મુખ્યમંત્રીશ્રીની સમયસરની દરમિયાનગીરીથી રાજ્યની ચાર સહકારી જિલ્લા બેન્કોના લાયસન્સ ચાલુ રહ્યા
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની ચાર જિલ્લાની મધ્યસ્થ સહકારી બેન્કોના કૃષિ ધિરાણોના લાયસન્સો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રદ કરવાનું ફરમાન કરેલું તેની સામે સમયસર રાજ્ય સરકારની દરમિયાનગીરી કરીને રૂા. ૮૪ કરોડ RBIને ચૂકવીને આ ચારેય જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કોને રિઝર્વ બેન્કના લાયસન્સ રદ કરવામાંથી બચાવી લીધી છે અને તેનાથી કચ્છ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લાના લાખો ખેડૂતોને આ ચારેય સહકારી બેન્કો પાસેથી કૃષિ ધિરાણ મળતું રહેશે.
આ સમગ્ર ઘટનાનું સવિશેષ મહત્વ એટલા માટે છે કે તાજેતરમાં રિઝર્વ બેન્કે કરેલા ફરમાન મુજબ દેશની કુલ મળીને ૪ર સહકારી જિલ્લા મધ્યસ્થ બેન્કોના આ પ્રકારના કૃષિ ધિરાણના લાયસન્સો રદ કરી દીધાં છે જેમાં ઉત્તરપ્રદેશની ર૪ જિલ્લા સહકારી બેન્કો, મહારાષ્ટ્રની-૬, બિહારની પાંચ અને બાકીના રાજ્યોની એક કે બે જિલ્લા સહકારી બેન્કોના લાયસન્સો રિઝર્વ બેન્કે રદ કર્યાં છે, જ્યારે ગુજરાતની ચાર જિલ્લા સહકારી બેન્કોના લાયસન્સ રદ કરવાના રિઝર્વ બેન્કના ફરમાન સામે મુખ્યમંત્રીશ્રીએ સમયસર ખેડૂતોના કૃષિ ધિરાણના વ્યાપક હિતમાં પગલાં લેતાં આ ચારેય જિલ્લા સહકારી બેન્કો રિઝર્વ બેન્કના પગલાંમાંથી મૂકત રહી છે.