રૂ. ૧૦,૦૦૦ કરોડના ખર્ચે ત્રણ વર્ષમાં નર્મદાના પુરના વધારાના એક મિલિયન એકરફીટ પાણીથી સૌરાષ્ટ્રના બધા જળસિંચન ડેમો ભરવાનું ભગીરથ નર્મદા અવતરણ અભિયાન જાહેર કરતા મુખ્યમંત્રીશ્રી
સૌરાષ્ટ્રના ૭ જિલ્લાના ૧૧૫ જળસિંચાઇ ડેમ નર્મદા કેનાલ કુલ ૧૧૧૫ કી.મી. લાંબી ચાર લિન્કનું નિર્માણ કરીને ગ્રેવિટીથી ભરાશે
૧૦ લાખ એકરમાં નર્મદાથી ડેમ-સિંચાઇની સુવિધા
પંડિત દીનદયાળ ઉપાધ્યાય જન્મજયંતિએ "હર ખેતકો પાની' નું સપનું સાકાર કરશે ગુજરાત
સૌની યોજનાઃ સૌરાષ્ટ્રની ધરતી ઉપર નર્મદા અવતરણની ચાર રજત રેખા પથરાશે
સૌરાષ્ટ્રની નાની મોટી ૮૭ નદીઓનું નર્મદા સાથે આંતરજોડાણનું સપનું પાર પડશે
"કલ્પસર અને નર્મદા અવતરણ' મુખ્યમંત્રીશ્રીનો વ્યકિતગત સંકલ્પ
બધાજ જળસિંચન ડેમોમાંથી કાંપ ઉપાડવાનું જનઆંદોલન ઉપાડીએ ૧૧૫ ડેમો ઉપર કિસાન સંમેલનો કરવાનું આહવાન
નર્મદા મૈયાની આરાધનાનું પર્વ ૭ મી ઓકટોબર સુધીમાં૧૧૫ ડેમો ઉપર સંપન્ન કરીએ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સમગ્ર સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાના જળસિંચન ડેમો નર્મદા નદીના પૂરના વધારાના એક મિલીયન એકર ફીટ પાણીથી ભરવાના રૂ. ૧૦,૦૦૦કરોડની SAUNI યોજના SAURASHTRA NARMADA AVTARAN IRRIGATION શ્નશ્નસૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન સૌની યોજના અમલમાં મુકવાની આજે રાજકોટમાં મહત્વાકાંક્ષી જાહેરાત કરી હતી.
પંડિત દીનદયાલ ઉપાધ્યાય જન્મજયંતિએ આજે રાજકોટમાં યોજાયેલા વિરાટ કિસાન વિકાસ સંમેલનમાં સૌની યોજના અંગે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય તજજ્ઞો દ્વારા તમામ જળસિંચન ડેમોનો ભૂભૌગોલિક અને જળસંગ્રહ ક્ષમતાનો સર્વેક્ષણ અહેવાલ પૂરો કર્યા પછી આ નર્મદા અવતરણ દ્વારા સૌરાષ્ટ્રને ચાર લિન્ક ઝોનમાં વહેંચીને ગ્રેવીટીથી સૌરાષ્ટ્રની નર્મદા કેનાલમાંથી જળસિંચન દ્વારા ડેમો સુધી પાણી પહોંચાડવામાં આવશે. જૂન ૨૦૧૩ માં તેના ટેન્ડરો ચારેય લિન્કઝોન માટે બહાર પડશે અને તે જ વર્ષમાં તેના નિર્માણનું ભગીરથ અભિયાન શરૂ કરાશે. ત્રણ જ વર્ષમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રની ચાર લીન્ક દ્વારા ૧૧૫ જળસિચન ડેમોમાં નર્મદાનું કૂલ એક મિલીયન એકરફીટ પાણી છલકાશે. જેમાંથી ૧૦ લાખ એકર વિસ્તારમાં નર્મદાથી જળસિંચન થશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજય સરકારે જાન્યુઆરી-૨૦૧૩થી દિવ્ય-ભવ્ય ગુજરાતના નિર્માણની ઇમારતનું સપનું સાકાર કરવાનો સંકલ્પ કરેલો છે અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની જન્મ જયંતિએ કિસાનશકિત માટે સોરાષ્ટ્રમાં નર્મદા અવતરણનું જળસિંચનનું ભગીરથ અભિયાન ઉપાડીને ""હર ખેતકો નર્મદાકા પાની''નું સપનું પાર પાડયું છે.
ચારેય લિન્કઝોનના કૂલ ૧૧૧૫ કી.મી. લંબાઇની લિન્ક કેનાલથી સૌરાષ્ટ્રના સાતેય જિલ્લાના મળીને ૧૧૫ ડેમોમાં નર્મદાનું પાણી ગ્રેવીટીથી પહોંચાડાશે જેમાં રાજકોટ જિલ્લામાં ૩૦ ડેમો, જામનગર જિલ્લામાં ૨૮ ડેમો, જૂનાગઢ જિલ્લામાં ૧૩ ડેમો, અમરેલી જિલ્લામાં ૯ ડેમો, સુરેન્દ્રનગર જિલ્લામાં પાંચ ડેમો અને પોરબંદર જિલ્લામાં ૪ ડેમો નર્મદાથી ભરાશે.
