૧૯મી નવેમ્બરે અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં શ્રી મોદીએ પક્ષના અસંખ્ય કાર્યકરોને સંબોધ્યા. આ વિસ્તાર એમની મણિનગર વિધાનસભા બેઠકમાં આવે છે તેઓ છેલ્લા દશકાથી તેનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.
પોતાના પ્રેરક અને વિષદ પ્રવચનમાં એમણે લોકશાહીથી લઈને રાષ્ટ્રીય રાજનીતિ સુધીના વિષયોને ગુજરાત ચૂંટણીના સંદર્ભે આવરી લેતાં જણાવ્યું;
સૌથી પહેલાં આપ સર્વને નૂતન વર્ષના અભિનંદન. આપ સૌ હવે સારી રીતે જાણી ગયા છો કે કોંગ્રેસના પાપનો ઘડો પૂરેપૂરો ભરાઈ ગયો છે એમના ભ્રષ્ટાચારી કૃત્યો અને છેતરપિંડીના કરતૂતોને હવે બિલકુલ માફ ન કરાય. ચૂંટણીનો સમય આવી પહોંચ્યો છે લોકશાહીનું ઉજળું પર્વ એટલે ચૂંટણી. જેમાં પ્રજાને સામાન્ય માણસને રાજક્ીય પ્રક્રિયામાં સામેલ થવાનો મોકો મળે છે. ચૂંટણીના સમયમાં માત્ર ૧૮ વર્ષ ઉપરના નાગરિકોને જ નહીં નાના બાળકોને પણ લોકશાહી પદ્ધતિ બાબત જાણકારી મળે છે. હાર કે જીતને બાજુએ રાખો ચૂંટણી પ્રક્રિયાથી લોકશિક્ષણનો અવસર પ્રાપ્ત થાય છે. પ્રચાર ટાંકણે સામે આવતા પ્રશ્નોને જો ચૂંટણી પત્યા બાદ હાથ ધરવામાં આવે ત્યારે લોકશાહીનો આદર થતો દેખાય. જે થકી સામાન્ય માણસનો વિશ્વાસ અનેકગણો વધી જાય છે. સંગઠનના વિકાસ માટે પણ ચૂંટણી એક પ્રોત્સાહક પર્વ છે પક્ષના ટીમ સ્પીરીટને એમાં મજબૂતી પ્રાપ્ત થતી હોય છે.
મણિનગરમાં વિજય મેળવવાની કામગીરી તમારે બધાએ ઉપાડી લેવાની છે. આ કામ હું તમારે માથે છોડું છું. કારણ બાકીની ૧૮૧ બેઠકોમાં જીત મેળવવાનું કામ હું કરવાનો છું મારી અને તમારી વચ્ચે ચાલો મુકાબલો થઈ જાય. તમે મણિનગરમાં મહેનત કરો બાકીની બેઠકો જીતવાની મહેનત હું કરું, જોઈએ જીતના માર્જીનમાં કોણ જીતે છે !
તમને બધાને દેખાતું હશે જ કે ગુજરાતમાં આપણે છેલ્લા અગિયાર વરસમાં કેટલી નોંધપાત્ર કામગીરી કરી છે. લોકશાહી પ્રક્રિયામાં ઊભો કરેલો નવો વિશ્વાસ અને ભરોસો કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન લોકોને રાજક્ીય પદ્ધતિમાંથી ઊઠી ગયેલા વિશ્વાસને આપણે પુનઃ સ્થાપિત કર્યો છે મારે રાજનીતિના પંડિતોને પૂછવું છે કે તમે આ બાબતને સમજવામાં વરસો કાઢી નાખશો કે પછી બહાદૂરીપૂર્વક આ અંગે કંઈક લખશો ? અવિશ્વાસના આ માહોલને વિશ્વાસની વાટે લઈ જવામાં ગુજરાત સરકારને ૧૧ વર્ષનો સમય લાગ્યો છે.
