પ્રિય મિત્રો, ૧૨મી જાન્યુઆરી એ કોઇ સામાન્ય દિવસ નથી. ઇતિહાસના પાનાઓમાં અંકાઇ ગયેલો આ એક એવો દિવસ છે કે જ્યારે ભારતની ભુમિ પર મહાન વિચારકે જન્મ લીધો હતો, જેમણે વિશ્વભરમાં ભારતનો સંદેશો ફેલાવ્યો હતો.આજથી ૧૫૦ વર્ષ પહેલાં મહાન સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો. સ્વામીજી અત્યારે આપણી વચ્ચે હયાત નથી, પરંતુ તેમનો જુસ્સો, મિશન અને સંદેશો આજે પણ દેશની પેઢીઓને પ્રેરીત કરતો રહે છે.
મને આપને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારે ગત વર્ષે લોકો સુધી સ્વામીજીનો સંદેશો પહોંચાડવામાં કોઇપણ કસર રાખી ન હતી. અમે વર્ષ ૨૦૧૨નું વર્ષ “યુવા શક્તિ વર્ષ” તરીકે ઉજવ્યું અને સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મતિથિએ તેમના માનમાં સંખ્યાબંધ કાર્યક્રમો અને યોજનાઓ હાથ ધરવામાં આવી હતી. અમે વર્ષ ૨૦૧૩ને પણ ‘યુવા શક્તિ વર્ષ’ તરીકે ઉજવીશું.
સમગ્ર વિશ્વનું નેતૃત્વ કરે તેવું એક જગત ગુરુ ભારતનું સપનું સ્વામી વિવેકાનંદે સેવ્યું હતું. તેમના સ્વપ્ન અનુસારના ભારતનું નિર્માણ કરવા માટે તેમણે દેશના ઘડતરમાં યુવાનોની મુખ્યની રાહ ચિંધી હતી. ગુજરાતમાં અમે સ્વામી વિવેકાનંદના આ સ્વપ્નને સાકાર કરવા માટે યુવાનોને સશક્ત કરવાની નેમ લીધી છે. જેથી યુવાનોને ભારતના ઘડતરમાં પોતાનો અમૂલ્ય ફાળો આપવા અને નવીનીકરણ લાવવા પોતાને સશક્ત અને તેજસ્વી બનાવવાની તક પ્રાપ્ત થઇ શકે.
ગુજરાત સરકારે યુવાનોમાં કૌશલ્ય વિકાસના કાર્યક્રમને આગળ ધપાવ્યો છે. રાજ્યના યુવાનોને ટેકનોલોજી મારફતે સંશોધન અને નવીનીકરણ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે અમે ૨૦ સ્વામી વિવેકાનંદ સુપિરિયર ટેકનોલોજી ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ્સની સ્થાપના કરી છે. આ સાથે રાજ્યની આઇટીઆઇમાં પણ સુધારો કરવા અમે સતત કામ કરી રહ્યાં છીએ. જો કે, અમે માત્ર કૌશલ્ય વિકાસથી જ અટકી નથી ગયા! અમે એક પગથિયું આગળ વધ્યા અને સોફ્ટ સ્કિલ્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
એક આઈટીઆઈમાં કામ કરતો એક પ્લમ્બર અથવા તાલીમાર્થી તરીકે તાલીમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી શા માટે સોફ્ટ સ્કિલ આત્મસાત ન કરે કે જેથી તે તેની કારકિર્દીમાં એક મોટી હરણફાળ ભરવા માટે આત્મવિશ્વાસ હાંસલ કરી શકે? રોજગારીની તકોમાં ઉત્તરોત્તર વધારો થતો રહે તે માટે કેમ તે સોફ્ટ સ્કિલ આત્મસાત ન કરી શકે? એપ્રિલ ૨૦૧૨માં એક વિક્રમસર્જક ઘટનાએ આકાર લીધો હતો કે જ્યારે સ્વામી વિવેકાનંદ રોજગારી સપ્તાહ દરમિયાન રાજ્યના વિવિધ સમૂદાય અને વિસ્તારમાંથી આવતા ૬૫,૦૦૦ જેટલા યુવાનોને મેં નિમણૂક પત્રો આપ્યા હતા. આ યુવાનોના જીવનમાં કેવો ગુણવત્તાસભર બદલાવ લાવી શકાય છે તે અંગે કલ્પના કરો!
