જૈન આચાર્ય શ્રી વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજના 93માં જન્મોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુરૂ ગુણોત્સવમાં આશીર્વાદ પ્રાપ્ત કર્યા
આચાર્ય મહારાજે આધ્યાત્મિક અંતરતેજનો સાક્ષાત્કાર કરાવ્યો
રાષ્ટ્ર માટે જીવવાની પ્રેરણા આપી જૈન ધર્મના સાદગી મહારાજોના ત્યાગ - તપસ્યા અજોડ છે
જૈન શ્રેષ્ઠીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીનું ભાવભયુઁ અભિવાદન
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ તપાગચ્છાધિપતી જૈન આચાર્ય શ્રી વિજયપ્રેમસૂરિશ્વરજી મહારાજના 93માં જન્મોત્સવની અમદાવાદમાં થઇ રહેલી ઊજવણી નિમિત્તે આજે ગુરૂ ગુણોત્સવ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી આચાર્ય ભગવંતના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.હઠિસિંહની વાડીમાં જૈન તિર્થંકર ભગવાન મહાવીરના દર્શન ભક્તિભાવપૂર્વક કરીને શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શ્રી પ્રેમસુરિશ્વરજી મહારાજને 93માં જન્મદિવસની શુભકામના અર્પણ કરી હતી.
આચાર્ય ભગવંત સાથેના ચાર દાયકાના સ્નેહ સંસ્મરણોનો નિર્દેશ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, સદૈવ પ્રસન્ન ચિતનો સાક્ષાત્કાર કરાવતી શ્રી પ્રેમસૂરિશ્વરજી મહારાજે અંતર મનમાં આધ્યાત્મિક તેજ પ્રગટાવેલું છે જે મૃદુ સ્મીત સ્વરૂપે વહે છે. જીવનભર ધર્મના આચાર-વિચાર માટેના પ્રેરણાસ્ત્રોત બની રહેલા આચાર્ય મહારાજે પ્રત્યેક પળે જૈનની સાથે જન-જનની પણ ચિન્તા કરી છે. હિન્દુસ્તાનના કોઇ પણ ખૂણામાં કોઇ ઘટના બને તો તેની ચિન્તા અને વ્યથા તેમને થતી રહી છે. જીવદયા તો આપણી રગોમાં વહે છે પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે જીવવાની સંવેદના એમણે ઉજાગર કરી છે.
આજે ધૂળેટીનો રંગોત્સવ અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઊજવાઇ રહ્યા છે તેના આનંદમાં સહભાગી થતા મુખ્યમંત્રીશ્રીએ એ સુભગ હકિકતનો આનંદ પણ વ્યક્ત કર્યો હતો કે, સમગ્ર વિશ્વના ધર્મ-સંપ્રદાયોમાં જૈન ધર્મમાં સાદગી મહારાજોનું ધર્મ પ્રત્યેનું શિલા-દીક્ષા અને ત્યાગી જીવન સૌથી વધુ સંખ્યામાં છે. મહિલા શક્તિનો ત્યાગ-તપસ્યાનો આ સાક્ષાત્કાર વંદનીયી છે એમ તેમણે જણાવ્યું હતું.
જૈન આચાર્યશ્રીએ આપેલા આશીર્વાદથી કૃતાર્થતા અનુભવતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આચાર્યશ્રીના વર્ષોવર્ષ જન્મોત્સવો સુદીર્ઘ સમય સુધી ઉજવાય અને સદ્કાર્ય માટે તેમની સદા પ્રેરણા મળતી રહે એવી અભ્યર્થના વ્યક્ત કરી હતી.
આ ગુરૂ ગુણોત્સવ પ્રસંગે ઉપસ્થિત વિશાળ જૈનસમાજ વતી વરિષ્ઠ જૈન શ્રેષ્ઠીઓ સર્વ શ્રી શ્રેણીકભાઇ કસ્તુરભાઇ અને સાહિત્યકાર કુમાળપાળ દેસાઇ સહિતના અગ્રણીઓએ મુખ્યમંત્રીશ્રીનું ગૌહત્યા પ્રતિબંધના કાયદાના રક્ષક તરીકે ભાવભર્યું અભિવાદન કર્યું હતું. જૈન સમાજના અગ્રણી શ્રી સુનિલ સિંઘી સહિત શ્રી કેસી મહારાજે પણ મુખ્યમંત્રીશ્રીનું અભિવાદન કર્યું હતું.