અમેરિકાના અટલાન્ટામાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ આયોજિત ""ગુજરાત ઉત્સવ''નું વિડિયો કોન્ફરન્સ માધ્યમથી ઉદ્ધાટન કરતા મુખ્યમંત્રીશ્રી
પ્રત્યેક ગુજરાતી દુનિયામાં ગૌરવભેર આંખમાં આંખ મિલાવી શકે એવા ગુજરાતના વિકાસનો સંકલ્પ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમેરિકાના એટલાન્ટામાં સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ આયોજિત ત્રણ દિવસના ""ગુજરાત મહોત્સવ''નું ઉદ્ધાટન વિડિયો કોન્ફરન્સના સંદેશ-માધ્યમથી કરતા પ્રત્યેક ગુજરાતી દુનિયામાં માથું ઊંચું કરી શકે એવા ગૌરવવંતા ગુજરાતના વિકાસ માટેનો સંકલ્પ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીનો અમેરિકા સ્થિત ગુજરાતીઓ માટેનો અક્ષરશઃ સંદેશ આ પ્રમાણે છેઆપની ગુજરાત માટેની લાગણી તરબતર છે અને આજે તો ગુજરાતનું નામ આવતાં જ તમે દુનિયામાં જયાં જયાં જતા હશો જેને પણ મળતા હશો તમારા પ્રત્યે ઉમળકાભેર એ હાથ લંબાવતો હશે. એની આંખમાં તમને કયારેય કમી નહીં દેખાતી હોય, સદાયે અમી દેખાવા માંડી હશે અને ગુજરાતી કહેતાં જ આપની છાતી ગજગજ ફુલતી હશે એવો મને વિશ્વાસ છે.
આપ માથું ઉંચુ કરીને મળી શકો, આપ છાતી કાઢીને ફરી શકો, આપ આંખમાં આંખ મિલાવીને વાત કરી શકો એવું કામ કરવાનો ગુજરાતે સંકલ્પ કર્યો છે અને આ દશ જ વર્ષમાં ગુજરાત કયાંથી કયાં પહોંચી ગયું છે ? એક સમય હતો કચ્છ અને કાઠિયાવાડ માટે આપણે કહેતા કે આ ખારોપાટ દરિયો, જમીનમાં કાંઇ પાકે નહીં. કચ્છ-કાઠિયાવાડની ધરતી છોડો, મુંબઇ જાઓ, સુરત જાઓ, હીરા ધસો ઝૂંપડીમાં જીવો પણ અહીંયાં નહીં રહેવું. ગામોગામ ખાલી થઇ જતાં, જવાનીયાઓને હિજરત કરવી પડતી હતી. ધરડાં મા-બાપને ધરે મુકીને કયાંક રોજી-રોટી કમાવવા જવું પડતું હતું. આજે સ્થિતિ બદલાઇ ગઇ છે. એ જ દરીયાકિનારો જેને હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવી દીધો છે. ૧૬૦૦ કિ.મી.નો દરીયાકિનારો જો આજથી પ૦ વર્ષ પહેલાં વિકાસ પામ્યો હોત તો આજે કેવી જાહોજલાલી હોત ? પણ અમે આ ૧૦ જ વર્ષમાં જે કર્યું છે એના કારણે, ફરી એકવાર કચ્છ અને કાઠિયાવાડમાં આખે આખું નવું ગુજરાત ઉભરી રહ્યું છે. હિન્દુસ્તાનભરના સમૃદ્ધિના પ્રવેશદ્વાર તરીકે આપણા બંદરો ધમધમી રહ્યાં છે. આપણા દરીયાકાંઠા ઉપર અનેક નવા ઉઘોગો આવી રહ્યા છે. જયાં ધાસનું એક તણખલું ઉગતું નહોતું એ જમીન પર આજે ઉઘોગો ધમધમી રહ્યા છે. ઊર્જા ક્ષેત્રે એમાંય પવનઊર્જા, (વીન્ડ એનર્જી), (સોલાર એનર્જી-સૂર્ય ઊર્જામાં ગુજરાતે પહેલ કરી છે. પヘમિના દેશો પણ મોંમાં આંગળી નાખી જાય એવું કામ આપણે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે કામ કર્યું છે.