દોષારોપણ કરવા માટે પણ વિકાસની વાત જ આગળ કરવી પડે તેવી મજબૂરી ઊભી થઈ છે. લોકોનો આક્ષેપ હોય છે કે તમે ૧૦ કિ.મી.નો રોડ બનાવવાનું કહ્યું હતું તે આઠ જ કિ.મી.નો બનાવ્યો, પ૦૦ શાળાઓ બાંધવાનું વચન આપીને માત્ર ૩પ૦ જ બનાવી. આ બધી વિકાસની વાતો સાથે ભાજપ આગળ વધે છે. જ્યારે લોકોને કોંગ્રેસ અંગે તો રોજરોજ કયા કૌભાંડો ઉઘાડા પડતા રહે છે એની જ વાતો સાંભળવા મળે છે. વિકાસની વાતો અને કોંગ્રેસને કંઈ સ્નાનસૂતક જ નથી. રાજીવ ગાંધી કહેતા કે દિલ્હીથી નીકળેલો રૂપિયો ગામડે ગરીબ માણસને પહોંચે ત્યાં સુધી ૧પ પૈસાનો થઈ જાય છે આ વાત સમગ્ર દેશના રાજ્યો પર કોંગ્રેસનું જ્યારે શાસન હતું ત્યારની છે અને એટલે જ દેશની તિજોરી લૂ઼ંટવામાં એમનો જ હાથ હતો એ વાત સાબિત થાય છે. રૂપિયો ઘસાઈને ૧પ પૈસા થાય છે એ બાબતને ગુજરાતમાં ભાજપના ૧૧ વર્ષના શાસનમાં ખોટી પુરવાર થઈ છે. અમે તો ગાંધીનગરથી નીકળેલા રૂપિયાના પૂરેપૂરા ૧૦૦ પૈસા ગરીબ પ્રજાજન સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરી છે. વચેટિયાનો કાંટો જ વચ્ચેથી કાઢી નાખ્યો છે. એમની દુકાનો બંધ થઈ ઝોલાવાળાનો જમાનો જતો રહ્યો. ભાઈઓ, ગુજરાતના લોકોએ કોંગ્રેસને હવે પાનીથી ચોટી સુધી ઓળખી લીધા છે. પંચાયતો તાલુકા અને જિલ્લા પંચાયતો કે નગરપાલિકાઓમાંથી એમને હાંકી કાઢ્યા છે ત્યારે ગાંધીનગરના ગોંદરે પ્રવેશવાની તો વાતો જ ક્યાં રહી ? અને છતાંય આ લોકોને તલભાર જેટલી શરમ કે ઇજ્જત નથી. વારંવાર લોકો હડધૂત કરે તોય મત માગવા આવીને ઊભા રહી જાય છે. કારણ કે ગુજરાત સરકારની તિજોરીમાં છલકાતી સંપત્તિ પર એમનો ડોળો છે. જો ગુજરાત ગરીબ હોત તો એમને આવી લાલચ ન લાગી હોત બીજેપીની રાજનીતિ માત્ર વિકાસને ધ્યાને રાખીને ચાલે છે જ્યારે કોંગ્રેસ હંમેશાં મતોનું રાજકારણ રમે છે. સમાજ અને નાત જાત વચ્ચે ભાગલા પડાવવાની ભૂલ બી.જે.પી. કરે એવી કોંગ્રેસની મેલી મુરાદ છે. પણ અહીં જ એ ભીંત ભૂલ્યા છે. અને હવે છ કરોડ ગુજરાતીઓની વાત લઈ જાહેરખબરો મૂકવા માંડ્યા છે. હું તો કહું છું હજુય સમય છે ગુજરાતમાં પગ રાખવો હોય તો કોંગ્રેસ મતબેંકનું રાજકારણ છોડી વિકાસની રાજનીતિને અપનાવે નહીં તો લોકો તેમને કચરાની જેમ ફેંકી દેશે. કરફ્યુ કે હુલ્લડોથી મુક્ત ગુજરાત વિકાસ કરી રહ્યું છે ત્યારે એમાં રોડાં નાખવા કેન્દ્ર દ્વારા અનેક અન્યાય થઈ રહ્યા છે ગુજકોકની સલામતી અને સુરક્ષાના કાયદાને ર/૩ બહુમતીથી પસાર કરાવી ગુજરાત સરકારે મોકલ્યો છતાં મહારાષ્ટ્ર માટે પસાર કરાતા એવા જ કાયદાને ગુજરાતની સલામતીના ભોગે રોકી રાખવામાં આવે છે. શું ગુજરાતે આતંકવાદીઓના આતંકનો ભોગ બનતા જ રહેવાનું છે?
કોંગ્રેસ એટલે ગંદવાડનું ઘર મલિન વિચારો અને ભાષા લઈને ફરતો શંભુમેળો, જયાં લોકશાહીની રાજનીતિ એક દેખાવ છે. મારે તો એમને કહેવું છે કે જે કહેવાનું હોય તે લોકો સામે સ્પષ્ટ રીતે મૂકો અને એનો ન્યાય જનતાને જ કરવા દો પણ દુર્ભાગ્યે આ કોંગ્રેસને માત્ર જૂઠાણાં જ કોઠે પડી ગયાં છે.
એમને મારી સામે વાંધો હોય મને દોષિત માનતા હોય તો ભલે મને જાહેરમાં લટકાવી દો પણ ગુજરાતી આ છ કરોડની જનતાને અન્યાય કરવાનું પાપ ન કરે. ર૦૦૪ની ચૂ઼ંટણી બાદ સત્તામાં આવેલ કોંગ્રેસે પહેલું કામ ગુજરાતમાં ૩પ૬મી કલમ લાગુ કરવાની ધમકી આપી વિકાસને માર્ગે ચાલતા ગુજરાતના મુખ્યમંત્રી મોદીને જેલમાં નાખવાની જલીલ વાત કરી હતી.
ગુજરાતના આર્થિક વિકાસના વખાણ કરનારા બે અર્થશાસ્ત્રીને ખોટી રીતે ઘરે બેસાડવાનું અન્યાયી પાપ આ કોંગ્રેસ સરકારે કર્યું છે.
આપણે સૌ કાર્યકરોએ ચૂંટણીઓ માટે પરસેવો પાડી કામ કરવાનું છે. ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનું પાલન કરતા રહી વિજયની બાંહેધરી સુધી સખત મહેનત કરવાની છે વિકાસની વાટ પકડી છે એટલે વિજયની ગેરન્ટી છે જ. ર૦ ડિસેમ્બરે ગુજરાત વિજયની દિવાળી ઉજવશે, ભલે આખું દિલ્હી ગુજરાતને દબાવવા અહીં ચઢી આવે.