લેટીન અમેરિકા અને કેરેબિયન દેશોના સાત એમ્બેસેડરોના ઉચ્ચ સ્તરીય ડેલીગેશન સાથે
મુખ્યમંત્રીશ્રીની અત્યંત ફળદાયી બેઠક સંપન્ન
લેટીન અમેરિકા અને કેરેબિયન દેશો ગુજરાતના વિકાસમાં સહભાગીદાર બનવા તત્પર
ગુજરાતના વિકાસ-વિઝનથી પ્રભાવિત થયેલા લેટીન અમેરિકાના દેશો ગુજરાત સાથે
આર્થિક-ઔદ્યોગિક વાણીજ્યક સંબંધો વિકસાવવા અત્યંત આતુર
વુડન-ટીમ્બર માર્બલના આર્ટીજન્સ માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવા ગુજરાતની નેમ
ગુજરાત મેન્યુફેકચ્ચરીંગ ક્ષેત્રે અગ્રેસર : વેલ્યુ એડિશન અને એક્ષર્પોટ બિઝનેસમાં વિશાળ અવકાશ
લેટીન અમેરિકન દેશોને અમદાવાદમાં ટ્રેડ સેન્ટર શરૂ કરવાનું પ્રેરક સૂચન
ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની સૌજન્ય મૂલાકાત આજે લેટીન અમેરિકા અને કેરેબિયન દેશોનાં સાત જેટલા એમ્બેસેડરો-રાજદૂતોએ લીધી હતી અને લેટીન અમેરિકા તથા કેરેબીયન દેશો, ગુજરાત જેવા વિકાસ માટે પથદર્શક ભારતીય રાજ્ય સાથે પરસ્પરના આર્થિક અનેસ વાણિજયક સંબંધો વિકસાવવા ખૂબ આતુર છે એમ જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીને મળેલા લેટીન અમેરિકા અને કેરેબિયન દેશોના આ રાજદૂત મહાનુભાવોમાં સર્વશ્રી જેવિયર પૌલિનીચ, (Javier Paullinich) (પેરૂ-એમ્બેસેડર), શ્રી કારલોસ ડયુઆર્ટે ( Mr. Carlos Duarte) એમ્બેસેડર બ્રાઝીલ, શ્રી જૈમ ન્યુઆલાર્ટ (Mr. Jaime Nualart)-એમ્બેસેડર-મેકસીકો, શ્રી જૂઆન એફ કોરડેરો (Mr. Juan F Corodero A) -એમ્બેસેડર કોસ્ટારિકા, શ્રી રૂબેન ઇગ્નારીઓ ઝમોરા રિયાસ (Mr. Ruben Ignacio, Zamora Rivas) એમ્બેસેડર-અલ સાલ્વાડોર, શ્રીયુત ફ્રેન્ક હાન્સ ડેનીનબર્ગ કાસ્ટેલનોસ-એમ્બેસેડર ડોમીનીક રિપબ્લીક શ્રી નેસ્ટોર રિવરોસ(Minister) કાઉન્સેલર કોમર્સ (ચીલી) (Mr. Nestor Riveros) નું આ એમ્બેસેડર પ્રતિનિધિમંડળ ગુજરાતના પ્રવાસે આવ્યું હતું અને ગુજરાતના વેપાર વાણિજ્યની વિશ્વખ્યાત કુશળતા તથા ગુજરાત સરકારે શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં જે આર્થિક સમૃધ્ધિ હાંસલ કરી છે તેની પ્રસંશા કરી હતી.મુખ્યમંત્રીશ્રીએ લેટીન અમેરિકા અને કેરેબિયન દેશો ગુજરાત સાથે પરસ્પર આર્થિક અને વાણીજયક સંબંધો વિકસાવવા તત્પર છે તેને આવકારતાં જણાવ્યું કે આ દેશોએ ગુજરાતમાં સંયુકત પણે ટ્રેડ સેન્ટર શરૂ કરવું જોઇએ જે બંને પક્ષો વચ્ચે સહભાગીતાના સંબંધો વિકસાવવામાં ઉપકારક બનશે.
મુખ્યમંત્રીશ્રીએ આ લેટીન અમેરિકન દેશોના ડેલીગેશનોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-ર૦૧૩(જાન્યુઆરી)માં ભાગ લેવા અને નવરાત્રી મહોત્સવ નિહાળવા પણ આમંત્રણ આપ્યું હતું.
લેટીન અમેરિકા અને કેરેબિયન દેશોની ગુજરાત સાથે આર્થિક અને ઔદ્યોગિક સંબંધો વિકસાવવાની અનેકવિધ ક્ષેત્રોની ઉજજવળ સંભાવનાઓ, ગુજરાતના પર્યાવરણ મૈત્રીપૂર્ણ વિકાસ અને ૧૬૦૦ કી.મી.ના દરિયાકાંઠાનો બંદરિય વિકાસ સાથે વિશ્વવેપાર તથા નિકાસ વેપારના વિશાળ અવકાશ, ગુજરાત સરકારની પ્રગતિશીલ નીતિઓની વિગતે ભૂમિકા આપી હતી.
લેટીન અમેરિકા અને કેરેબિયન દેશોએ ગુજરાતમાં ઔદ્યોગિક અને મેન્યુફેકચરીંગ ક્ષેત્રોના વિકાસમાં સહભાગીતા સાથે ગુજરાતના દરિયાકાંઠા ઉપર વુડન-, ટીમ્બર અને માર્બલના આર્ટીજન માટે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થાપવા માટેના મુખ્યમંત્રીશ્રીના પ્રેરણાત્મક સૂચનમાં પણ ઊંડો રસ દાખવ્યો હતો.
ગુજરાત મેન્યુફેકચરીંગ ક્ષેત્રે અગ્રેસર છે અને લો કોસ્ટ, હાઇકવોલિટી મેન્યુફેકચરીંગ અને વેલ્યુ એડિશન માટે પણ ખૂબ જ આતુર છે તેવાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના સૂચન સાથે સહમત થતાં આ લેટીન અમેરિકન દેશોના એમ્બેસેડરશ્રીઓએ ગુજરાતમાંથી ઉચ્ચકક્ષાનું વ્યાપાર-ઉદ્યોગનું ડેલીગેશન તેમના દેશોની મૂલાકાત લે તેવી ઇચ્છા પ્રદર્શિત કરી હતી.
આ ફળદાયી બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કે. કૈલાસનાથન, ઉદ્યોગ અગ્ર સચિવશ્રી મહેશ્વર શાહુ અને ઇન્ડેક્ષ-બી ના મેનેજિંગ ડિરેકટરશ્રી મૂકેશકુમાર પણ ઉપસ્થિત હતા.