પ્રિય મિત્રો,
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ નો દિવસ આપણા દેશનાં ઈતિહાસનો એક અત્યંત મહત્વનો દિવસ છે. આ જ દિવસે દુનિયાનું સૌથી વિસ્તૃત એવું આપણા ભારત દેશનું બંધારણ અમલમાં આવ્યું.ડો.બાબાસાહેબ આંબેડકરની આગેવાનીમાં આપણી સંસ્કૃતિનાં આદર્શો અને મૂલ્યો તથા દેશનાં લોકોની આકાંક્ષાઓને બંધારણમાં વણી લેવામાં આવી. સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીનાં આયોજનને પણ આ વર્ષે ૬૦ વર્ષ પૂરા થશે.
પ્રજાસત્તાક થયાની શરૂઆતથી જ આપણે દુનિયાને બતાવી આપ્યું છે કે ભારતની લોકશાહી વાઈબ્રન્ટ લોકશાહી છે અને ‘પુખ્તવય મતાધિકાર’નાં વૈશ્વિક નિયમનાં અમલીકરણમાં આપણે કોઈ કચાશ રાખી નથી. બ્રિટનને ‘One man one vote’ અને ‘One vote for all’ ની વિભાવનાયુક્તમેગ્ના કાર્ટા સહિતનાં સંખ્યાબંધ સુધારણા કાયદાઓનાં અમલમાં સદીઓ લાગી ગઈ. અમેરિકાએ ૨૦મી સદીની શરૂઆતમાં સ્ત્રીઓને મતાધિકાર આપ્યો, જ્યારે આફ્રિકન અમેરિકન્સને છેક ૧૯૬૪ માં મતાધિકાર આપવામાં આવ્યો. બંધારણસભામાં બેઠેલાં આપણા વડવાઓની દૂરદ્રષ્ટિને પરિણામે શરૂઆતથી જ ભારતની પૂર્ણ ન્યાયિક એવી લોકશાહી નોંધપાત્ર વિકાસ પામી છે.
બંધારણનાં ઘડવૈયાઓએ પોતાની સમજસૂઝથી સરકારને સમવાયતંત્રનું સ્વરૂપ આપ્યું જેમાં કેન્દ્ર અને રાજ્યને દેશનાં વિકાસ માટે સરખા ભાગીદાર ગણવામાં આવ્યા. ભારતીય રાજ્યો માટેની ‘Federal in structure, unitary in spirit’ની ઉકિત એમ જ પ્રચલિત નથી બની. પ્રચુર વૈવિધ્ય ધરાવતો આપણો વિશાળ ભારત દેશ એક વાઈબ્રન્ટ સમવાયતંત્ર વિના જીવંત રહી શકે નહિ. દિલ્હીમાં બેઠેલી કેન્દ્ર સરકાર જુદા જુદા રાજ્યોની પોતીકી ક્ષમતાઓ અને જરૂરિયાતોને હંમેશા ન્યાય આપી ન પણ શકે. જ્યારે રાજ્ય સરકાર લોકોની વધુ નજીક છે અને તેથી જ તે લોકોની જરૂરિયાતોને વધારે સારી રીતે સમજી શકે છે અને સુશાસન દ્વારા તેમની અપેક્ષાઓને વધુ સારી રીતે સંતોષી શકે છે.
પરંતુ માત્ર અને માત્ર દિલ્હીની ગાદીએ બેઠેલા રાજવીઓનાં તરંગી હિતોની પુષ્ટિ માટે દેશની સમવાયપ્રણાલી પર બંધારણીય મુલ્યોનાં હ્રાસસમાન કુઠારાઘાત થઈ રહ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. યોજનાબધ્ધ રીતે દેશની સમવાય પ્રણાલીનાં ચૂરેચૂરા કરવામાં આવી રહ્યા હોય એમ દેખાઈ રહ્યું છે. ભારત જેવા પ્રજાસત્તાક દેશનો વહીવટ એક કૌટુંબિક પેઢીની જેમ ચલાવી શકાય નહિ. આવો વહીવટ દેશને અરાજકતા અને નાશ તરફ દોરી જશે.
