમજ્યા નહીં ત્યારે ધુમલજી તેમને સમજ્યા અને કહ્યું કે લોકોએ નિર્ણય કરવો પડશે કે તેઓ હિમાચલ પ્રદેશને કોના હાથમાં સોંપવા માંગે છે. શ્રી મોદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે બધી જ સમસ્યાઓનો ઉકેલ વિકાસમાં છે તથા ભાજપનો મંત્ર છે સામાન્ય માણસની દશા સુધારવી.