ઓલિમ્પીક-ર૦૧રના શૂટીંગના બ્રોન્ઝ મેડલ વિજેતા ગગન નારંગે મુખ્યમંત્રીશ્રીની સૌજ્ન્ય મૂલાકાત લીધી
ભારતની શાન વધારવા માટે ગગન નારંગને મુખ્યમંત્રીશ્રીએ અભિનંદન આપ્યા
ગગન નારંગે ગુજરાતમાં મોડેલ સ્પોર્ટસ સ્કુલનો પ્રોજેકટ પ્રસ્તુત કર્યો
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ લંડન ઓલિમ્પીક-ર૦૧રમાં શૂટીંગની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતીને આવેલા ભારતના શ્રી ગગન નારંગને આજે હાર્દિક અભિનંદન આપ્યા હતા. આજે સ્પોર્ટસ-ડે તથા અગાઉના વર્ષોમાં ઓલિમ્પીકસમાં હોકીની રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને ભારતનું નામ રોશન કરનાર ધ્યાનચંદજીના જન્મ દિવસ અવસરે આ મૂલાકાત વિશેષ સ્મૃતિરૂપ બની રહી હતી.
શ્રી ગગન નારંગે ભારતનું ગૌરવ વધારવા માટે તેમને સૌથી પ્રથમ ટવીટર ઉપર અભિનંદન શ્રી નરેન્દ્રભાઇ મોદીના મળ્યા તે માટે આભારની લાગણી વ્યકત કરી આજે ગાંધીનગરમાં સૌજ્ન્ય મૂલાકાત વખતે મુખ્યમંત્રીશ્રીને સ્મૃતિભેટરૂપે ઓલિમ્પીક લંડન-ર૦૧રના પોતાના હસ્તાક્ષર ટી-શર્ટ અને કેપની સાથેના ભેટ અર્પણ કરી હતી અને ગુજરાતમાં સ્પોર્ટસ સેકટરમાં યોગદાન આપવાની તત્પરતા સાથે તેમની સંસ્થા લક્ષ્ય સ્પોર્ટસ એકેડમી દ્વારા મોડેલ સ્પોર્ટસ સ્કુલ પ્રોજેકટની પ્રસ્તુતિ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ખેલ મહાકુંભની અપૂર્વ સફળતા અને ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટી સ્થાપવા માટેના ઉદેશોની રૂપરેખા આપી હતી. રાજ્ય સરકારે ગુજરાતમાં સ્પોર્ટસ-સ્કુલ ડેવલપ કરવાનો રોડમેપ તૈયાર કરવાનું આયોજન હાથ ધર્યું છે તેમાં શ્રી ગગન નારંગના મોડેલ સ્પોર્ટસ સ્કુલના પ્રેઝન્ટેશન સંદર્ભમાં ઊંડો રસ દાખવ્યો હતો.
ગુજરાતમાં ખેલમહાકુંભ, સ્પોર્ટસ યુનિવર્સિટી, સ્પોર્ટસ-કોમ્પ્લેક્ષ, સ્પોર્ટસ સ્કુલ એકેડમી અંગેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.
આ પ્રસંગે સંસદ સભ્યશ્રી બાલુભાઇ શુકલ અને લક્ષ્ય સ્પોર્ટસ ફાઉન્ડેશનના સંચાલક પ્રમુખ અને મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી એ. કે. શર્મા ઉપસ્થિત હતા.