ગુજરાતમાં જનચાહનાની ભાજપા પ્રત્યે એવી લહેર છે જેની આંધમાં કોંગ્રેસના મૂળિયાં ઉખડી જશે
કોંગ્રેસ એટલે જાહેરજીવનમાં ધોખાબાજી, દગાબાજી, સોદાબાજીનું જ બીજુ નામ
ગુજરાતમાં સૌથી સસ્તું ઇજનેરી શિક્ષણ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ભાજપાના ચૂંટણી પ્રચાર અભિયાનમાં આજે જણાવ્યું હતું કે આ ચૂંટણીમાં અત્યારે ભાજપા તરફી લોકચાહનાની એવી લહેર હું જ્યાં જાઉ ત્યાં જોવા મળી છે એ સ્પષ્ટપણે બતાવે છે કે જનજૂવાળની આ ભાજપા તરફી આંધિ કોંગ્રેસના મૂળીયાં ગુજરાતમાંથી ઉખાડીને ફેકી દેશે. જનતાની સાથે છેતરપીંડી કરનારી કોંગ્રેસને કોઇ કાળે ગુજરાત સ્વીકારશે નહીં.શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દક્ષિણપૂર્વ ગુજરાતના નિઝર, માંડવી અને ચીખલીમાં ત્રણ આદિવાસી જનમેદનીની વિશાળ સભાઓમાં કોંગ્રેસ ઉપર જાહેરજીવનમાં જનતાની પીઠમાં ખંજર ભોંકવાની, પોતાના જ પક્ષના કાર્યર્કાઓની સાથે દગો કરવાની અને સાથી પક્ષનો ધોખો કરવાની સણસણતી પ્રતિક્રિયા આપી હતી. નિઝરમાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે કોંગ્રેસ એટલે દગાબાજી, ધોખાબાજી અને સોદાબાજીનું બીજું નામ.
શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ ચૂંટણીમાં ભાજપાના કમળ ઉપર મતનું બટન દબાવશો એટલે ગુજરાતના વિકાસ માટે બારબાર વર્ષથી મજૂરની જેમ સેવા કરનારા નરેન્દ્રભાઇ મોદીના નામે જમા થઇ જશે. ગુજરાતના વિકાસ માટે ભાજપાએ જાહેર કરેલો સંકલ્પપત્ર સામાન્ય માનવીના સુખસમૃધ્ધિના સપના સાકાર કરશે. આ ચૂંટણીમાં ધારાસભ્યોની હારજીત નહીં, પણ ગુજરાતની આવતીકાલનું ઉજ્જવળ ભાવિ ભાજપાના હાથમાં ફરીથી સોંપવાનો જનફેસલો થવાનો છે.
ચીખલીમાં મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં કોંગ્રેસ કેવા કેવા જૂઠ્ઠાણા ફેલાવીને જનતાને ગુમરાહ કરવા માંગે છે તેનું દ્રષ્ટાંત આપતાં જણાવ્યું કે ગુજરાતમાં ઇજનેરી શિક્ષણ સૌથી સસ્તુ છે અને મહારાષ્ટ્ર, આન્ધ્રપ્રદેશ, રાજસ્થાનમાં તો જેટલી ઇજનેરી કોલેજો પ્રત્યેક રાજ્યમાં છે તેમાં સરકારી કોલેજોમાં ગુજરાતમાં સૌથી વધુ સરકારી ઇજનેરી કોલેજો છે. રાજસ્થાનમાં રૂા. ૪પ૦૦૦, હરિયાણામાં ૪૦,૦૦૦, રૂા. આન્ધ્રમાં ૪ર૦૦૦ રૂા., અને મહારાષ્ટ્રમાં રૂા.રપ૦૦૦ ઇજનેરી કોલેજોની ફી છે જ્યારે ગુજરાતમાં માત્ર રૂા. ૧પ૦૦ ની જ ફી છે છતાં કોંગ્રેસ યુવાનોને ગુમરાહ કરવા જુઠ્ઠાણા ચલાવે છે.
માંડવીમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના લોકોના મત લઇને સત્તા ઉપર બેઠેલી કેન્દ્રની કોંગ્રેસ સરકાર જનતાને તેનો હિસાબ આપવા બંધાયેલી છે એમ જણાવી ગુજરાતની જનતા આ ચૂંટણીમાં કોંગ્રેસનો જ હિસાબ કરશે એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો અને કોંગ્રેસના પરિવારવાદની સત્તાભૂખની આકરી આલોચના કરી હતી.