કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર અને દેશની જનતા વચ્ચે જોડાણ નથી તેની પ્રતિતી કરાવે છે - બજેટ
બારમી પંચવર્ષીય યોજના અને બજેટ વચ્ચે કોઇ સમન્વય નથી
ભારતના અર્થતંત્રના વિકાસ માટેની ગ્રોથ સ્ટ્રેટેજી અને વિઝનનો અભાવ દર્શાવતું બજેટ
પ્રવર્તમાન પડકારો અને સમસ્યાઓના સમાધાન માટે વિશ્વસનિય પગલાં દ્રષ્ટિગોચર થતાં નથી
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કેન્દ્ર સરકારના સને ર૦૧૩-૧૪ના બજેટ અંગે આકરા પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસ શાસિત યુપીએ સરકાર અને ભારતની જનતા વચ્ચે કોઇ જોડાણ નથી રહયું તેનો આ દસ્તાવેજ છે.
બજેટ અને બારમી પંચવર્ષીય યોજના વચ્ચે કોઇ પ્રકારનો સમન્વય જ નથી એવું આ કેન્દ્રીય બજેટ, ભારતના સર્વાંગી અર્થતંત્ર અને વિકાસ માટેની ગ્રોથ સ્ટ્રેટેજી અને વિઝનનો અભાવ દર્શાવે છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે કોંગ્રેસ શાસિત યુપીએ સરકારના કાર્યકાળના અંતિમ વર્ષના આ બજેટમાં દેશના વિકાસ માટેના જનતાના સપનાનો કોઇ આવિર્ભાવ નથી અને જાણે યુપીએ સરકાર એક વર્ષનો સમય પસાર કરવા સિવાય જનતા સાથે કોઇ સંવેદના ધરાવતી નથી એની પ્રતીતિ થાય છે.
ભારતના અર્થતંત્ર સામેના પડકારો ઝીલીને અને પ્રવર્તમાન સમસ્યાઓના સમાધાન માટે વિશ્વસનિય પગલાં અને રાજકીય ઇચ્છાશકિતથી લાંબાગાળાના વિકાસ માટેની આખરી તક પણ યુપીએ સરકારે કૌભાંડો, પ્રશાસનની અક્ષમતા અને લકવાગ્રસ્ત નીતિઓમાં ઘેરાઇને ગૂમાવી દીધી છે. વૈશ્વિક મંદીના રોદણાં રોવાથી ભારતની અર્થવ્યવસ્થા સુધરવાની નથી. મોંઘવારીમાં પીસાઇ રહેલી દેશની જનતા સામે જે સમસ્યાઓ વિકરાળ બનીને ઉભી છે તેના નિરાકરણ માટે નિર્ણાયક અને હિંમતભર્યા પગલા ભરવાને બદલે કેન્દ્ર સરકારનાં આ બજેટે દેશની જનતાને નિરાશા અને હતાશામાં ધકેલી દીધી છે. ભારતના અર્થતંત્રના GDP વિકાસ વૃધ્ધિ માટે આવશ્યક નાણાંકીય શિસ્તનું વ્યવસ્થાપન, બિનવિકાસલક્ષી ખર્ચા ઉપર નિયંત્રણ અને કરકસરની કાર્યયોજના, રાજકોષીય ખાદ્ય ઘટાડવાની નાણાંકીય વ્યૂહરચનાની કોઇ પ્રતીતિ આ બજેટ કરાવી શકતું નથી.
આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ હોવા છતાં, દેશના કરોડો યુવાનોને વિકાસમાં પ્રેરિત કરવાની વાત તો બાજુએ રહીં, તેના કૌશલ્ય વિકાસ અને રોજગાર-નિર્માણના અવસરો માટે મશ્કરીરૂપ જોગવાઇઓ કરીને યુવાશકિતની ઘોર ઉપેક્ષા થઇ છે. સામાજિક સેવાઓ અને માળખાકીય સુવિધાઓ માટેના પૂંજીનિવેશ મેળવવા માટેની કોઇ ગંભીરતા બજેટમાં દેખાતી નથી એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વર્તમાન કેન્દ્ર સરકારનું અર્થવ્યવસ્થાપન દેવાળીયું છે અને દેશના રાજ્યોના કુલ દેવા કરતાં પણ કેન્દ્રનો દેવાનો બોજો વધારે છે, પરંતુ કેન્દ્રીય સરકાર રાજ્યોને વિકાસ માટે પ્રોત્સાહનો આપવાને બદલે, વહાલા-દવલાની વોટબેન્કની રાજરમત કરીને ઇરાદાપૂર્વક નિરૂત્સાહ દાખવતી રહી છે. રાજ્યોનાં કેન્દ્રના અર્થતંત્ર માટેના યોગદાનને પ્રેરિત કરવા માટે કોઇ નીતિદર્શન દેખાતું નથી. કૃષિવિકાસ, ગ્રામવિકાસ, ગરીબ અને વંચિતોના વિકાસની જીવન સુધારણા માટે કોઇ નક્કર પ્રતિબધ્ધતા પણ બજેટમાં દ્રષ્ટિગોચર થતી નથી. એકંદરે યુપીએ/ર સરકારની પાંચ વર્ષની પ્રશાસનિક અકર્મણ્યતા (નોન પરફોર્મન્સ ઓફ ગવર્નન્સ)નો આ જીવંત દસ્તાવેજ છે અને 'આમઆદમી'ને ઘોર નિરાશા સિવાય કશું આપ્્યું નથી એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.