ગુજરાતનો કુપોષણ સામે જંગ
દૂધ સંજીવની પ્રોજેકટનું લોન્ચીંગ
વડાપ્રધાન કુપોષણને દેશની શરમ ગણાવી રોદણા રડે છે ત્યારે ગુજરાતે તો કુપોષણ મુકત ગુજરાતનું જન અભિયાન ઉપાડયું છે
સુરત જિલ્લા પંચાયત દ્વારા નવતર પહેલ આંગણવાડીના બાળકોને દૂધ સંજીવની પ્રોજેકટ
આદિવાસી પ્રાથમિક શાળાના બાળકોનો પણ દૂધ સંજીવનીમાં સમાવેશ
ભૂમિહિન આદિવાસીઓને જમીન ટોચ મર્યાદાની ફાજલ જમીનનું વતિરણ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતને કુપોષણ મુકત બનાવવાનો મક્કમ નિર્ધાર વ્યકત કરતા જણાવ્યું કે, વડાપ્રધાન કુપોષણને રાષ્ટ્રીય શરમ ગણીને માત્ર રોદણા રડે છે પણ ગુજરાતે તો જનભાગીદારીથી કુપોષણ સામેની લડાઇ સને ૨૦૦૪થી શરૂ કરી દીધી છે અને લાખો ભૂલકા બાળકો ગરીબ માતાઓને કુપોષણ માંથી ઉગારી લીધા છે.
ચૂંટણીના વર્ષમાં રાજકારણ અને મતકારણની પરવા કર્યા વગર આ સરકારે નાના ભૂલકાં અને બાળકોના પોષણને જ પ્રાથમિકતા આપી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ગુજરાતના સમજદાર નાગરિકોએ ૨૦ વર્ષથી ગુજરાતને તબાહ કરનારા જૂઠ્ઠાણાંનો ગુબ્બારો ચલાવનારાઓને કિનારે કરી દીધાં છે. સુરત જિલ્લા પંચાયતે જનભાગીદારીને પ્રેરિત કરીને જિલ્લાની ૧૬૪૦ આંગણવાડીઓમાં ૪૦,૦૦૦થી અધિક ભૂલકાંઓને કુપોષણની પીડામાંથી મુકત કરવાના અભિયાનનો આજે મુખ્યમંત્રીશ્રીએ પ્રારંભ કર્યો હતો. આ ભૂલકાંઓને અઠવાડિયે બે દિવસ દૂધનો સંપૂર્ણ આહાર દૂધ સંજીવની પ્રોજેકટ અંતર્ગત અપાશે. આમાં રૂા. બે કરોડનો વાર્ષિક ખર્ચ થશે. જેમાં રૂા.૯૦ લાખ સહકારિતા-ઔઘોગિક જૂથોએ સામાજિક દાયિત્વરૂપે આપ્યા છે. આ ઉપરાંત ઓલપાડ અને ચોર્યાસી તાલુકાની ૨૫ જેટલી પ્રાથમિક શાળાઓમાં જેમાં મુખ્યત્વે આદિવાસી બાળકો ભણે છે તેમને પણ આ જ પ્રકારના દૂધ સંજીવની પ્રોજેક્ટમાં આવરી લીધા છે. મુખ્ય મંત્રીશ્રીએ જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ પડેલી જમીન ૬૧ જેટલાં ભૂમિહિન આદિવાસીઓને કાયમી ધોરણે ફાળવવાના આદેશ પત્રો પણ એનાયત કર્યા હતા.
કુપોષણ સામેનો જંગ તો ગુજરાતે ૨૦૦૪થી શરૂ કર્યો છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારતમાં કુપોષણને દેશની શરમ ગણાવી વડાપ્રધાનશ્રી એ સમસ્યા ઉકેલવાને બદલે માત્ર રોદણાં રડે છે ત્યારે ગુજરાતે સમાજની શકિતને સાથે લઇને કુપોષણ નિવારણની ઝૂંબેશ ઉપાડેલી છે. ગુજરાત અન્ય રાજ્યની તુલનામાં શાકાહારી છે, એની પરંપરાગત ટેવો છે તેથી કુપોષણની સમસ્યા સામે આયોજનબધ્ધ રીતે સર્વગ્રાહી કાર્યક્રમ ઉપાડયો છે. પાંચ જ મહિનામાં દૂધ સંજીવનીથી ભૂલકાંઓને કુપોષણ માંથી બહાર લાવવામાં સફળતા મળી ગઇ છે. ગરીબ બાળકોની તંદુરસ્તી માટે પાયાની આંગણવાડી સંસ્થાનો મહિમા ઉભો કર્યો છે. કુપોષણની પીડા માટે માત્ર સમાજની સંવેદના જ નથી જગાવી, પરંતુ સમગ્ર સરકારી તંત્રના હજારો કર્મયોગીઓએ આંગણવાડીઓ દત્તક લીધી છે અને ભૂલકાંઓની ચિંતા કરે છે. અનેક અધિકારીઓના પરિવારજનો પણ એમાં જોડાયેલા છે. ગુજરાતનું બાળક સ્વસ્થ હશે તો આવતીકાલનો ગુજરાતનો સમાજ પણ સમર્થ શકિતશાળી રહેશે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ઉમરગામથી અંબાજી સુધીના આદિવાસી પટ્ટામાં અગાઉની સરકારોએ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચ શાળા જ શરૂ નથી કરી તો આદિવાસી યુવાન કઇ રીતે ર્ડાકટર, ઇજનેર બને