બાળ લકવા નાબૂદી અભિયાન
બાળ આરોગ્ય સુરક્ષાની ગુજરાતની નવતર પહેલઃ પલ્સ પોલિયો ટીપાં સાથે પંચગુણી - પેન્ટ્રા વેલન્ટ રસીકરણઃ મુખ્ય
પોલિયો રસીકરણ અભિયાનને સમાજ જાગૃતિ - સમયદાન સેવા અભિયાન બનાવવા શ્રી નરેન્દ્રભાઈ મોદીની હાર્દભરી અપીલ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળ લકવા નાબૂદી ઘનિષ્ઠ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ આજે ગાંધીનગરમાં ભૂલકાંઓને પલ્સ પોલિયો રસીનાં ટીપાં પિવડાવીને કરાવ્યો હતો. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પલ્સ પોલિયો અભિયાનમાં આ વર્ષે ગુજરાતે એક નવતર આરોગ્ય સુરક્ષા ઝૂંબેશ સ્વરૂપે પલ્સ પોલિયો રસી સાથે પંચગુણી એવી પેન્ટ્રા વેલન્ટ રસી પણ ભૂલકાંઓને આપી રોગપ્રતિકારક શક્તિ વૃદ્ધિનો પહેલરૂપ પ્રયોગ હાથ ધર્યો છે તેની વિગતો તેમણે આપી હતી.મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં પલ્સ પોલિયો રસીકરણની સઘન ઝૂંબેશ અને દૂરદરાજના વિસ્તારોને પણ આવરી લેવાની કાર્ય સંસ્કૃતિની ફલશ્રૃતિએ રાજ્યમાં ર૦૦૭ પછી એક પણ પોલિયો કેસ નોંધાયો ન હોવાનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં આ અભિયાનને સમાજસેવા - સમાજ જાગૃતિ તરીકે ઉપાડી લેવાનું આહ્વાન કરતાં પ્રત્યેક નાગરિક પલ્સ પોલિયો અભિયાનના આ દિવસને સમયદાન દિવસ તરીકે ઉજવી દરેક ઘરમાં નાનાં ભૂલકાંને, તેના વાલીઓને ટીપાં પિવડાવવા પ્રેરિત કરે તેવો હાર્દભર્યો અનુરોધ કર્યો હતો.
સમગ્ર રાજ્યમાં પાંચ વર્ષની વય સુધીના ૭પ લાખ ભૂલકાંઓને ૩૦ હજાર ઉપરાંત રસીકરણ બૂથ દ્વારા ૧.રપ લાખ આરોગ્ય સેવા કર્મીઓ પલ્સ પોલિયોના ટીપાં પહોંચાડી રાા છે તે માટે મુખ્ય મંત્રીશ્રીએ આરોગ્ય કર્મીઓ અને સેવા કર્મીઓને અભિનંદન આપ્યા હતા. શિયાળાની ઠંડીની ખુશ્નુમા સવારે મોટી સંખ્યામાં માતાઓ પોતાના વ્હાલસોયાં ભૂલકાંઓને ટીપાં પિવડાવવા ઉપસ્થિત રહી હતી. આરોગ્ય પરિવાર કલ્યાણના ઉચ્ચ અધિકારીઓ, વરિષ્ઠ સચિવશ્રીઓ શ્રી રાજેશ કિશોર, શ્રી તનેજા, શ્રી સંજયપ્રસાદ તથા તબીબો, આરોગ્ય સેવા કર્મીઓ આ અવસરે ઉપસ્થિત રાા હતા.