જર્મનના શહેર હેન્નોવર મેસે ખાતે યોજાતો ઔદ્યોગિક મેળો (ઈન્ડસ્ટ્રિયલ ફેર) સૌથી મોટા અને સૌથી પ્રતિષ્ઠિત મેળા તરીકે સ્થાન ધરાવે છે અને તેમાં વિશ્વભરના લોકો દુનિયાના ટોચના મેન્યુફેક્ચરર્સ શું ઑફર કરે છે, તે જોવા આવે છે. વર્ષ 2015માં ભારત હેન્નોવર મેસે ખાતે ભાગીદાર દેશ તરીકે આયોજનમાં સામેલ થયું હતું.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલે મેસેનું સંયુક્તપણે ઉદ્ઘાટન કર્યું હતું. ભારતના આર્થિક આંતરરાષ્ટ્રીય સંબંધો માટેના સકારાત્મક અભિગમ અને ભારતમાં રોકાણની ભરપૂર સંભાવનાઓ હેન્નોવર મેસે ખાતે રજૂ કરવામાં આવી હતી. મેઇક ઈન ઈન્ડિયા પેવિલિયન અદભૂત હતું, તેમાં ભારતને રોકાણનું એક આકર્ષક સ્થળ બનાવવાના અભિગમ સાથે વિશિષ્ટતાઓ અને પરિવર્તનો રજૂ કરાયા હતા. ભારતના જુદા જુદા રાજ્યોના પણ પોતાના પેવિલિયન્સ હતા, જેની વ્યાપક પ્રશંસા થઈ હતી.
ભાજપના નેતૃત્વ હેઠળ એનડીએની ભારત સરકારને કાર્યકાળના પહેલા જ વર્ષે હેન્નોવર મેસે જેવી અતિ-પ્રતિષ્ઠિત ફોરમમાં ભાગીદાર દેશ તરીકે તક મળવા અંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારત સરકારમાં સત્તાના સૂત્રો સંભાળ્યાના પ્રથમ વર્ષે જ એનડીએ સરકારે વેપારને સરળ બનાવવા માટે લીધેલા પગલા, કરવેરાના માળખાને સરળ બનાવવા માટે લીધેલા પગલા તેમજ વિદેશી રોકાણો આકર્ષવા માટે સર્જેલા માહોલ વિશે જણાવ્યું હતું.
તેમની દ્વિપક્ષીય મુલાકાતો દરમિયાન વિશ્વના અનેક નેતાઓએ શ્રી મોદીને જણાવ્યું હતું કે તેઓ મેઇક ઈન ઈન્ડિયા કાર્યક્રમ માટે ખૂબ આશાવાદી છે. તેમાં મલેશિયાના પ્રધાનમંત્રી શ્રી નજીબ રઝાક, સિંગાપોરના પ્રધાનમંત્રી શ્રી લી સિયેન લૂન્ગ, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એબટ, જાપાનના પ્રધાનમંત્રી શ્રી એબે, ફ્રાંસના પ્રમુખ ઓલાંન્દે અને કેનેડાના પ્રધાનમંત્રી હાર્પર સામેલ હતા.
છેલ્લા એક વર્ષમાં ભારત વિશે તેમજ ભારતમાં ઉત્પાદન અને રોકાણ કરવા સકારાત્મક માહોલ સર્જવાના પ્રધાનમંત્રીના પ્રયત્નોના અનેક લાભ મળવા લાગ્યા છે અને હવે સમગ્ર દુનિયાની નજર ભારત પર તેમજ અહીં રહેલી વિશાળ તકો પર મંડાઈ છે.