મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પ્રવાસે આવેલા, દેશ-વિદેશની અગ્રણી નાણાંકીય અને રોકાણકાર કંપનીઓના વરિષ્ઠ પદાધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે આજે યોજાયેલી સંવાદ-ગોષ્ઠીમાં એવો નિર્દેશ આપ્યો હતો કે વિકાસ માટેની ભાગીદારીમાં પ્રેરિત થવા માટે વિશ્વસનિય વાતાવરણ સર્જાવું જોઇએ અને ગુજરાતે વૈશ્વિક મંદીના સમયમાં પણ સાતત્યપૂર્ણ પ્રગતિ માટેની નવી પહેલો સાકાર કરીને આ દિશામાં સફળતા મેળવી છે.
આ રોકાણકારોના પ્રતિનિધિમંડળમાં અમેરિકા, સિંગાપોર, હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા, અબુધાબી સહિતના દેશોની નાણાં રોકાણકારો અને દેશના અગ્રણી મૂડીરોકાણકારોના ૧પ જેટલા પદાધિકારીઓનો સમાવેશ થાય છે, જેમણે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની સર્વાંગીણ પ્રગતિની સફળતા પાછળ રાજ્ય સરકારની નીતિઓ, નીતિવિષયક સુધારા, ઉદ્યોગ-કૃષિ, આર્થિક વ્યવસ્થા, માનવ સંસાધન વિકાસ અને સામાજિક જવાબદારીઓ જેવા અનેકવિધ વિષયોની કાર્યશૈલી અને સિધ્ધિઓની રૂપરેખા વિશે જાણવામાં ખૂબ જ આતુરતાપૂર્વક રસ દાખવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે વિકાસના જે નવા આયામો અપનાવ્યા તેના પરિણામે ૧૬૦૦ કી.મી.ના સાગરકાંઠે ‘ન્યુ ગુજરાત' આકાર લઇ રહ્યું છે અને સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયન સાથે વિવિધ પ્રકારના મોર્ડન સિટીનું નિર્માણ થવાનું છે. દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC) સાથે ગુજરાતના આખા સાગરકાંઠાના માળખાકીય સુવિધા વિકાસના જોડાણનું સુવિચારિત આયોજન હાથ ધર્યું છે.
ગુજરાત સરકારની નીતિ આધારિત ઔદ્યોગિક પ્રગતિની વ્યૂહરચનામાં ગ્રે-એરિયાનો લઘુતમ અવકાશ હોવાથી પારદર્શિતા અને ઉદ્યોગ-રોકાણનું સાનુકુળ વાતાવરણ સર્જાયેલું છે એટલું જ નહીં, જીરો લેવલ મેન-ડેઇઝ લોસના કારણે ઔદ્યોગિક ક્ષેત્ર શ્રમ-માલિકના સુમેળભર્યા પારિવારિક સંબંધોની સંસ્કૃતિ સર્જાઇ છે એમ તેમણે જણાવ્યું હતું.
દેશ-વિદેશની રોકાણકાર કંપનીઓને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-જાન્યુઆરી-ર૦૧૧માં ભાગ લેવાનું નિમંત્રણ આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતમાં ઉદ્યોગો માટે જમીન અંગે કોઇ વિવાદ નથી. રાજ્ય સરકાર ઉદ્યોગો માટે જમીન ખરીદીમાં કોઇ ભાગીદાર બનતી નથી પરંત,ુ ઉદ્યોગો સ્થાપવા માટેની જમીન ખેડૂતોના હિતોની જાળવણીની કોઇ સુઆયોજિત નીતિ દેશમાં હોવી જોઇએ અને પર્યાવરણના ભોગે ઔદ્યોગિક વિકાસ થવો જોઇએ નહીં.
મુખ્યમંત્રીશ્રીએ ઔદ્યોગિક વિકાસ અને કૃષિવિકાસના નવાં ક્ષેત્રોમાં મેન્યુફેકચરીંગ તથા વેલ્યુ એડીશનની દિશામાં રાજ્ય સરકારના અભિગમની ભૂમિકા આપી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સોલાર એન્ડ રિન્યુએબલ એનર્જીની નીતિઓ સફળ બની રહી છે અને વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક ગુજરાતમાં સ્થપાઇ રહ્યો છે.