અનેકવિધ રીતોએ દેશની સમવાય પ્રણાલી પર આક્રમણ કરવામાં આવી રહ્યું છે. દુર્ભાગ્યે કેન્દ્રએ જે બાબતોમાં વિશેષ હિંમત બતાવવી જોઈએ ત્યાં તે સાવ નિર્બળ પૂરવાર થયું છે. દેશ આતંકવાદ અને નક્સલવાદ જેવા જોખમોનો શિકાર બનેલો છે છતાંય કેન્દ્ર મહત્વનાં પગલાઓ લેવામાં ઢીલ કરી રહી છે. ગુજરાત વિધાનસભામાં ગુજકોક વિધેયક ત્રણ-ત્રણ વખત પસાર થયા છતાંય કેન્દ્રએ ચાર વર્ષથી તેને લટકાવી રાખ્યું છે. બંધારણમાં કાયદો અને વ્યવસ્થાને લગતી બાબતો સ્પષ્ટપણે ‘રાજ્યોની સૂચિ’માં દર્શાવી હોવા છતાંય કેન્દ્ર તેમાં દખલઅંદાજી કરે છે. જે સરકાર માત્ર વોટબેંકની રાજનીતિનાં આધારે જીવતી હોય તેની પાસે આથી વધુ શું અપેક્ષા રાખી શકાય?
કેન્દ્ર પાસે રાજ્યોની સાથે મિત્રતાભર્યા અને સહકારયુક્ત વલણની અપેક્ષા રાખવામાં આવતી હોય તેવી બાબતોમાં ઉલ્ટાનું કેન્દ્ર રાજ્યોને વારંવાર દબાવવાનો પ્રયત્ન કરે છે. એવી કોઈપણ બંધારણીય સંસ્થા નથી જેનો ઉપયોગ કેન્દ્રએ રાજ્યોને દબાવવા માટે ન કર્યો હોય. બિન-યુપીએ રાજ્યોને રાજ્યપાલનાં માધ્યમથી નિશાન બનાવાયા હોય એવા સંખ્યાબંધ દાખલા છે. વિરોધપક્ષ સત્તામાં હોય એવા રાજ્યોને નબળા પાડીને રાજકીય લાભ ખાટવા બીજી પણ કેટલીક સંસ્થાઓનો ગેરઉપયોગ કેન્દ્ર કરે છે. અત્યંત મહત્વની ગણાય એવી નિમણુંકો કરતા પહેલા જે-તે રાજ્યોનાં મુખ્યમંત્રી સાથે વિચારવિમર્શ પણ કરવામાં આવતો નથી, ઉલ્ટાનું આ ભુમિનાં કાયદાઓને બાજુએ હડસેલીને નિમણુંકો કરી દેવામાં આવે છે.
બંધારણમાં દર્શાવેલ સમવર્તી સૂચિની બાબતો અંગે સલાહ-માર્ગદર્શન મેળવવાનાં હેતુથી ભુતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ સરકારિઆ કમિશનની નિમણુંક કરી હતી. પણ આજે દસકાઓ વીતી ગયા હોવા છતાં પણ સરકારિઆ કમિશનનાં સૂચનોનો અમલ થયો નથી. NACએ રાજ્યોની સાથે કોઈ વિચારવિમર્શ કર્યા વિના કોમ્યુનલ વાયોલન્સ વિધેયક બનાવી દીધું છે. આ પ્રકારનાં વિધેયક દેશમાં શાંતિનાં વાતાવરણને તોડી પાડશે, પણ કેન્દ્રનાં સત્તાધીશોને તેની કોઈ પરવાહ નથી. આ પ્રકારનાં મામલાઓમાં જો રાજ્યોનાં સૂચન લેવામાં આવે અને જો તેનો કારભાર રાજ્યોને સોંપવામાં આવે તો વધારે સારા પરિણામો મેળવી શકાય છે.
