છત્રપતિ શિવાજી મહારાજે સુરાજ્ય માટેના સુશાસનની પ્રેરણા આપી છે
આપણા ઇતિહાસ-પુરૂષોનું ગૌરવગાન કરીએ - મુખ્યમંત્રીશ્રી
છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું સુરતમાં અનાવરણ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સુરતમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરતાં સુશાસન અને સુરાજ્ય માટે છત્રપતિ શિવાજી મહારાજનું નેતૃત્વ આજે પણ ઉત્તમ પ્રેરણા આપે છે એમ જણાવી હિંન્દવી સ્વરાજ દ્વારા વશ્વિ વેપાર માટેની સુરક્ષા કાજે નૌસેનાની સ્થાપના કરનારા પણ છત્રપતિ શિવાજી મહારાજ હતા તેમ ઉમેર્યું હતું.
છત્રપતિ શિવાજી મહારાજે પરિવારવાદનો છેદ તેમના શાસનમાં ઉડાડી અષ્ટપ્રધાન મંડળની કુશળ વહીવટી કેડર ઉભી કરી હતી અને પારદર્શી ધોરણે ગુણવત્તાની ભરતીથી વહીવટીતંત્ર રચ્યું હતું તેની ઐતિહાસકિ છણાવટ મુખ્યમંત્રીશ્રીએ કરી હતી.
આ પ્રતિમા જે સ્થાને સ્થાપવામાં આવી છે તે મુસ્લીમ દાતાઓની જમીન છે અને ટ્રસ્ટને આપવામાં આવી છે. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, પરિવારજનોની પેઢી દર પેઢીના નામો લોકોને યાદ નથી રહેતા પણ છત્રપતિ શિવાજી જેવા મહાન પુરૂષોનું સ્મરણ ચિરંજીવ હોય છે કારણ કે સ્વયં જાતને સમાજ માટે ખપાવી દીધી હોય છે. આવા મહાપુરૂષો સદીઓ પછી પણ ઉત્તમ કાર્યથી પ્રેરણા આપે છે અને ગૌરવથી તેમની સામે માથું ઝુકે છે.
ભારતના ગુલામી કાળખંડમાં એવા સપૂત દેશભકતો થઇ ગયા જેમણે આપણામાં ચેતના પ્રગટાવી છે. છત્રપતિ શિવાજી, રાણા પ્રતાપ, સ્વામી વિવેકાનંદ જેવાં ઇતિહાસ પુરૂષોનું ગૌરવ કરવું એ આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતનું ઐતિહાસિક ગૌરવ છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતનો સદ્ભાવનાનો મંત્ર કેટલો પ્રભાવી છે તે આ પ્રતિમાની સ્થાપના માટે મુસ્લીમ પરિવારે પોતાની જમીન આપીને ઇતિહાસનું ગૌરવ કર્યું છે તે બદલ મુખ્ય મંત્રીશ્રીએ અભિનંદન આપ્યા હતા.
છત્રપતિ શિવાજી મહારાજે હિન્દુ સંસ્કૃતિ રક્ષક, ગૌરક્ષક, કુશળ પ્રશાસક, પહાડી પ્રદેશમાં સિંચાઇ વ્યવસ્થાપનના અનેક સુધારાવાદી કાર્યો કરીને સુરાજ્ય માટેના સુશાસનનો સમન્વય કર્યો હતો. ભ્રષ્ટાચાર સામે કઠોર વલણ હતું એવા મહાપુરૂષોને ભુલાવી દઇશું તો આપણી વિરાસતની ઉત્તમ પરંપરાને ગુમાવી દઇશું એવી ચેતવણી પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપી હતી.
છત્રપતિ શિવાજીના જીવનના અનેક આદર્શ એવા છે જે સમાજને વિરત્વની પ્રેરણા આપે છે. ઓજ અને તેજ વગરનો સમાજ સમાજ નથી. વિરત્વનો અર્થ હિંસા નથી, પણ વિરત્વથી જ સમાજની ઉર્જાશકિત પ્રગટે છે એમ પણ તેમણે જણાવ્યું હતું. વિરત્વના સંસ્કારથી શિવાજી મહારાજ શાસ્ત્રાર્થી રહ્યા અને ભારતનું તત્ત્વજ્ઞાન તો જે શસ્ત્રધારણ કરે તે વીર અને શાસ્ત્ર ધારણ કરે તે મહાવીરનું ગાન કરે છે એમ જણાવી મુખ્ય મંત્રીશ્રીએ છત્રપતિ શિવાજી મહારાજને ભવ્ય શ્રધ્ધાંજલિ આપી હતી.
પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે પ્રતિમા અનાવરણના આ પ્રસંગે ગૌરવની લાગણી વ્યકત કરતાં જણાવ્યું કે, શિવાજી મહારાજે લોકસમુદાયના ઉથ્થાન માટે મહાન કાર્ય આરંભ્યુ હતું. મુખ્ય મંત્રીશ્રી પણ તેમના આદર્શો પર ચાલીને ગુજરાતમાં સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે ગુજરાતને વૈશ્વિક ફલક પર મુકી રહ્યા છે.
છત્રપતિ શિવાજી સ્મારક સમિતિના અધ્યક્ષ શ્રી રવિન્દ્રભાઇ પાટીલે સૌને આવકાર્યા હતા. આ પ્રસંગે રાજ્ય મંત્રી મંડળના મંત્રીઓ સર્વશ્રી મંગુભાઇ પટેલ, રણજીતભાઇ ગીલીટવાલા, સાંસદશ્રીઓ, સુરત શહેરના ધારાસભ્યો, મેયર શ્રી રાજેન્દ્ર દેસાઇ, નગરસેવકો તેમજ શહેર અને જિલ્લાના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.