મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનું થ્રીડી ટેકનોલોજી માધ્યમ દ્વારા એકસાથે ર૬ શહેરોમાં લાઇવ ટેલીકાસ્ટથી સંબોધન
ગુજરાતને બદનામ અને બરબાદ કરનારી કોંગ્રેસને પડકાર ગુજરાતના વિકાસને રોકી નહીં શકો!
ગુજરાતના વિકાસને ગૌરવ મળ્યું છે...
સત્તા માટે વલખા મારતી કોંગ્રેસનો જૂઠ્ઠાણાનો નકાબ ખૂલ્લો પડયો
દેશને લૂંટનારી દિલ્હીની કોંગ્રેસ સલ્તનતની જેમ ગુજરાતને કોંગ્રેસથી લૂંટાવા નહી દેવાય - મુખ્યમંત્રીશ્રી
આ ચૂંટણીમાં ગુજરાતના ભવ્ય નિર્માણના મારા સપના સાકાર કરવા હું જ આપનો ઉમેદવાર છું મારા કામને પારખ્યું છે મને શકિતરૂપે ભાજપાની સરકાર દ્વારા મત આપો જનતા જનાર્દન સાથે તાદાત્મ્યનો અનુભવ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિધાનસભા ચૂંટણીના લોકસંપર્ક અભિયાનમાં થ્રીડી હોલોગ્રાફિક ટેકનોલોજી ઇમેજથી એકસાથે ગુજરાતના ર૬ શહેરોમાં જનતા જનાર્દન સમક્ષ મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હતો કે દિલ્હીની કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતે દેશને લૂંટી લીધો છે પણ હું દિલ્હીની જેમ ગુજરાતને લૂંટાવા દેવાનો નથી.મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતને બરબાદ અને બદનામ કરવા લાખ લાખ પેંતરા અને જૂઠ્ઠાણાની ભરમાર કરતી દિલ્હીની કોંગ્રેસ સલ્તનતને પડકારતા જણાવ્યું કે આ ગુજરાત કદી કોંગ્રેસ સામે ઝુંકયું નથી અને ઝૂંકવાનું નથી જૂઠ્ઠાણા એ કોંગ્રેસનું દુષચરિત્ર છે અને જૂઠ્ઠાણામાં જ મદહોશ બની ગયેલી કોંગ્રેસને ગુજરાતની જનતા કયારેય માફ નહીં કરે. ગુજરાત પ્રત્યે દુશ્મન રાજ્ય હોય એટલી નફરત કોંગ્રેસ કરી રહી છે પણ આ જૂઠ્ઠાણાનો હિસાબ જનતા આપી દેશે. મારે તો દિવ્ય ભવ્ય ગુજરાતનું નિર્માણ કરવાનું, આવતીકાલની પેઢીઓના સુખ માટેના સપના સાકાર કરવા છે. આ ચૂંટણીમાં ભાજપાનો હું એક જ ઉમેદવાર છું. આપનો છું. આપના સુખ અને ભલા માટે રમમાણ છું. આપે મને પારખ્યો છે, ઓળખ્યો છે. મારા કામને જાણો છો. મારે માટે તો આપનો પ્રેમ મને ગુજરાત માટે ખપી જવાની તાકાત આપે છે. મારે સત્તા ભોગવવાની નથી. મારે તો સામાન્ય માનવીને સુખી જોવો છે. છ કરોડ ગુજરાતીઓનું ગૌરવ વધે, દુનિયામાં ડંકાની ચોટ ઉપર ગુજરાતના વિકાસની શાન વધે એ માટે મત માંગું છું એમ તેમણે જણાવ્યું હતું.