ર૪ કલાક જયોતિગ્રામ યોજનાને કારણે હવે હીરા ધસવા માટે સુરતની ઝૂંપડીમાં રહેવા નથી જવું પડતું. ધંટી જ ગામમાં આવી ગઇ છે. ગામમાં હીરાની ધંટીઓ ધેરધેર પહોંચવા માંડી છે અને ગામમાં જ રોજી-રોટી મળે, દીકરો પણ કમાય, દીકરી પણ કમાય, મા-બાપ પણ સચવાય. ઢોર-ઢાંખર પણ સચવાય. નાની મોટી ખેતીવાડી પણ સચવાય. બધાં સચવાય એવું કામ કર્યું છે.
નર્મદાનું પાણી ગામેગામ પહોચેલું છે. સિંચાઇ, પશુપાલન એને આપણે પ્રાધાન્ય આપ્યું છે. ભૂતકાળની સરકારોએ કચ્છ-કાઠિયાવાડમાં ડેરીઓ બંધ કરવાના હુકમો કર્યા હતા. આ સરકારે સેંકડો-કરોડો રૂપિયાના બજેટો ફાળવીને કચ્છ-કાઠિયાવાડના બધા જ જિલ્લાઓની ડેરીઓને પુનઃજીવીત કરી છે. કેટલીક નવી ચાલુ કરી છે અને એના કારણે કચ્છ-કાઠિયાવાડનો મારો પશુપાલક ભાઇ હશે કે મારો ખેડૂત ભાઇ હશે, જેના ધરમાં ઢોર-ઢાંખર હશે. એની આજે પૂરક આવક ઉભી થવા માંડી છે અને એનો લાભ કેટલો મળ્યો છે ? આ એક જ દશકામાં ૬૮ ટકા વધારો દૂધના ઉત્પાદનમાં થયો છે. તમે તો અમેરિકામાં બેઠા છો. એકે-એક ડોલરનો હિસાબ તમને બરાબર ખબર પડે છે. આપ વિચાર કરો, ૬૮ ટકા વૃદ્ધિ એટલે કેટલી બધી કહેવાય ?
કૃષિ ઉત્પાદન આપણો આખો દેશ જેની પાસે ગંગા, યમુના, કૃષ્ણા, ગોદાવરી કેટલી બધી નદીઓ છે. ૩ ટકાથી વધારે કૃષિ વિકાસ દર થતો નથી. ગુજરાત જેની પાસે નર્મદા કે તાપી સિવાય કોઇ નદીઓ નથી. ૧૦ વર્ષમાંથી ૭ વર્ષ દુષ્કાળ પડે છે તેમ છતાંય આપણે કૃષિ વિકાસ દર ૧૧ ટકાએ પહોંચાડીને ક્રાંતિ કરી દીધી છે. શ્વેત ક્રાંતિમાં આપણે એક નવું પ્રકરણ ઉમેર્યું છે. કપાસ એ ત્રીજા પ્રકારની આપણી શ્વેતક્રાંતિ છે. મીઠું પહેલી શ્વેત ક્રાંતિ છે. દૂધ બીજી શ્વેતક્રાંતિ છે અને કપાસ એ ત્રીજી શ્વેતક્રાંતિ છે અને આજે આખા દુનિયાના બજારમાં ગુજરાતનો કપાસ વેચાય છે. પણ આપણે કપાસ સુધી અટકવું નથી. આપણે નક્કી કર્યું છે કે અહીંયા જ મૂલ્યવૃદ્ધિ થાય અને અહીંયાં જ વેલ્યુ એડિશન થાય. કપાસમાંથી સુતર અહીયાં જ બને. સુતરમાંથી કાપડ અહીંયા જ બને. કાપડમાંથી રેડીમેડ ગારમેન્ટ અહીંયાં તૈયાર થાય અને દુનિયાના બજારોમાં આપણા રેડીમેડ ગારમેન્ટ વેચાય એવી પોલીસી લઇને આ રાજ્ય સરકાર આવી છે. દરેક ગામડાના માનવીને એના ઉત્પાદનમાં મૂલ્યવૃદ્ધિ મળી રહે, ખેડૂતને વધારે કમાણી થાય, એના માટે પ્રયાસ આદર્યો છે.