નાણાકિય બાબતોમાં તો વળી સમવાય પ્રણાલીનો હજીય વધુ વિનાશ નોંતરવામાં આવી રહ્યો છે. જનતાનાં ભલાને નામે અને જનઅધિકારોને નામે વધુને વધુ નાણાનો પ્રવાહ દિલ્હી તરફ વાળવામાં આવી રહ્યો છે. નાણાપંચે નાણાનાં અત્યંત મોટા સ્ત્રોતની ફાળવણી કેન્દ્રને કરી છે જ્યારે રાજ્યોને સાવ નજીવો હિસ્સો આપવામાં આવ્યો છે. જનકેન્દ્રી યોજનાઓની જાહેરાત કરીને તેના અમલની નાણાકિય જવાબદારી રાજ્યોને શિરે ઢોળી દેવામાં કેન્દ્ર માહેર બની ગયું છે. રાજ્યોને ભંડોળ આપીને કેન્દ્ર તેમની ઉપર ઉપકાર કરે છે એમ નથી, પૂરતા પ્રમાણમાં કેન્દ્રિય ભંડોળ મેળવવું એ તો વિકાસ સાધવા સારુ રાજ્યોનો હક્ક બને છે.
આજે દેશનું અર્થતંત્ર નબળુ છે અને દેશ વ્યાપક ભૂખમરા તથા ભાવવધારાની અસરો હેઠળ ઢસડાઈ રહ્યો છે ત્યારે કેન્દ્ર આમાં પણ રાજનીતિ ખેલી રહ્યું છે. અનાજનાં સંગ્રહિત જથ્થાને બહાર લાવવા કેન્દ્ર સરકાર દેશભરમાં છાપા મારી રહી છે જેમાંથી મોટા ભાગનાં છાપા બિનયુપીએ શાસિત રાજ્યોમાં પાડવામાં આવી રહ્યા છે, જ્યારે વાસ્તવિકતા એ છે કે ભારતનાં સૌથી મોટા રાજ્યો પૈકી ઘણાં રાજ્યોમાં યુપીએનું શાસન છે અને યુપીએ શાસિત રાજ્યોમાં તાજેતરમાં સૌથી વધુ પ્રમાણમાં ખેડુતોની આત્મહત્યાનાં કિસ્સાઓ જોવા મળી રહ્યા છે.
આજે આ ચિંતા હું આપની સમક્ષ વ્યક્ત કરી રહ્યો છું એ માત્ર મુખ્યમંત્રી હોવાને નાતે જ નથી કરતો પણ ભારતનાં એક સામાન્ય નાગરિક હોવાને નાતે પણ કરુ છું. એવું કેમ છે કે દરેક પક્ષનાં મુખ્યમંત્રીઓ ભારતનાં સમવાયતંત્ર પર થતા આ વારંવારનાં હુમલાઓ અંગે ગંભીર ચિંતા જતાવી રહ્યા છે? હવે સમય પાકી ચૂક્યો છે કે કેન્દ્ર સમજે કે રાજ્યોને તેમનાં હક્કનું આપી દેવાથી કેન્દ્ર નબળું નહિ પડે. રાજ્યોએ કેન્દ્ર સાથે સહકારમાં અને સમાન દરજ્જામાં કામ કરવું જોઈએ અને તેમનાં હુકમપાલક માત્ર બનીને ન રહેવું જોઈએ.દબાણપૂર્વકનું નહિ પણ સહકારપૂર્વકનું સમવાયતંત્ર આપણા દેશનો માનદંડ બનવું જોઈએ.
મિત્રો, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે હું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું. આ અવસરે ચાલો આપણે સૌ ‘અનેકતામાં એકતા’ની વિભાવનાને ચરિતાર્થ કરતાં એક સાચા સમવાયી ભારતનાં નિર્માણનો સંકલ્પ કરીએ. ચાલો, ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ નાં મંત્ર સાથે આપણે સૌ ગાંધીજીની સુરાજ્યની સંકલ્પના સાકાર કરીએ. આ જ બંધારણનાં ઘડવૈયાઓને આપેલ સાચી શ્રધ્ધાંજલિ લેખાશે.