શ્રી નરેન્દ્ર મોદીએ પોરબંદરમાં એક વિશાળ જનસભાને સંબોધન કર્યું.
દિલ્હીની સરકાર લૂંટો અને ખાઓમાં વિશ્વાસ રાખે છે, જ્યારે અમે વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ : શ્રી મોદી
કોંગ્રેસ દેશ માટે એક બોજ છે, ગુજરાત કોંગ્રેસ ગુજરાતની જ દુશ્મન છે : શ્રી મોદી
કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓ અને પોતાના સહયોગીઓને દગો દે છે : મુખ્યમંત્રી
આ વાંદરાને હનુમાનજીથી પ્રેરણા મળે છે, તેઓ તેમની સેવા અને ભક્તિ માટે ઓળખાય છે. તેઓના માટે છ કરોડ ગુજરાતી તેમના રામ છે : શ્રી મોદીએ તે કોંગ્રેસી નેતાને જડબાતોડ જવાબ આપ્યો, જેણે તેમને વાંદરો કહ્યા હતા.
જ્યારે હું મુખ્યમંત્રી બન્યો હતો ત્યારે રાજ્યનું બજેટ 6000 કરોડ રૂપિયા હતું, આજે આપણા સૌરાષ્ટ્રમાં પાણી લાવવા માટેની ‘સૌની’ યોજના જ રૂપિયા 10,000 કરોડની છે : શ્રી મોદી
જો કોંગ્રેસ એમ વિચારતી હોય કે તે કાદવ ઉછાળી શકે છે, તો એને યાદ રાખવું જોઇએ કે જેટલો કાદવ તેઓ ઉછાળશે, કમળ એટલું વધારે ખીલશે
જો દિલ્હીની સલ્તનતમાં હિંમત હોય તો આપણી નૌકાઓ પાકિસ્તાન પાસેથી પાછી લાવીને બતાવે, જેની સામે તે પોતાની આંખો પણ ઊંચી નથી કરી શકતા : શ્રી મોદી
પોરબંદરનો ફેંસલો ખૂબ મહત્વપૂર્ણ છે. એમણે એમ જ કોઈને ન ચૂંટી કાઢવા જોઇએ જેના કારણે ગુજરાતના નામ ઉપર કલંક લાગે : શ્રી મોદી
3 ડિસેમ્બર 2012 ના રોજ સાંજે શ્રી નરેન્દ્ર મોદીએ પોરબંદરમાં એક ઝંઝાવાતી ભાષણ આપ્યું, તેમણે કહ્યું કોંગ્રેસ પાર્ટી દેશ માટે એક બોજ છે અને ગુજરાત કોંગ્રેસ ગુજરાતની દુશ્મન છે. તેમણે મક્કમતાથી કહ્યું છે કે આવનારી ચૂંટણીઓમાં ભાજપની લહેરખી હશે એટલું જ નહીં મસમોટું વાવાઝોડું હશે. તેમણે એ પણ જણાવ્યું કે એક મુખ્યમંત્રી તરીકે તેમણે પોરબંદરની યાત્રા અગાઉના તમામ મુખ્યમંત્રીઓની યાત્રાઓને એકઠી કરીને કરેલી યાત્રાઓ કરતાં પણ વધારે વખત કરી છે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસ એમ વિચારતી હોય કે તે કાદવ ઉછાળી શકે છે, તો એને યાદ રાખવું જોઇએ કે જેટલો કાદવ તેઓ ઉછાળશે, કમળ એટલું વધારે ખીલશે.
શ્રી મોદીએ ખુલાસો કર્યો કે પોરબંદરના મતદાતાઓ દ્વારા કરવામાં આવેલ નિર્ણય વિશિષ્ટ રીતે મહત્વપૂર્ણ હશે અને લોકોને જોરદાર અપીલ કરી કે તેઓ પ્રતિનિધિને ચૂંટે જેના કારણે ગુજરાતનું નામ બદનામ ન થાય અને આગળ કહ્યું કે એવા વ્યક્તિને ચૂંટીએ જે કદી પોરબંદર નથી આવતો અને અમદાવાદમાં જ રહેવાનું પસંદ કરે છે તો તેનાથી પોરબંદરનું કશું ભલું નહીં થાય.
