મુખ્યમંત્રીશ્રીએ કલા અને સંસ્કૃતિના ઉપાસક દિવંગત પૂર્વ રાજવીને આપી ભાવાંજલિ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લીધી હતી તથા કલા અને સંસ્કૃતિના પ્રખર આરાધક એવા દિવંગત પૂર્વ રાજવી શ્રીમંત રણજિતસિંહજી ગાયકવાડના અંતિમ દર્શન કરવાની સાથે તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ ભાવસભર શબ્દાંજલિ આપતાં જણાવ્યું હતું કે, શ્રીમંત રણજિતસિંહજી ગાયકવાડ મૃદુભાષી અને સાદગીસભર જીવનના આગ્રહી હતા. તેમણે સદ્ગત પૂર્વ રાજવીના પુત્ર યુવરાજ સમરજિતસિંહ ગાયકવાડ તેમજ પરિવારજનોને સાંત્વના આપી હતી.
ઉલ્લ્ેખનીય છે કે કલાના અધ્યાપક અને પૂર્વ સાંસદ શ્રીમંત રણજિતસિંહજી ગાયકવાડનું ગુરુવારની વહેલી સવારે કિડનીની બીમારીથી દુઃખદ અવસાન થયું હતું. મુખ્યમંત્રીશ્રીએ તેમની સ્મશાન યાત્રાના પ્રારંભ પૂર્વે રાજમહેલની મુલાકાત લીધી હતી અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સદ્ગતને અંતિમ સન્માનના રૂપમાં મુખ્યમંત્રીશ્રીએ નશ્વર દેહ પર પુષ્પચક્ર અર્પણ કર્યું હતું.
તેઓએ ગાયકવાડ વંશની કલા અને સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરાને સુપેરે આગળ ધપાવી એવી લાગણી વ્યક્ત કરતાં મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કલા અને સંસ્કૃતિ પ્રત્યે તેઓ એટલો અખૂટ લગાવ ધરાવતા હતા કે જીવનના અંત સુધી તેઓ કલાના આરાધક રહયાં. પરમ કૃપાળુ પરમાત્મા ગાયકવાડ રાજ પરિવારને આ કારમો આધાત સહન કરવાની શક્તિ આપે એમ તેમણે ઉમેર્યું હતું.
સદ્ગત રાજવીને અંતિમ વિદાય આપવા વહેલી સવારથી લક્ષ્મી વિલાસ પેલેસના પ્રાંગણમાં જનમેદની ઉમટી હતી. પ્રવાસન રાજ્ય મંત્રીશ્રી જીતુભાઇ સુખડિયા, સંસદીય સચિવશ્રી યોગેશભાઇ પટેલ, મેયર ર્ડા. જ્યોતિબેન પંડયા, સાંસદશ્રી ભારતસિંહ પરમાર, બાળકૃષ્ણ શુકલ, રામસિંહભાઇ રાઠવા, શ્રી ભૂપેન્દ્રભાઇ લાખાવાલા, ઉપેન્દ્રસિંહજી ગોહિલ સહિત ધારાસભ્યો, વુડા અધ્યક્ષશ્રી નારણભાઇ પટેલ,શ્રી ભરતભાઇ ડાંગર, મહાનગર સેવા સદનના પદાધિકારીઓ અને નગર સેવકો, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, મ્યુનિસિપલ કમિશનરશ્રી અશ્વિનીકુમાર, પોલીસ કમિશનરશ્રી સતીષ શર્મા, જિલ્લા કલેકટરશ્રી વિનોદ રાવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેમજ ઉચ્ચાધિકારીઓ, પૂર્વ રાજવી પરિવારોના સદસ્યો, સમાજના તમામ ક્ષેત્રોના આગેવાનો અને રાજ પરિવારના શુભેચ્છક નાગરિકો શોકના આ પ્રસંગે રાજ પરિવારની પડખે રહયા હતા.