આજના યુગમાં શિક્ષણનું મહાત્મ્ય વધતું જાય છે. કોઇપણ સમાજને પ્રગતિ કરવી હશે તો શિક્ષણ વિના નહીં કરી શકે. ર૦૦૧માં ગુજરાતની જવાબદારી આપે મને સોંપી ત્યારે આ રાજ્યમાં માત્ર ૧૧ યુનિવર્સિટી હતી. ૬૦ વર્ષમાં ૧૧ યુનિવર્સિટી બની હતી. આજે દશ જ વર્ષમાં ગુજરાતે લગભગ ૪ર યુનિવર્સિટી બનાવી દીધી છે. શિક્ષણનું સ્તર સુધરે, આપણાં બાળકોને ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ પ્રાપ્ત થાય, દરેક મા-બાપના બાળકોમાં જે સપના જોયા હોય એ સપના સાકાર કરવાનું વાતાવરણ પેદા કરવું એના માટેની અમે નેમ લીધી છે.
આજે ગુજરાત ઓટો મોબાઇલ હબ બન્યું છે. કદાચ તમને પણ ખબર નહીં હોય. આજે દુનિયામાં એવું એકેય ચાર પૈડાનું વાહન પેદા નથી થતું કે જેમાં એકાદ-એકાદ સામાનનો નાનકડો પૂરજો પણ એ ગુજરાતમાં ના બન્યો હોય. કચ્છ-કાઠિયાવાડમાં ના બન્યો હોય. દુનિયાના પ્રત્યેક ઓટો મોબાઇલની અંદર એકાદ-એકાદ તો ટેકનીકલ પૂરજો આપણે ત્યાંથી બનેલો હોય છે. વિચાર કરો, આપણી એન્જીનીયરીંગ ક્ષમતા કેટલી વધતી જાય છે અને આજે ઓટોમોબાઇલ હબ બની રહ્યું છે. એશિયામાં લીડ કરે એવું ઓટોમોબાઇલ હબ આપણે બનાવ્યું છે. કેટલા બધા લોકોને રોજગાર મળશે અને ગુજરાતની કેવી નવી ઓળખ ઉભી થશે ? માત્ર નેનો નહીં હવે તો બધી જ ગાડીઓની લંગાર લાગી છે. કેટલા મોટા પાયા પર આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એનો અંદાજ આવશે.
ગુજરાતીઓનું ટુરીઝમમાં બહું મોટું નામ છે. ગુજરાતીઓ જયાં જાય ત્યાં બધે ય ફરવા જાય. પણ ગુજરાત જોવા કોઇ નહોતું આવતું. પ્રવાસન ટુરીઝમનો જે વિકાસ હાથ ધર્યો છે એનો સૌથી મોટો લાભ કચ્છ-કાઠિયાવાડને મળવાનો છે. ગીરના સિંહતો કાઠિયાવાડના છે. સોમનાથ તો કાઠિયાવાડમાં છે. દ્વારકા તો કાઠિયાવાડમાં છે. કચ્છનું રણ તો કચ્છની અંદર છે. કચ્છ-કાઠિયાવાડના અંદર ટુરીસ્ટો આવવાની મોટી સંભાવના છે અને અમેરિકામાં તો મોટા ભાગના લોકો, મોટેલના વ્યવસાયમાં છો એટલે એમની તો ખબર છે કે હોસ્પિટીલીટી સેકટર કેટલી મોટી હસ્તી છે. આજે ૩ ટ્રીલીયન ડોલરનો વેપાર ટુરીઝમ ક્ષેત્રે રાહ જોઇને બેઠો છે. ગુજરાતે ટુરીઝમ ઉપર જે કામ કર્યું છે એનો આખે આખો લાભ, કચ્છ અને કાઠિયવાડની ધરતીને મળવાનો છે. ટુરીસ્ટોની મોટી વણઝારો સમુદ્રના દરીયાકિનારે બીચ ટુરીઝમ થશે તો પણ આવશે. વાઇલ્ડ લાઇફનું ટુરીઝમ હશે ત્યાં પણ આપશે. બર્ડ-વોચર જે હશે એ પણ ત્યાં આવશે. ધુડખર જોવા હશે તો પણ ત્યાં આવશે. રણ જોવું હશે તો પણ ત્યાં આવશે અથવા સોમનાથ અને દ્વારકાની યાત્રા કરવી હશે તો પણ ત્યાં આવશે. આટલું બધું કચ્છ-કાઠિયાવાડમાં થશે અને આ બધું હું આવ્યો પછી આવ્યું છે એવું નથી. આ બધુંય હતું પણ બીજાને દેખાતું નહોતું અને ન તો કોઇને દેખાડવાનું એમનામાં કૌશલ્ય નહોતું. અમને આ દેખાય પણ છે અને દુનિયા આખીને દેખાડવાનો અમારો ઉમંગ પણ છે અને એના કારણે ગરીબમાં ગરીબ માણસને રોજી-રોટી મળવાની છે.