કોંગ્રેસ પાર્ટીની હાલત વિશે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે એવો કોઈ જિલ્લો નથી કે જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પોતાની જ પાર્ટીનો વિરોધ ન કરતા હોય. તેમણે કહ્યું કે કોંગ્રેસને આ ચૂંટણીમાં ખૂબ મોટો ફટકો પડશે. તેમણે જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસ લોકોને જેલ ભેગા કરવા, સત્તાનો દૂરુપયોગ કરવા, સી.બી.આઈ., રૉ જેવી સંસ્થાઓનો દૂરુપયોગ કરવા જેવા પાપોમાં સહભાગી બને છે. તેમણે કોંગ્રેસને આવી રમતો રમ્યા સિવાય સીધા લોકો પાસે આવીને તેમનો વિશ્વાસ જીતવાનું કહ્યું.
તેમણે તે સત્ય ઉપર ભાર આપ્યો કે રાજનીતિક વિરોધ હંમેશાથી અસ્તિત્વમાં છે, પરંતુ જે કક્ષાએ અત્યારે કોંગ્રેસ એને લઈ ગઈ છે, ત્યાં કદી ન હતો. તેમણે યાદ કર્યું કે સ્વર્ણિમ ગુજરાત મહોત્સવના સમયે તમામ પૂર્વ ધારાસભ્યો, મંત્રીઓ અને મુખ્યમંત્રીઓને આમંત્રણ આપ્યું હતું, ત્યાં સુધી કે તમામ રાજ્યપાલોના સરનામા પણ એકઠા કર્યા હતા, જે કોંગ્રેસ શાસનની સિદ્ધિઓને દર્શાવે છે. હકીકતમાં આ સમારોહ દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી શ્રી માધવસિંહ સોલંકી (કોંગ્રેસ પાર્ટીના) અને અન્ય લોકો આવ્યા હતા પરંતુ એક વ્યક્તિ જે પોરબંદરથી પસંદગી પામેલ છે, ન આવ્યો અને કાર્યક્રમનો બહિષ્કાર કર્યો. જ્યારે આખું ગુજરાત સ્વર્ણિમ જયંતિ મનાવી રહ્યું હતું એક વ્યક્તિ કંઈક અલગ જ કરી રહ્યો હતો અને તે લોકશાહીમાં શોભનીય નથી.
તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસ પોતાના કાર્યકર્તાઓને પણ દગો દે છે. એક ઉદાહરણ આપતા શ્રી મોદીએ કહ્યું કે કોંગ્રેસ સ્વયં પોતાના જિલ્લા પ્રમુખને છેતર્યો, જેના પરિણામે તેનું દુર્ભાગ્યપૂર્ણ મૃત્યુ થયું. તેમણે ભાર દઈને કહ્યું કે એક માણસ મરી ગયો છે અને કોંગ્રેસ મગરમચ્છનાં આંસુ સારે છે. તેમણે કહ્યું કે આવી પાર્ટી ગુજરાતની સાથે શું કરશે, જે સ્વયં પોતાના કાર્યકર્તાઓને દગો દે છે...! તેમણે એમ પણ કહ્યું કે કેવી રીતે કોંગ્રેસે છેવટે પોતાના ઉમેદવારોની ઘોષણા ફોન ઉપર ચોરી છૂપીથી કરવી પડી હતી અને પાર્ટીના પોતાના સહયોગી એન.સી.પી.ને પણ દગો દીધો.
કોંગ્રેસના એક નેતા(પોરબંદરના જ) દ્વારા તેમને ‘વાંદરો’ કહેવા પર શ્રી મોદીએ ટિપ્પણી કરી કે તે કોંગ્રેસી નેતા ખરેખર રામાયણને પૂરી રીતે જાણતા નહીં હોય, જો જાણતા હોત તો તેમને વાનરસેનાની શક્તિનું જ્ઞાન હોત. આ પ્રકારના શબ્દ પ્રયોગનો જડબાતોડ જવાબ આપતા શ્રી મોદીએ જણાવ્યું કે “આ વાનરના પ્રેરણાસ્ત્રોત હનુમાનજી છે જેના હૃદયમાં તમે છ કરોડ ગુજરાતીઓને જોશો’ તેમને ઉંદર કહેવા પર શ્રી મોદીએ આગળ કહ્યું કે તેઓ ઉંદર માટેનું પ્રમાણપત્ર પણ સ્વીકારે છે, જે ભગવાન ગણેશનું વાહન છે.
શ્રી મોદીએ કહ્યું કે તેમને ગુજરાતના લોકોની 11 વર્ષ સુધી સેવા કરવાનો મોકો મળ્યો છે અને જ્યારે તે પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે તેમણે લોકોને વચન આપ્યું હતું કે તેઓ કઠોર પરિશ્રમ કરશે, વિકાસની યાત્રામાં કોઈપણ કસર નહીં છોડે અને આજે એમણે એમના દરેક શબ્દનું પાલન કર્યું છે. તેમણે લોકોને તેમના દ્વારા અગાઉના 11 વર્ષોમાં કરેલા કાર્યોને જોઈને નિર્ણય લેવાનું કહ્યું. શ્રી મોદીએ જણાવ્યું કે લોકો ઘણી વખત પૂછે છે કે તેઓ થાકતા નથી? ત્યારે તેઓ જવાબ આપે છે કે તેઓ થાકતા નથી કારણ કે છ કરોડ ગુજરાતીઓની ખુશી એમની ખુશી છે.
મુખ્યમંત્રીએ લોકોને કહ્યું કે અહીં બે સરકારોના ઉદાહરણ છે. - એક, ગુજરાતમાં ભાજપની સરકાર અને બીજી દિલ્હીમાં શ્રીમતી સોનિયા ગાંધીની સરકાર. “દિલ્હીની સરકાર ‘લૂંટો અને ખાઓ’ માં વિશ્વાસ રાખે છે, જ્યારે ગુજરાત સરકાર વિકાસમાં વિશ્વાસ રાખે છે”, તેમણે ખુલાસો કર્યો. શ્રી મોદીએ સૌરાષ્ટ્ર માટે રૂપિયા 10,000 કરોડની ‘સૌની યોજના’નું ઉદાહરણ આપતા તુલના કરી કે જ્યારે એમણે પહેલી વાર પદભાર સંભાળ્યું, તે સમયે રાજ્યનું સંપૂર્ણ બજેટ રૂપિયા 6000 કરોડ રૂપિયા હતું, જે દર્શાવે છે કે ગુજરાત કેવી રીતે વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે.
તેમણે ‘સાગરખેડૂ પેકેજ’ અંગે વાત કરી અને યૂ.પી.એ. સરકારને પડકાર ફેંક્યો કે તેઓ પાકિસ્તાનની આપણી નૌકાઓ પાછી લાવીને બતાવે, એક એવો દેશ જેની સામે યૂ.પી.એ. પોતાની આંખ પણ ઊંચું નથી કરી શકતું. 3-ડી ટેકનીકના માધ્યમથી બોલવાની પહેલ કરતાં શ્રી મોદીએ કહ્યું કે આ ગૌરવની વાત છે કે ગુજરાત આવી ટેકનીક સ્વીકારનારું પ્રથમ રાજ્ય છે. શ્રી મોદીએ ‘108’ એમ્બ્યુલન્સ સેવાની સફળતા વિશે વાત કરી જેણે ઘણા બધા લોકોની જિંદગી બચાવી છે.
શ્રી મોદીએ લોકોને 13 ડિસેમ્બરે મત આપવાની તેમ જ કમળને જિતાડવાની અપીલ કરી. તેમનું ભાષણ સાંભળવા લોકો વિશાળ સંખ્યામાં પધાર્યા અને ભાષણ દરમિયાન ઘણીવાર તાલીઓના ગડગડાટથી પોતાનું સમર્થન દર્શાવ્યું.