બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની ભારતભરમાં પહેલ ઇ-લાયબ્રેરી- ધ લોઝનો પ્રારંભ
મુખ્ય મંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ - ઇ-લાયબ્રેરી વકીલો અને ન્યાયતંત્રને સશક્ત બનાવશે
૮ લાખ જેટલા ન્યાયિક ચુકાદાઓની સમૃદ્ધ ઇ-લાયબ્રેરી
રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાના બાર એસોસિયેશનોને કોર્ટ કેસોના કોમ્પ્યુટર સોફટવેરનું નેટવર્ક
ગુજરાતભરના વકીલોની વિશાળ ઉપસ્થિતિ
બાર કાઉન્સીલની સ્વર્ણિમ જયંતી વર્ષમાં મુખ્ય મંત્રીશ્રીએ ઇ-લાયબ્રેરી માટે કરેલો સંકલ્પ સાકાર
વકીલ આલમ હિન્દુસ્તાનની નિરાશાજનક વર્તમાન સ્થિતિ બદલવા અગ્રેસર બને
ઇ-લાયબ્રેરી વકીલો માટે ગુણાત્મક પરિવર્તન વ્યવસાયિક સજ્જતામાં લાવશે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં સર્વપ્રથમ પહેલરૂપે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનો ઇ-લાયબ્રેરી પ્રોજેકટનો પ્રારંભ કરાવતાં ઇ-ટેકનોલોજી અને મોબાઇલ ગવર્નન્સના બદલાતા યુગમાં ઇ-લાયબ્રેરી માત્ર ગુજરાતમાં જ અત્યારે શકય છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ગુજરાત સિવાય દેશના બીજા રાજ્યોમાં વીજળીની અનિયમિતતાની દૂર્દૈવ સ્થિતિ છે તે સંજોગોમાં ઇ-ગવર્નન્સ માત્ર ગુજરાતમાં જ ન્યાયતંત્રને વધુ સશક્ત કરાવશે, એમ તેમણે જણાવ્યું હતું.
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતે રાજ્યની તમામ જિલ્લા અને તાલુકાના વકીલ મંડળો-બાર એસોસિયેશનની લો-લાયબ્રેરીને ઇ-લાયબ્રેરીમાં મુકવાનો ભારતમાં ન્યાયતંત્રના મહત્વાકાંક્ષી પ્રોજેકટ આજથી શરૂ કર્યો છે. ગુજરાત સરકારના કાયદા વિભાગના સહયોગમાં ઇ-લાયબ્રેરીનું આ નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. આ માટે બાર કાઉન્સીલના સોફટવેરમાં આઝાદી પછીના તમામ સુપિ્રમ કોર્ટથી પાયાની અદાલતો સુધીના કોર્ટ કેસોના પ્રોસિડીંગ અને ચુકાદાઓને ઇ-લાયબ્રેરી નેટવર્ક સાથે આવરી લીધા છે, રાજ્યના ૬૪,૦૦૦ જેટલા વકીલોને અંગ્રેજીમાં ૮ લાખથી વધુ ચુકાદાઓ અને ગુજરાતીમાં મહત્વના રપ,૦૦૦ અદાલતી ફેંસલાનો લાભ મળશે.
સમગ્ર વકીલ મંડળોના આલમે શ્રી નરેન્દ્રભાઈ મોદીને તેમના આવતીકાલના જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની સ્વર્ણિમ જયંતીના સમારોહમાં ઇ-લાયબ્રેરી "ધ લોઝ'ની પરિકલ્પના પ્રસ્તુત કરી હતી તે આજે સાકાર થઇ છે. ગુજરાત સરકારે રૂ. ર.રર કરોડનું ઇ-લાયબ્રેરી માટે અનુદાન આપેલું છે.
ગુજરાતભરમાંથી આવેલા વકીલોની વિશાળ ઉપસ્થિતિને સંબોધતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, ગુજરાતના વિકાસની ઊંચાઇથી હવે વિશ્વ આખું પરિચિત છે. ર૧મી સદીના પ્રારંભ વિશ્વની અપેક્ષિત નજર હિન્દુસ્તાન ઉપર હતી પરંતુ આજે વિશ્વને નિરાશ થવું પડયું. દેશની બદબોઇ ચાલી રહી છે. ૬૦ ટકા વસતિ ભારતમાં અંધકારમય સ્થિતિમાં ગરકાવ થઇ જાય તેવી અતિશય પીડાદાયક સ્થિતિની હિન્દુસ્તાનની કરમકથા થતી હતી અને બીજી બાજુ એકલા ગુજરાતનો ઝળહળાટનો જય જયકાર થતો હોય ત્યારે વિમાસણ થાય કે ર૧મી સદીના શક્તિશાળી હિન્દુસ્તાનના સપના રોળાઇ કેમ રહ્યા છે.
હિન્દુસ્તાનની આઝાદીના આંદોલનમાં શિક્ષક આલમ અને વકીલ આલમે નેતૃત્વ પુરું પાડેલું તેને યાદ કરાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વકીલમિત્રોને ફરીથી હિન્દુસ્તાનની ર૧મી સદી બનાવવા નેતૃત્વ લેવા હૃદયસ્પર્શી અપીલ કરી હતી.
મુખ્ય મંત્રીશ્રી ઇ-ગવર્નન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજીના પ્રભાવ અને તાકાતની પ્રતિતી કરાવતાં જણાવ્યું કે ઇ-લાયબ્રેરી તમામ વકીલમિત્રોના હાથમાં એવું ઓજાર છે કે વકીલાતના વ્યવસાયની કાર્યક્ષમતા અને ગૌરવ વધારવામાં અત્યંત ઉપકારક બનશે.
ગુજરાત સરકારને ઇ-ગવર્નન્સમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના શ્રેષ્ઠત્તમ ર૯ એવોર્ડ મળેલા છે તેનો ગૌરવપૂર્વક ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે વડાપ્રધાનશ્રી સમક્ષ સેટેલાઇટ-ઉપગ્રહ સેવાની માંગણી કરેલી તેનો બે વર્ષે અસમંજસ સ્થિતિમાંથી બહાર આવીને કેન્દ્ર સરકારે એવો જવાબ આપેલો કે ૩૬ મેગાહટ્સ સેટેલાઇટ વાપરવાના હક્કો ગુજરાતને આપેલા છે. ગુજરાત સરકાર ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં કેવી મોટી હરણફાળ ભરી છે કે BISAG દ્વારા ગુજરાતનું સેટેલાઇટ મેપીંગ કરીને GPS સીસ્ટમને અનેકવિધ હેતુઓ માટે ઉપયોગમાં મુકી છે એટલું જ નહીં, ગુજરાતની ભીલાડ ચેકપોસ્ટમાં ઇ-ગવર્નન્સ મુકીને સામેના ભાગની મહારાષ્ટ્રની ઓધાડની ચેકપોસ્ટ કરતાં પાંચ વર્ષમાં રૂ. ૭૦૦ કરોડની આવક ગુજરાતે મેળવી છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ઉત્તમ લોકશાહીની વ્યવસ્થામાં જનતાની રજૂઆતોને ન્યાય મળવો જોઇએ એ હેતુ ધ્યાનમાં રાખીને ગુજરાતમાં મુખ્ય મંત્રીશ્રીના સ્વાગત ઓનલાઇન જનફરીયાદ નિવારણ પ્રોજેકટને યુનોએ બેસ્ટ પબ્લીક સીસ્ટમનો ઇન્ટરનેશનલ એવોર્ડ આપ્યો છે તેની રૂપરેખા આપી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, સામાન્ય માનવીની રજૂઆતને ૯૮ ટકા સંતોષકારક ઉકેલ લાવી શકાય છે તેવો આત્મવિશ્વાસ જનતામાં ઉભો થયો છે.
કાયદા મંત્રી શ્રી દિલીપભાઈ સંધાણીએ ગુજરાતમાં ન્યાયપાલિકા તથા ન્યાયતંત્ર ક્ષેત્રે રાજ્ય સરકારે અપનાવેલા નવતર અભિગમોનો ખ્યાલ આપ્યો હતો.
સામાન્ય નાગરિક- ગરીબમાં ગરીબને પણ સરળતાથી ઝડપી ન્યાય મળી રહે તે માટે સાંધ્ય અદાલતો દ્વારા અદાલતો પરનું કાર્યભારણ અને પેન્ડન્સી ધટાડવાનું ગુજરાત મોડેલ દેશ માટે માર્ગદર્શક છે એમ તેમણે જણાવ્યું હતું.
કાયદા-ન્યાયતંત્ર ક્ષેત્રે કર્તવ્યરત વકીલો-તજજ્ઞો સૌ કોઇ સમાજ સેવાનું દાયિત્વ નિભાવે તેવો અનુરોધ શ્રી સંધાણીએ કર્યો હતો.
રાજ્યની અદાલતો તથા ન્યાયક્ષેત્રે શ્રેષ્ઠત્તમ આંતરમાળખાકીય સવલતો પૂરી પાડવા રાજ્ય સરકાર અને મુખ્ય મંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનની વિકાસ રેખા કાયદા મંત્રીશ્રીએ આપી હતી.
કાયદા રાજ્ય મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ઇ-લાયબ્રેરીનો આ પ્રયોગ સફળતાને વરશે તેવી શુભેચ્છાઓ પાઠવતાં હવે છેક તાલુકા કક્ષાના વકીલોને પણ છેલ્લામાં છેલ્લા અને અઘતન ચુકાદાઓ સરળતાથી મળી રહેવાના છે તે માટેનું શ્રેય મુખ્ય મંત્રીશ્રીના દીર્ધદ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ અને આયોજનને આપ્યું હતું. કાયદા ક્ષેત્રના વિકાસ માટે રૂ. ૯રપ કરોડનું બજેટ ફાળવવા સાથે વિશ્વમાં શ્રેષ્ઠત્તમ હોય તેને ગુજરાતમાં લાવવા ગુજરાતના વિકાસમાં તેને પ્રેરિત કરવાની મુખ્ય મંત્રીશ્રીની પ્રતિબદ્ધતામાં કાનૂનક્ષેત્રે કાર્યરત સૌ કોઇ યોગદાન આપશે તેવી અપેક્ષા કાયદા રાજ્ય મંત્રીશ્રીએ વ્યકત કરી હતી. તેમણે રાજ્યમાં વડોદરા, સુરત સહિતના શહેરોમાં અઘતન અદાલતોના નિર્માણની ભૂમિકા પણ આપી હતી.
એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદીએ રાજ્યના વકીલો અને ન્યાયતંત્ર સાથે સંલગ્ન સૌ માટે ઇ-લાયબ્રેરી એન્સાઇકલોપિડીયા બનશે તેવી શ્રદ્ધા સાથે પ્રસન્નતા વ્યકત કરી હતી.
પ્રારંભમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ પટેલે ઇ-લાયબ્રેરીનો આ નવતર પ્રયોગ સવા બે કરોડ રૂપિયાની રાજ્ય સહાયથી ફળીભૂત થયો છે તેનું શ્રેય મુખ્ય મંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વને આપ્યું હતું.
ઇ-લાયબ્રેરીના ઉપયોગથી ૬પ હજાર ઉપરાંત વકીલોને ધેરબેઠાં માત્ર માઉસ કલીક કરતાં જ આંગળીના ટેરવે અઘતન ચુકાદાઓ-જજમેન્ટ પ્રાપ્ત થશે તેનો હર્ષ વ્યકત કર્યો હતો.
કાઉન્સીલના ઉપાધ્યક્ષ શ્રી દિપેનભાઈએ ઇ-લાઇબ્રેરીના કાર્યઆયોજનથી સૌને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ન્યાયવિદો, ન્યાયધીશો, પૂર્વ ન્યાયમૂર્તિઓ તથા બાર કાઉન્સીલના સભ્ય વકીલો, આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.