હું તો અમેરિકામાં વસતા મારા ભાઇઓને કહેતો હોઉ છું કે, હિન્દુસ્તાનની સેવા કરવી હોય તો બીજું કાંઇ ન કરો તો કાંઇ નહીં દર વર્ષે કમ સે કમ ૧પ લોકોને તમે ગુજરાત જોવા માટે મોકલી શકો અને તે પણ બિનભારતીય-બિન ગુજરાતીઓને ત્યાંના નાગરિકોને, અમેરીકનોને કે અમારું ગુજરાત જોવા જાવ. આપ વિચાર તો કરો, તમારા એકલાના પ્રયાસથી જો ૧પ-૧પ જણ આવે તો વર્ષે કેટલા લોકો આવે, કેટલું બધું ટુરીઝમ વધી જાય ? આપણે અહીંયા ડોલરોના ઢગલા ના કરીએ તો પણ આપણા દેશની સેવા થઇ શકે.
આવો આપણે બધાંય સાથે મળીને આ ગુજરાતને નવી ઊંચાઇઓ પર પહોંચાડીએ. સ્વામી વિવેકાનંદજીની ૧પ૦મી જન્મજયંતી ઉજવી રહ્યા છીએ, ત્યારે યુવાશક્તિ વર્ષ મનાવી રહ્યા છીએ ત્યારે એક નવા સંકલ્પ સાથે-એક જ મંત્ર-વિકાસ અને બધી જ સમસ્યાનું સમાધાન એટલે વિકાસ. બધી મુસીબતોમાંથી બહાર આવવાનો એક જ માત્ર ઉપાય વિકાસ. આપ પણ વિકાસના મંત્રને વધાવો. આપ પણ વિકાસના મંત્રમાં ભાગીદાર બનો. દૂર બેઠા બેઠા પણ ગુજરાતની વિકાસયાત્રામાં આપ જોડાવો. હું આપને નિમંત્રણ આપું છું અને આપણે બધાંય સહિયારો પ્રયાસ કરીને આ ગુજરાતને નવી ઊંચાઇઓ પર લઇ જઇએ. આપ સૌ ત્યાં બેઠા બેઠા ગુજરાતના ગૌરવને વધારી રહ્યા છે. એ માટે અભિનંદન. ભારતની આન-બાન-શાનમાં ઉમેરો કરો છો એ બદલ અભિનંદન અને આપના સંતાનોમાં ગુજરાતી ભાષા બોલવાનું ચાલુ રહે, આપના બાળકો પણ ગુજરાતી બોલતા જ રહે એનો પ્રયત્ન જરૂર કરજો એટલી જ અપેક્ષા સાથે આપ સૌને આજના સમારંભના અવસરે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપે મને આપની જોડે વાત કરવા માટે નિમંત્રણ આપ્યું એ બદલ આપનો આભારી છું. ટેકનોલોજીના ઉપયોગ દ્વારા પણ આપના સુધી પહોંચવાનો મારો નિરંતર પ્રયાસ રહેતો હોય છે, જરૂર મળતો રહીશ ગુજરાત આપનું જ છે, આપના માટે જ છે. આપને ગમે એવું ગુજરાત બનાવવા માટેની અમારી હરહંમેશ કોશિષ છે. આવો, સૌનો સાથ સૌનો વિકાસ એ જ મંત્રને લઇને આગળ વધીએ..
જય જય ગરવી ગુજરાત...
જય જય ગરવી ગુજરાત...
- નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી, ગુજરાત