લિન્ક-૩ મચ્છુ-ર થી સાની પૂર્વ સૌરાષ્ટ્ર લિન્ક-ર કાળુભારથી રાયડી-ડેમોની નર્મદા લીન્ક લિન્ક-૩ ધોળીધજા-વેણું મધ્ય સૌરાષ્ટ્ર લિન્ક-૪ ભોગાવોથી હિરણ-ર દક્ષિણ સૌરાષ્ટ્ર
""નર્મદે સર્વદ''નો મંત્રનાદ કરતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આનંદથી ભાવવિભોર લાગણીથી એવી જાહેરાત કરી હતી કે નર્મદા અવતરણ સૌરાષ્ટ્રના અર્થતંત્રને નવી તાજગીનું નજરાણું આપશે. તેમણે જણાવ્યુ કે માત્ર નર્મદાના પાણીનું રૂ. ૧૦,૦૦૦ કરોડનું આ નજરાણું છે. આગામી પાંચ વર્ષમાં નર્મદા અવતરણનું આ ભગીરથ કામ અને કલ્પસરનું કામ તેઓ વ્યકિતગત પ્રતિબધ્ધતાથી કરશે અને આગામી ૧૦૦ વર્ષ સુધી સોરાષ્ટ્રને પાણીની કોઇ તકલીફ રહેશે નહીં. પંડિત દીનદયાળજીને સૌથી મોટી ભેટ જન્મદિવસે આપવાનું સૌભાગ્ય મળ્યું છે તેનો આનંદ વ્યકત કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યુ કે ""હર ખેતકો પાની ઔર હર હાથ કો કામ''નું પંડિત દીનદયાળજીનું સપનું ભારતના અર્થતંત્રને તાકાતવાન બનાવવાની સાચી દિશા હતી. ભારતનો કિસાન એટલો શકિતશાળી છે કે આખા યુરોપનું પેટ ભરી શકે, પરંતુ કિસાનની આ તાકાત કેન્દ્રના શાસકોએ જાઇ નહીં ને છતાં, ગુજરાતે આ દિશામાં પહેલ કરી છે.
નર્મદા અવતરણ એ અંતઃસ્ફુરણાનું અભિયાન છે તેનો નિર્દેશ કરી તેમણે જણાવ્યું કે સ્વર્ણિમ જયંતી વર્ષની પુર્ણાહૂતિએ તેમણે જણાવેલું કે સ્વર્ણિમ યુગના ગુજરાતનો આરંભ થાય છે. અને તેની આછેરી ઝલક આ નર્મદા અવતરણ છે. અગાઉ મહીનું પાણી નર્મદા સાથે જોડવાના સુજલામ સુફલામ પ્રોજેકટનું અભિયાન ઉપાડયૂં ત્યારે તેની સામે શંકા-કુશંકા થયેલી, પરંતુ આ સુજલામ સુફલામનો રૂ. ૬૦૦૦ કરોડનો પ્રોજેકટ પાર પડે તે માટે મહિનાઓનું તલસ્પર્શી આયોજન સફળ થયું છે તેના કારણે જ ડાર્કઝોનમાંથી મુકિત મળી છે. જો ડ્રીપ ઇરિગેશન ઉપાડીશું તો ડાર્કઝોન ફરીથી આવશે જ નહીં. જો સૌરાષ્ટ્રની બધી સૂકી નદીઓ સજીવન થઇ જાય તો કેવી હરીયાળી થઇ જશે તેનો આનંદ વ્યકત કરતા મુખ્યમંત્રીશ્રીએ ૧૧૫ જળસિંચન ડેમો ઉપર દરેક સ્થળે ૭ ઓકટોબર સુધીમાં કિસાન સંમેલનો યોજવા તેવું આહવાન કર્યુ હતું. મા-નર્મદાની આરાધના કરી કાઠિયાવાડનો એક એક કિસાન તેને ઉજવે જેથી આ નર્મદા અવતરણના ભગીરથ કામમાં કોઇ રૂકાવટ આવે નહીં તે અપેક્ષા તેમણે વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આગામી આખા વર્ષમાં સૌરાષ્ટ્રના બધા જળસિંચન ડેમોનું ડિસીલ્ટીંગ કરવાનું અભિયાન ઉપાડવાનું આહવાન પણ કર્યુ હતું અને ૧૧૫ જળસિંચાઇ ડેમોમાંથી કાંપ ઉપાડીને ખેડૂતોના ખેતરોને તેનાથી ફળદ્રુપતા વધારવાની પ્રતિબધ્ધતા તેમણે વ્યકત કરી હતી.