તેવો સવાલ ઉઠાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સરકારે દરેક આદિવાસી તાલુકામાં વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચત્તર માધ્યમિક શાળા ખોલી દીધી છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે, આ રાજ્યમાં કોઇ ગરીબ માનવી એવો ન હોય કે જેની પાસે ધર-આવાસ માટે જમીન ન હોય તેવી સ્થિતિનું નિર્માણ કર્યું છે. શૂન્ય-૧૬ થી ગરીબી રેખા નીચે જીવતાં બધાં જ ધર વિહોણાને ધર મળે એવા જમીનના પ્લોટ આપી દીધા છે. ગરીબનું બાળકનું સારવારના અભાવે મરણ થાય નહીં તે માટે દોઢ કરોડ જેટલાં શાળાના બાળકોનું આરોગ્ય પરિક્ષણ અભિયાન ઉપાડયું છે. લાખો બાળકોને નવું જીવન આપ્યું છે.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતે પ્રગતિ ન કરી હોત તો આખા દેશના લોકોને સૌથી વધારે રોજગારી કઇ રીતે મળત ? લાખો યુવાનો સ્વમાનભેર જીવે તે માટે રોજગારીની તકો સૌથી વધુ ગુજરાતે આપી છે. ભારત સરકારનો જ અહેવાલ ગુજરાતે સૌથી વધુ રોજગારી આપી છે તે પુરવાર કરે છે પણ કયાં સુધી જનતાને અંધારામાં રાખી શકશો ? એવો સવાલ ઉઠાવતા મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતના વિકાસમાંથી જ ભારતે વિકાસ કરવો હોય તો શીખવાનું શરૂ કરો. એ હકકત વર્તમાન કેન્દ્ર સરકારે સ્વીકાર્યા વગર બીજો કોઇ ઉપાય નથી. વિકાસ માટેના કેન્દ્ર સરકારના બધા અહેવાલો ગુજરાતને જ અગ્રેસર મુકે છે પણ જનતાને જૂઠાણાંથી ભરમાવનારા લોકો વિકાસની નજરે દેખાતી કામગીરીને કઇ રીતે છૂપાવી શકશે ? આજે ગુજરાતમાં ૨૫ કી.મી.ના પરીધમાં કોઇને કોઇ વિકાસનું કામ નજરે પડે છે તેનું કારણ છે આ સરકાર પ્રજાના નાણાંની ગાંધીનગરની તિજોરી ઉપર કોઇનો પંજો પડવા નથી દેતી. કારણ કે આ સરકાર પ્રજાના નાણાંની ચોકીદાર બનીને બેઠી છે. ગુજરાતમાં ઔઘોગિક વિકાસની હરણફાળ છતાં ૩૭ લાખ હેકટર જમીનનો ખેતી વાવેતર વિસ્તાર વધ્યો છે એમ તેમણે જણાવ્યું હતું અને આ દૂધ સંજીવની પ્રોજેકટના નવતર અભિગમ માટે ટીમ સુરત જિલ્લાને અભિનંદન આપ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષ શ્રી ગણપતભાઇ વસાવાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં આંગણવાડીના બાળકોની તંદુરસ્તી તથા આરોગ્ય સુખાકારી માટે પોષક આહાર માટેના આ દૂધ સંજીવની પ્રોજેકટને એક મહત્વપૂર્ણ કદમ ગણાવી આદીવાસી સમાજ સહિત સમાજના નબળા, પછાત વર્ગોના બાળકોની સ્વાસ્થ્ય સુધારણના આ દિશાદર્શક કાર્યનું સંપૂર્ણ શ્રેય મુખ્ય મંત્રીશ્રીને આપ્યું હતું. પંચાયત મંત્રી શ્રી નરોત્તમભાઇ પટેલે કુપોષણ સામેની લડાઇમાં સમાજ સમસ્તને સહભાગી થઇ તંદુરસ્ત ગુજરાતના નિર્માણ માટે આહ્વાન કર્યું હતું. જિલ્લા પ્રભારી અને વન પર્યાવરણ મંત્રી શ્રી મંગુભાઇ પટેલે સુરત જિલ્લા પંચાયતે લોકભાગીદારીથી શરૂ કરેલા આ દૂધ સંજીવની પ્રોજેકટને સફળતાની શુભકામનાઓ પાઠવતાં વનબંધુ સમાજ ગરીબો-પછાત વર્ગોના સર્વાંગી કલ્યાણ માટેની વર્તમાન સરકારની વિવિધ યોજનાઓની સફળતાની ભૂમિકા આપી હતી.
આ પ્રસંગે પૂર્વ મંત્રી શ્રી કાનજીભાઇ પટેલ, સુરત જિલ્લાના ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઇ તથા વિવધિ સમિતનિા અધ્યક્ષશ્રીઓ અને પદાધિકારીઓ તથા કામરેજ તાલુકા પંચાયતના પદાધિકારીઓ અને આમંત્રિતો, નાગરિકો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.