મુખ્યમંત્રીશ્રી પૂણેમાં
ગુજરાતમાં આધુનિક નગરરચનાના નવા શહેરો
દેશના જાહેર જીવનમાં તાજી હવાના નેતૃત્વની જરૂર
રાજનીતિમાં યુવાપેઢીના માટે પરિવાર - વિરાસત પોષાઇ રહી છે તે નવા સંકટો ઊભા કરશે
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશમાં જાહેર જીવનમાં તાજી હવાના નેતૃત્વ અને પ્રતિનિધિત્વની આવશ્યકતા ઉપર ભાર મૂકતા જણાવ્યું છે કે, રાજનીતિમાં યુવા પેઢીના નામે આજે રાજકારણીઓનો પરિવાર વાદ પોષાઇ રહ્યો છે, તે નવા સંકટો ઊભા કરશે.મુખ્યમંત્રીશ્રી આજે મહારાષ્ટ્રના પૂણેમાં ગુજરાતના અગ્રણી ઉદ્યોગ સંચાલકની એનર્જી ગ્રુપની કંપનીના મુખ્યમથક વન અર્થની નિરીક્ષણાર્થે મુલાકાત લીધી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસ અને દેશની સાંપ્રત રાજનીતિ સહિત યુવાપેઢીના નેતૃત્વ અંગે યોજાયેલા સંવાદ ગોષ્ઠીમાં પ્રેરક વિચારો રજૂ કર્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત દરિયાઇ માર્ગે પરિવહન અને ઊર્જાના કુદરતી સંશાધનોને વિકાસ અને પર્યાવરણમાં વિનિયોગ કરી રહ્યું છે તેની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત કાર્બન ક્રેડિટમાં પ્રથમ સ્થાને છે. હવે કાર્બન ન્યુટ્રલ સ્ટેટ તરીકે ન્યુ ગુજરાત વિધઇન ગુજરાતનું નિર્માણ થઇ રહ્યું છે.
ભૂતકાળમાં ગુજરાતમાં જળસંપદા, જમીન અને વાયુના પ્રાકૃતિક સંશાધનોની વિકાસમાં રૂપાંતર કરવાની દિશામાં સદંતર અભાવ હતો તેનો નિર્દેશ કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, ૧૬૦૦ કિ.મી.નો દરિયાકાંઠો એક બોજ બની ગયેલો. આજે ગુજરાતના બંદરોનો વિકાસ એ રીતે થયો છે કે, હિન્દુસ્તાનના વિશ્વવેપારનું પ્રવેશદ્વાર બની ગયું છે. ગુજરાત સામુદ્રિક પરિવહનનું નવું ક્ષેત્ર વિકસાવી રહ્યું છે. ગુજરાતમાં નવા આધુનિક નગરરચના સાથેના ગીફ્ટ સિટી, નોલેજ સિટી, હેલ્થ સિટી, પોર્ટ સિટી, ટ્વીન સિટી, ટ્રાન્સપોર્ટ સિટીના ૨૧મી સદીના આધુનિક નગરો પર્યાવરણની જાળવણી સાથે વિકસાવશે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં છેલ્લા દસ વર્ષમાં નવી ૩૨ યુનિવર્સિટીઓ અને વિશ્વને ઉત્તમ માનવ સંશાધન વિકાસની સંપદા આપે તેવી વિશિષ્ટ યુનિવર્સિટીઓની રૂપરેખા પણ આપી હતી.
ગુજરાતમાં વિકાસના દ્રષ્ટિવંત વ્યુહની સફળતાના કારણે આજે સંશાધનોની વિપુલતાની વિકાસમાં વિનિયોગ કરવાનો પડકાર રાજ્ય સરકારે ઝીલ્યો છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
સુઝલોન ગ્રુપના અધ્યક્ષ અને સી.એમ.ડી. શ્રી તુલસીભાઇ તંતીએ ગુજરાતને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવનારા શ્રી નરેન્દ્રભાઇ મોદીને દેશના સૌથી ઉત્તમ દ્રષ્ટિવંત અને ગતિશીલ રાજપુરૂષ ગણાવ્યા હતા. સુઝલોન કંપનીના ભવિષ્યના પ્રોજેક્ટ અંગેની રૂપરેખા આપી તેમણે મુખ્યમંત્રીશ્રીનો ભાવભર્યો આતિથ્ય સત્કાર કર્યો હતો.
સુઝલોન ગ્રુપના નિયામક મંડળ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઊર્જા વિકાસ અંગે વિચાર વિમર્શ કર્યો હતો.