“ગીતાના અભ્યાસને બદલે તમે જ્યારે ફૂટબોલ રમી રહ્યાં હશો ત્યારે ઈશ્વરની વધારે સમીપ હશો” તેમ સ્વામી વિવેકાનંદ કહેતા. મેં નોંધ્યું છે કે પરિક્ષા અને શિક્ષણના દબાણની લીધે રમતગમતના મેદાનો હંમેશા ખાલી જોવા મળે છે. સ્વામી વિવેકાનંદના સ્વપ્નોનો યુવાન રમતગમતનો આનંદ કેવી રીતે ન માળી શકે? હકીકત તો એ છે કે ખેલ વગર ખેલદીલી ન હોઈ શકે! કોઈએ સાચું જ કહ્યું છે કે, “જો ખેલે, વો ખીલે” ગત વર્ષે ગુજરાતના વિવિધ ગામો, તાલુકા અને જિલ્લા સ્તરે આશરે ૧૬,૦૦૦ જેટલા સ્વામી વિવેકાનંદ મંડળ અને કેન્દ્રોની રચના કરવામાં આવી હતી જેમાં યુવાનોને રમતગમતના સાધનોની વહેંચણી કરવામાં આવી હતી.
ઓગષ્ટ ૨૦૧૨માં સ્વામી વિવેકાનંદ વુમન ચેસ મીટ ખાતે એક જ છત નીચે ૪,૦૦૦ મહિલાઓએ ચેસ રમીને એક વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો. સ્વામી વિવેકાનંદનો સંદેશો સમગ્ર વિશ્વમાં ફેલાવવા અને વિકાસયાત્રામાં તેમને સંકલિત કરવા માટે મેં સપ્ટેમ્બર ૨૦૧૨માં યુવા વિકાસ યાત્રાની શરૂઆત કરી હતી અને ગુજરાતની યુવા શક્તિ તરફથી અમને અદભૂત પ્રતિસાદ સાંપડ્યો હતો.
હું દ્રઢપણે માનું છું કે વિશ્વનું સૌથી યુવાન રાષ્ટ્ર નાના સપના ન જોઈ શકે. અમારે માત્ર યુવાનોના વિકાસની જ જરૂર નથી પરંતુ યુવાના નેતૃત્વ હેઠળના વિકાસની જરૂર છે. સ્વામી વિવેકાનંદે આ જ સ્વપ્ન જોયું હતું અને અમે ગુજરાતમાં પણ આ પરિકલ્પનાને સાકાર કરવા માટે પ્રયાસ કરી રહ્યાં છીએ. જે લોકો સોશિયલ મીડિયામાં સક્રિય છે તેઓ છેલ્લા ૩૬૬ દિવસથી આ બાબતનો રોજ અનુભવ કરતા હશે. મેં સ્વામી વિવેકાનંદનું એક પ્રેરણાત્મક અવતરણ ટ્વિટર પર ટાંક્યું હતું.
આ જ રીતે ગત વર્ષે આયોજીત ગુગલ+ હેન્ગઆઉટનો કાર્યક્રમ પણ સ્વામી વિવેકાનંદના સપનાના યુવાધનના નિર્માણના એક ભાગરૂપ હતો. મને એ જણાવતા આનંદ થાય છે કે આ બંને પ્રયાસોને વ્યાપક પ્રમાણમાં આવકારવામાં આવ્યા હતા. મિત્રો, આ એક આનંદની વાત છે કે યોગાનુયોગ રીતે કાનંદની ૧૫૦મી જન્મતિથી દરમિયાન ૬ઠ્ઠી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, ૨૦૧૩નું આયોજન સંભવ બન્યું છે.
આ વર્ષે ૧૨૦ થી વધુ દેશના પ્રતિનિધિઓ સમિટમાં ઉપસ્થિત રહ્યાં છે અને અમે જ્ઞાન, કૌશલ્યવિકાસ અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે. આ સમિટનો આશય માત્ર વિકાસને આગળ ધપાવવાનો જ નહીં પરંતુ આપણા યુવાનોના ભાવિને પણ સુરક્ષિત અને સક્ષમ બનાવવાનો પણ છે. વ્યક્તિગતરૂપે સ્વામી વિવેકાનંદ મારા માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે અને તેથી હું માનું છું કે ઈશ્વરની મારા ઉપર કૃપાદ્રષ્ટી છે કેમ કે હું સ્વામીજીના સંદેશને મારા રાજ્યમાં ફેલાવવામાં નાનું યોગદાન આપી શકું છું.
ફરી એક વાર, હું સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલી પાઠવું છું અને તેમના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અને ગુજરાતની વિકાસગાથામાં શક્ય હોય તેટલા યુવાનોને સાંકળવા સતત પ્રયત્નશીલ બની રહેવાની મારી પ્રતિબદ્ધતા રહેશે.
આપનો,
નરેન્દ્ર મોદી