ગુજરાતમાં તેમની સરકારનો પ્રાથમિક એજન્ડા માનવ સંસાધન વિકાસનો છે અને પૂર્વ પ્રાથમિકથી લઇને યુનિવર્સિટી એજ્યુકેશનમાં અપગ્રેડેશન તથા ગૂણાત્મક પરિવર્તન સુધીનો સંકલિત અભિગમ અપનાવ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ વિકાસ માટે દેશભરમાં તંદુરસ્ત સ્પર્ધાનું વાતાવરણ અને રાજ્યોમાં ઉત્તમ કાર્યસિધ્ધિ અંગેના પ્રોત્સાહન અંગે ભારત સરકારે પહેલ કરવી જોઇએ તેવી હિમાયત કરતાં જણાવ્યું કે ભારત સરકારનો GST નો નીતિવિષયક અભિગમ સફળ ત્યારે જ થઇ શકે જ્યારે સમગ્ર દેશમાં ઇ-રિટર્ન માટેનું આઇ.ટી. નેટવર્ક સંપૂર્ણતયા કાર્યરત થાય. આ હકિકત તેમણે કેન્દ્રીય નાણામંત્રીશ્રીને પણ જણાવેલી છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યોના દેવાંની પરિસ્થિતિ અંગેના માપદંડો બદલવાની જરૂર ઉપર સૂચન કરતાં જણાવ્યું કે વિકાસ માટેનું દેવું અને કુદરતી આપત્તિઓ માટેનું દેવું તેમજ રાજ્ય સરકારોના બિનકાર્યક્ષમતાના વહીવટી ખર્ચાના દેવાંને જૂદી જૂદી કક્ષામાં મૂકવાં જોઇએ. તેમણે ‘નરેગા' યોજનાના પરિણામલક્ષી અમલ માટે નરેગામાંથી શ્રમયોગી ઉત્પાદક રોજગારના સિધ્ધાંતને જોડવા અને નરેગાના કામોનું વાર્ષિક કેલેન્ડર તૈયાર કરવા, સતત ચૂંટણીઓના કારણે રાજ્ય શાસનમાં વિકાસની સાતત્યપૂર્ણ પ્રક્રિયા ઉપર આવતા અવરોધોની સમસ્યાના નિવારણ માટે ચૂંટાયેલી સરકાર પૂરા સમય સુધી જવાબદારીપૂર્વક કાર્યકરે અને રાજકીય સ્થિરતા રાખવાનું દાયિત્વ નિભાવે તેવા ચૂંટણી-સુધારાની પણ તેમણે હિમાયત કરી હતી.
વિવિધ રાજ્યોમાં ઉદ્યોગો કે પ્રોજેકટની સ્થાપના માટે જમીન-પ્રાપ્તિની સમસ્યાના ઉકેલ માટે તેમણે વિવાદ કે કિસાનોના હિતોનો ભોગ લેવાય નહીં, અને સાથોસાથ ઔદ્યોગિક કે માળખાકીય સુવિધા વિકાસનું સાતત્ય જળવાઇ રહે તે અંગેના વિચારો વ્યકત કર્યા હતા. કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સીબિલીટી તથા સ્પેશિયલ ઇન્વેસ્ટર્સ રિજીયન જેવા નવા આયામો વૈશ્વિક અર્થતંત્રના સ્પર્ધાત્મક વાતાવરણમાં આવશ્યક ગણાવતા મુખ્યમંત્રીશ્રીએ, દરેક ઔદ્યોગિક ગૃહ અને જાહેર સાહસો દેશમાં એક ખેલકૂદ-રમતને દત્તક લઇને તેના વિકાસ માટેની જવાબદારી ઉપાડે તો સમગ્ર દેશમાં યુવાશકિત માટે રમત-ગમતની નવી સંસ્કૃતિનું વાતાવરણ ઉભૂં થશે એમ જણાવ્યું હતું.
ગુજરાતમાં ગિફટ સિટીના નિર્માણની વિશેષતા તથા ફાઇનાન્સીયલ મેનેજમેન્ટની સફળતાની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.