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની ૯૬મી જન્મજયંતિએ સૌરાષ્ટ્રને આગામી વર્ષોમાં કયારેય દુકાળની સ્થિતિનો-પીવાના પાણીની સમસ્યાનો સામનો ન કરવો પડે તેવા ભગીરથ આયોજન બદલ મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત અને સબળ નેતૃત્વને વંદન કરતાં સ્વાગત પ્રવચનમાં રાજયના નર્મદા-જળસંપતિ-સિંચાઇ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતુ કે રૂ. ૧૦,૦૦૦ હજાર કરોડના ગંજાવર ખર્ચે સૌરાષ્ટ્રના ૭ (સાત) જિલ્લાઓના ૧૧૫ ડેમોને નર્મદાના જળથી ભરી દેવાથી સૌરાષ્ટ્રમાં સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યાઓનો સદાયને માટે અંત આવશે અને ટેન્કરથી પાણી પુરુ પાડવું એ પણ કેવળ કલ્પના અને ભૂતકાળની વાત બની જશે.
રાજયમાં દુષ્કાળ ટકોરા દેતો હતો ને ત્યાં પાછોતરા વરસાદે ગુજરાતના જળાશયોને ભરી દીધા તેનો મુખ્યમંત્રીશ્રીને સંતોષ ન હતો તેમને તો સૌરાષ્ટ્રના સાત જિલ્લાઓને અવિરત પાણી કેમ પુરું પાડી શકાય તેની જ સતત ચિંતા હતી તેમ જણાવી મંત્રીશ્રી નીતિનભાઇએ ઉમેર્યુ હતુ કે સૌરાષ્ટ્ર પ્રદેશને આજે મળેલ સૌથી મોટી ઐતિહાસિક ભેટથી મોટી કોઇ બીજી ભેટ હોઇ જ ન શકે.
આ પ્રસંગે ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષશ્રી અને સંસદ સભ્યશ્રી પરસોતમભાઇ રૂપાલાએ સૌરાષ્ટ્રની સૂકી ધરતીને નવપલ્લવિત કરી દેનાર આ સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ યોજનાના આ મહત્વાકાંક્ષી આયોજન બદલ કાઠીયાવાડના સમગ્ર પ્રજાજનો અને ખેડૂતો વતી મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો આભાર માની એવી લાગણી વ્યકત કરી હતી કે સૌરાષ્ટ્રનાં લોકો અને ખેડુતો આ યોજના બદલ મુખ્યમંત્રીશ્રીના સદાય ઋણી રહેશે. તેમણે અને મંત્રીમંડળના સદસ્યશ્રીઓએ તેમજ ધારાસભ્યશ્રીઓએ આ યોજનાની જાહેરાત વધાવીને મુખ્યમંત્રીશ્રીનું મીઠું મોઢું કરાવી આભારની લાગણી વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે પંડીત દિનદયાલ ઉપાધ્યાયની ૯૬મી જન્મ જયંતી નિમિત્તે પંડિતજીને શ્રધ્ધાસૂમન અર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીશ્રી તેમજ મંત્રીમંડળના સદસ્યશ્રીઓએ આ કિશાન વિકાસ સંમેલનનું દિપ પ્રાગટય કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે નર્મદા અને જળસંપતિ વિભાગ દ્વારા તૈયાર થયેલી પુસ્તીકાનું વિમોચન કર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ સાકાર થનાર આ યોજનાનું વીડીયો પ્રેઝન્ટેશન જળસંપતિ વિભાગ દ્વારા થયું હતું. જે નિહાળી લોકો હર્ષવિભોર થયા હતા.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઇ વાળા, કૃષિ મંત્રીશ્રી દિલીપભાઇ સંધાણી, ઉર્જા રાજય મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, વન અને પર્યાવરણ રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણા, ઉચ્ચ શિક્ષણ રાજયમંત્રીશ્રી વસુબેન ત્રિવેદી, ગ્રામ વિકાસ રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયા, જળસંપિત રાજયમંત્રીશ્રી કનુભાઇ ભાલાળા, ગૌસવા આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા, સંસદીય સચિવશ્રી એલ.ટી.રાજાણી, પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી આર.સી.ફળદુ, મુખ્યમંત્રીશ્રીના અગ્રસચિવશ્રી કૈલાશનાથન, જળસંપતિ વિભાગના અગ્રસચિવશ્રી એસ.જે.દેસાઇ, આયોજન પંચના અધ્યક્ષશ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, સ્વર્ણિમ ગુજરાત અમલીકરણ સમિતિના અધ્યક્ષશ્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજા, રાજકોટના મેયરશ્રી જનકભાઇ કોટક, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધી, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેનશ્રી નાગદાનભાઇ ચાવડા, ધારાસભ્યશ્રીઓ શ્રી ગોવિંદભાઇ પટેલ, શ્રી પ્રવિણભાઇ માંકડીયા, શ્રી જશુબેન કોરાટ, શ્રી ભાનુબેન બાબરીયા, શ્રી કાંતિભાઇ અમૃતિયા, ડો. ભરતભાઇ બોધરા, જામનગર ગ્રામ્યના ધારાસભ્યશ્રી લાલજીભાઇ સોલંકી, રાજયસભાના પૂર્વ સભ્યશ્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી ધનસુખભાઇ ભંડેરી તથા જળસંપતિ અને સિંચાઇ વિભાગના ઉચ્ચ ઇજનેરો સર્વશ્રી સી.વી.નાદપરા, શ્રી ધોળકીયા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા કિશાન અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા.