લોકસભા બેઠકોના વિજય વિશ્વાસ સ્નેહમિલન સંમેલનોને વિડિયો કોન્ફરન્સથી પ્રેરક માર્ગદર્શન આપતા નરેન્દ્રભાઇ મોદી
સતત ત્રીજા દિવસે સંબોધનનો ઉપક્રમ
ભાજપા સમાજ સમક્ષ ખૂલ્લી કિતાબ લઇને ઉભી રહેનારી પાર્ટી છે - નરેન્દ્રભાઇ મોદી
દેશવાસીઓને ભરોસો બેસી ગયો છે કે દેશની ડૂબતી નાવને બચાવવા ભાજપા જ ભરોસામંદ છે લોકોનો આ વિશ્વાસ તૂટવો ના જોઇએ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ભાજપા આયોજિત છ લોકસભા બેઠકોના વિજય વિશ્વાસ સ્નેહ સંમેલનોને વિડિયો કોન્ફરન્સથી સંબોધતા જણાવ્યું કે દેશભરમાં સામાન્યમાં સામાન્ય માનવીને ભાજપામાં ભરોસો જાગ્યો છે અને દેશની ડૂબતી નાવને બચાવવા ભાજપા ઉપર સમર્થન અને પ્રેમ વરસાવે છે ત્યારે તેને નિરાશ નહીં કરવાની આપણી વિશેષ જવાબદારી છે.
સતત ત્રીજા દિવસે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે સાંજે વિજાપુર (મહેસાણા), સાબરકાંઠા (હિંમતનગર), કચ્છ-ભૂજ-પાટણ, આણંદ અને ખેડા (ચકલાસી)ની છ લોકસભા બેઠકોના સ્નેહમિલન સંમેલનોમાં ભાજપા કાર્યકર્તાઓને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ નવા વર્ષ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે આ ટેકનોલોજીથી દોઢ લાખ કાર્યકર્તાઓને તેઓ મળી શકશે. ભાજપાના કાર્યકર્તાઓએ વીસ વર્ષથી ગુજરાતમાં સત્તા જોઇ છે છતાં તેનો પરિશ્રમ ઘટયો નથી, ઉત્તરોત્તર તેનો ઉત્સાહ વધતો રહયો છે.
સંગઠ્ઠન તરીકે ગુજરાત ભાજપાએ સાચી દિશા લીધી છે તે માટે અભિનંદન આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સંગઠ્ઠનની શકિત વટવૃક્ષની જેમ મૂળીયા ઉંડા જાય અને ઉંચાઇનું ફેલાવાનું કદ વધ્યું છે અને લોકોને ઉપયોગી એવી ભાજપા છત્રછાયા રૂપ બની રહી છે. સમાજના સુખ-દુઃખની ભાગીદારીનો ભાવ આપણે વિકસાવી રહયા છીએ અને એટલે જ જનતાનો ભરોસો આપણા ઉપર છે.
આપણને સહુને પ્રતીતિ થઇ છે કે ર૦૧૪ની ચૂંટણીમાં હિન્દુસ્તાનના ખૂણેખૂણે પ્રજામાનસનો પ્રેમ ભાજપા ઉપર એવો અદ્દભૂત વરસી રહયો છે અને દેશ કમળની ઉપર આપણાં કરતા વધારે આગળ દોડે છે એવું વાતાવરણ ઉભૂં થયું છે તે અભૂતપૂર્વ છે તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ સમાજના એકેએક સમૂદાયને આમાં જોડવાનું આહ્્વાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભાજપા સમાજ સામે ખૂલ્લી કિતાબ લઇને ઉભૂં રહી શકે છે અને લાખો કાર્યકર્તાની તપસ્યાને કારણે જ ભાજપાએ સામાન્ય માનવીના મનમાં ભરોસો ઉભો કર્યો છે. દેશની ડૂબતી નાવડીને બચાવવાનું ભાજપા જ કામ કરી શકે છે એમ દેશવાસી માનતા હોય ત્યારે દેશવાસીને નિરાશ કરી શકાય નહીં-કોઇ કચાશ રખાય નહીં. આપણી આ જ વિશેષ જવાબદારી છે.
સરદાર પટેલના સ્મારક 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના નિર્માણના ભાગરૂપે ૧પ ડિસેમ્બરથી જે અભિયાન ઉપાડી રહયા છીએ તેમાં સરદાર સાહેબની આ પુણ્યતિથીએ 'એકતા માટેની દોડ'નું અભિયાન સફળ બને તે માટે સક્રિય થવાનું તેમણે આહ્્વાન કર્યું હતું.
ર૦૧૪ની ચૂંટણીમાં દિલ્હીમાં ભાજપાની કેન્દ્ર સરકાર બનાવ્યા વગર પગ વાળીને બેસીશુ નહીં એવો વ્રત સંકલ્પ કરવા તેમણે પ્રેરણા આપી હતી.