ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના ૧૪ FGI ઍવોર્ડ ફોર એકસેલન્સ એનાયત કરતા મુખ્યમંત્રીશ્રી
FGI ના ઈન્વેસ્ટમેન્ટ હેલ્પ ડેસ્કનું ઉદ્ઘાટન
ન્યુ ટેક્ષટાઈલ પોલીસીથી ગુજરાતમાં ટેક્ષટાઈલ સેકટરમાં સૌથી વધુ મૂડીરોકાણ
ભારતના સ્વાભિમાન માટે સ્વદેશી શસ્ત્રોના ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી ડિફેન્સ ઈકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ સેકટર માટે પોલીસી લાવશે
ભારત સરકાર MSME માટેના પેરામિટર્સ બદલે
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના ઉપક્રમે ૧૪ ઔદ્યોગિક કંપની સંચાલકોને FGI ઍવોર્ડ ફોર એકસેલન્સ એનાયત કરતા આજે જણાવ્યું હતું કે આગામી વર્ષેમાં સૌથી વધુ રોકાણ ગુજરાતમાં કાપડ ઉદ્યોગક્ષેત્રે આવવાનું છે અને તે માટે વાઈબ્રન્ટ ટેક્ષટાઈલ પોલીસી જાહેર કરી છે ગુજરાતમાં ઈઝરાયલના સહયોગથી દર ત્રણ વર્ષે ગ્લોબલ એગ્રીફેર ગાંધીનગરમાં યોજાશે તેની રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આગામી ૧૧,૧૨,૧૩ જાન્યુઆરી૨૦૧૩ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટમેટ સમીટ થવાની છે તેમાં પણ ફાઈવ એફ ફોર્મ્યુલા આધારિત ટેક્ષટાઈલ સેકટર અગ્રીમ રહેશે. એકસેલેન્સ ઍવોર્ડ વિજેતાઓને અભિનંદન આપતાં શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે ઔદ્યોગિક આર્થિક, સામાજિક જીવનમાં નવા સંશોધનો અને સફળ પ્રયોગોને ગણમાન્યતા મળે તે જરૂરી છે.ગુજરાતે અનેક ક્ષેત્રોમાં નવી પહેલ કરી છે તેનો નિર્દેશ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય, એશિયન, આંતરરાષ્ટ્રીય પરિષદો સંમેલનો માટે પણ હવે ગુજરાતની ભૂમિ પસંદગીનું સ્થળ બની રહી છે. વિશ્વમાંથી નવા વિચારો ટેકનોલોજી, સંશોધનોના આદાન પ્રદાનનું મંથન ગુજરાતમાં થાય તે રીતની ગુજરાતની નવી શકિતની શાખ બની છે.
ભારતમાં અબજો રૂપિયાના શસ્ત્રો વિદેશથી આયાત કરવા પડે તે ભારતના સ્વાભિમાનને શોભારૂપ નથી તેથી કેન્દ્ર સરકાર પહેલ કરે કે ના કરે, ગુજરાત ડિફેન્સ ઈકવીપમેન્ટ મેન્યુફેકચરીંગ સેકટર માટેની પ્રોત્સાહક પોલીસી લાવશે, એમ તેમણે જણાવ્યું હતું.ભારત સરકાર MSME ના પેરામિટર્સ બદલે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
પ્રારંભમાં ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ શ્રીમતી ગીતા ગોરડિયાએ સ્વાગત પ્રવચનમાં ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝની પ્રવૃત્તિઓનો ચિતાર રજુ કર્યો હતો. અંતમાં ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ અમિત પટેલે ઈન્વેસ્ટમેન્ટ હેલ્પ ડેસ્કની વિગતો આપી હતી. જયારે મનોહર ચાવલાએ આભાર દર્શન કર્યું હતું. આ સમારોહમાં વડોદરાના સાંસદ બાળકૃષ્ણ શુકલ, મહાનગર પાલિકાના મેયર ડૉ. જયોતિબેન પંડયા જિલ્લા કલેકટર શ્રી વિનોદ રાવ સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉદ્યોગ જગતના સંચાલકો ઉપસ્થિત રહયા હતા.