હિન્દુસ્તાનનો કોઇ યુવાન કેન્દ્રની કોંગ્રેસ સરકાર ઉપર પોતાના ભવિષ્યનો ભરોસો મૂકી શકતો નથી કારણ કે કોંગ્રેસે સત્તાભૂખમાં યુવાનોના ભવિષ્યના અરમાન રોળી નાંખ્યા છે જ્યારે ગુજરાતમાં યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્યની અનેક ક્ષિતિજો આકાર લઇ રહી છે. દશ વર્ષમાં ગુજરાતને બદનામ, બરબાદ કરવા કોંગ્રેસે એવા પેંતરા રચ્યા કે ગુજરાત દિશાહિન થઇ જાય, વિકાસની ગાડી પાટા ઉપરથી ઉતરી જાય, સામાન્ય માનવીની સમસ્યા વધે એ માટે પ્રયાસો કર્યા પરંતુ છ કરોડ ગુજરાતીઓ મારી સાથે મક્કમ નિર્ધારથી સાથે રહીને ચલિત કે વિચલીત થયા નહીં. એકધારી રાજકીય સ્થિરતાથી ગુજરાત વિકાસની નવી ઊંચાઇ ઉપર જઇ રહયું છે એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના વિકાસથી ચકાચૌંધ થઇ ગયેલી કોંગ્રેસે જૂઠ્ઠાણામાં એવો દાટ વાળ્યો કે ગુજરાતને બદનામ કરવાની જાહેરાતોમાં શ્રીલંકાના કુપોષિત બાળકના ફોટા મૂકયાં! કયાં સુધી જૂઠ્ઠાણાના નકાબ પહેરીને ગુજરાતની જનતાને ગુમરાહ કરશો? સત્તાભૂખના આવા વલખાં મારનારી કોંગ્રેસ ગુજરાતની જનતાને કયારેય ખપે જ નહીં. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના ૧૬૦૦ કી.મી.ના દરિયાકાંઠે આગામી દાયકામાં જ એવું સમૃધ્ધ ગુજરાત સર્જાવાનું છે જે આજની સાગરખેડુ સમાજોની વર્તમાન પેઢી નજરે નિહાળી શકશે. એમ જણાવી હિન્દુસ્તાનની સમૃધ્ધિનું દ્વાર ગુજરાતનો દરિયાકાંઠો બને, માછીમારો સહિત સાગરકાંઠે વસતા તમામ સમાજોની સમૃધ્ધિ વધશે. તેવો વિશ્વાસ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યો હતો.
આદિવાસીઓના આખા પૂર્વપટ્ટામાં અંબાજીથી ઉમરગામ સુધી હવે રૂા. ૪૦,૦૦૦ કરોડની વનબંધુ યોજનાનું બીજા પાંચ વર્ષનું પેકેજ સર્વાંગી વિકાસ અને આદિવાસીઓના જીવનમાં બદલાવ લાવશે એવો સંકલ્પ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વ્યકત કર્યો હતો. ગુજરાતના સાગરકાંઠે શિપબિલ્ડીંગના ઉદ્યોગનો વિકાસ દરિયાકાંઠાની જાહોજલાલી સર્જશે એમ પણ તેમણે જણાવ્યું હતું. કેન્દ્ર સરકારને પડકારતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના માછીમારોને તેમની બોટ સાથે પાકિસ્તાનના ચાંચિયા પકડી જાય છે અને મહિનાઓની યાતના આપ્યા પછી માછીમારોને છોડી મૂકે છે પણ અબજોની સંપત્તિ એવી બોટ પાછી અપાવવામાં કેન્દ્રની કોંગ્રેસ સલ્તનત કેમ ચૂપ છે?
ગુજરાતના ખેડૂતોને ગૂમરાહ કરવા માટેની જૂઠ્ઠાણાની ઉશ્કેરણી કરી રહેલા કોંગ્રેસીઓને પડકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગત ચોમાસમાં અપૂરતા વરસાદથી ખેડુતોને બરબાદ થતા રોકવા ગુજરાતની ભાજપા સરકારે રૂા. ૧પ૦૦૦ કરોડનું ખેતી રાહત પેકેજ બનાવીને કેન્દ્રની સરકારના મંત્રીઓને રૂબરૂ ગુજરાત પ્રવાસ વખતે આપેલું અને તેમણે કેન્દ્રની સહાયનું જાહેરમાં વચન આપેલું પણ, આજ સુધી ખેડૂતો માટે કાણી પાઇની કેન્દ્રની સહાય મળી નથી.
ગુજરાતના કપાસના દુનિયામાં સૌથી ઊંચા ભાવો મળતા હતા ત્યારે જ શા માટે કેન્દ્રની કોંગ્રેસ સલ્તનતે કપાસની નિકાસબંધી કરીને ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકશાન કરાવ્યુંપાયમાલ કરી દેવા? ગુજરાતના ખેડૂતોને કેન્દ્રની કોંગ્રેસની ખેડૂતવિરોધી નીતિએ જ બરબાદ કરવાનું ષડયંત્ર રચ્યું છે. એમ મપણ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતના આદિવાસી વાડી પ્રોજેકટ અને દાહોદના જંગલોના આદિવાસી ખેડૂતો ફૂલવાડીથી મબલખ કમાણી કરતા થયા છે. આ જ ભાજપાની સરકારનું આદિવાસીઓના કલ્યાણનું સાચુ જીવન પરિવર્તન છે. કોંગ્રેસે વોટબેન્ક ખાતર આદિવાસી, દલિત, કિસાન, નૌજવાન, મહિલા, ગામડાશહેરોનું શોષણ કર્યું છે. શા માટે કેન્દ્ર સરકાર ગામડા માટે, કૃષિ માટે કોઇ ગુણાત્મક બદલાવના કાર્યક્રમો સફળ નથી કરી શકતી? તમારી પાસે સત્તાનાણાં બધું જ છે પણ એને તો સત્તા સુખ ભોગવવું છે. નાણા લૂંટવા સિવાય પ્રજાનું ભલુ નથી કરવું અમે માત્રને માત્ર સામાન્ય માનવીની પીડાં મટાડવા ગરીબોની બેલી અને નોંધારાની આધાર એવી સરકાર કેવી હોય એની અનુભૂતિ કરાવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રની કોંગ્રેસ સરકાર સામે સરદાર સરોવર નર્મદા યોજના માટે તેમને ઉપવાસ ઉપર ઉતરવું પડયું ત્યારે ડેમની ઊંચાઇની મંજૂરી ન્યાયતંત્ર દ્વારા જ મેળવવી પડી તેનો ઉલ્લેખ કરી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે હજુ પણ ડેમના દરવાજા મૂકવાની મંજૂરી દિલ્હીની કોંગ્રેસ સલ્તનત આપતી નથી. જો આ મંજૂરી મળે તો ડેમના દરવાજાની ઊંચાઇ ૧૩૮ મીટર પહોંચે અને કચ્છકાઠિયાવાડને પૂરા વેગથી નર્મદાનું પાણી મળે પણ કોંગ્રેસને આ મંજૂર નથી, કારણ અહીં ભાજપાની સરકાર છે કોંગ્રેસનો એક જ સંકલ્પ છે કે ગુજરાતને તબાહ કરવું અમે આવી અનેક આફતો સામે ગુજરાતના નામને ગૌરવ અપાવ્યું છે.
સામાન્ય માનવીનાં ભરોસાને ઊની આંચ આવવા દીધી નથી. જ્યારે કોંગ્રેસે વચનો આપીને જનતાની છેતરપીંડી જ કરી છે. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે દ્વારકા, સોમનાથ, પાલીતાણા, ગીરનાર, ગીરના સિંહો, દરિયાકાંઠો, કચ્છનું રણ કોંગ્રેસના રાજમાં પણ હતા છતાં, તેનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવાનું કોંગ્રેસને કયારેય સુઝયું જ નહીં પણ અમારી સરકારે પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વિશ્વના નકશામાં મૂકીને રોજગારી અને આર્થિક પ્રવૃત્તિનું વિશાળ ક્ષેત્ર ખોલ્યું છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની જનતા જનાર્દનને ભવ્યદિવ્ય ગુજરાતની આવતીકાલ માટે એકમત બની ભાજપાના ભવ્ય વિજય માટે સંકલ્પ કરવા આહ્વાન કર્યું હતું.