વડોદરા મહારાજા સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતીનો શાનદાર પ્રારંભ
મૂખ્યમંત્રીશ્રીએ સયાજીરાવ સાર્ધ જન્મશતાબ્દી વર્ષ નિમિત્તે
‘સયાજી સવારી’ નું આન-બાન-શાન સાથે કરાવ્યું પ્રસ્થાન
નગરજનોની વિશાળ ઉપસ્થિતિ
સમસ્ત ગાયકવાડ રાજવી પરિવારની શોભામાં અભિવૃદ્ધિ
મુખ્યમંત્રીશ્રીએ ભારતના દેશી રાજા-રજવાડાના ઉત્તમ કામોનો સાચો ઇતિહાસ પ્રજાસમક્ષ મૂકવાની જરૂર ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ગુલામીકાળમાં તો વિદેશી સલતનતને લોકચાહના ધરાવતી રાજસત્તાઓ પડકાર બનશે તેવી ભયગ્રંથીથી પીડાઇને તત્કાલીન રાજસત્તા અને રાજવીઓના મોજશોખનો વિકૃત ઇતિહાસ લખાવવાનું સમયબદ્ધ આયોજન તેમના દ્વારા કરાયેલ હતું.
સમગ્ર વડોદરા મહાનગર સમિતિ અને સયાજીરાવ ગાયકવાડ સ્મારક ટ્રસ્ટના ઉપક્રમે આજથી વડોદરામાં સયાજીરાવ સાર્ધ જન્મશતાબ્દી મહોત્સવનો આન-બાન-શાનથી પ્રારંભ થયો હતો.
નગરજનોની વિશાળ અને અદમ્ય ઉત્સાહ ઉમંગની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ ‘સયાજી સવારી’ ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ‘સયાજી સવારી’ માં ૧૧૦ જેટલા ટેબ્લોઝ–ફલોટ્સમાં સયાજીરાવ સુશાસનની વિશિષ્ટ પહેલો, પરંપરાઓની પ્રસ્તુતિ કરવામાં આવી છે. ગાયકવાડ રાજવી પરિવારે આ સમગ્ર કાર્યક્રમમાં શોભાવૃદ્ધિ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ ડૉ. બંસીધર શર્મા લીખીત ‘સયાજીરાવ જીવન દર્શન’ અને ગુજરાત સમાચાર લંડનના પ્રકાશક સી.બી.પટેલ સંકલિત કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું.
૨૦૧૨ના વર્ષમાં ગુજરાતના જાહેરજીવન માટે અનેક મહાનુભાવોને સ્મરણાંજલિ આપવાનો સુયોગ થયો છે તેની સુખદ રૂપરેખા આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મ જયંતિ, ભાવનગર મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની જન્મશતાબ્દી, સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિ, પન્નાલાલ પટેલ જેવા સમર્થ સાહિત્ય સર્જકની શતાબ્દી અને પંચાયતી રાજની સ્વર્ણિમ જયંતી જેવા ઉજવણીના અનોખા અવસરો ગુજરાતમાં આવ્યા છે.
આ મહાપુરૂષોએ તેમના જીવનકાળમાં પોતાના વિચારો અને વ્યવસ્થાને એવી રીતે સમાજ સમક્ષ પ્રેરણારૂપે મૂકી કે જે પેઢીઓ સુધી યાદ રહે તેવી છે. વડોદરાની ગાયકવાડી રાજવ્યવસ્થામાં ૧૯૦૮માં પ્રજામંડળ દ્વારા લોકતંત્રનું સત્વ અને લોકશાહીનું તત્વ તેમણે સાકાર કરેલું એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પ્રજાવત્સલ એવા ગાયકવાડી રાજવી સયાજીરાવે લોકહિત અને પ્રસાશનિક વ્યવસ્થામાં કેળવણી, વ્યાયામ, સામાજિક કુરિવાજો સામેના કાયદા, નગરજનોની સુખાકારી માટે પાણી, રસ્તાની પ્રાથમિક માળખાકીય સગવડો, ઉદ્યોગો અને કૃષિ વિકાસ, સંસ્કાર, સાહિત્ય અને કલાનું સંવર્ધન જેવા કરેલા કાર્યો અને આયામો આ બધું જ આજે પણ ગાયકવાડી રાજની ઉજ્જવળ પરંપરા રૂપે સ્તુત્ય અને પ્રેરણાદાયી છે એમ તેમણે જણાવ્યું હતું.
દેશના રાજા રજવાડાઓના ઉત્તમ કીર્તિમાન કાર્યોનો સાચો ઇતિહાસ પ્રજા સુધી પહોંચ્યો જ નથી. પ્રજામાનસમાં રાજવીઓના શાસનો પ્રત્યે વિકૃત ભાવ જાગે તેવો અંગ્રેજ સુસાશન કાળમાં ઇતિહાસ બનાવેલો જેના કારણે તત્કાલિન રાજ સત્તા સામે અભાવ પેદા થાય તેવા અંગ્રેજ સલતનતે યોજનાબદ્ધ પ્રયાસો કરેલા કારણ કે, રાજવીઓની લોકચાહના વધે તે વિદેશી સલતનતને પડકાર લાગતો હતો. હવે પેઢી દર પેઢી સમક્ષ પ્રજાવત્સલ રાજવી રાજવ્યવસ્થાનો સાચો ઇતિહાસ મૂકવાનો સમય પાકી ગયો છે એમ તેમણે જણાવ્યું હતું.મહારાજા સયાજીરાવે ઉત્તમ પ્રસાશન માટે જે પ્રેરક ‘માયનોર હીન્ટસ’ પુસ્તક આપેલું છે તે આજે પણ આધુનિક વહીવટકર્તાઓ માટે પ્રસ્તુત છે. વડોદરાને સંસ્કારનગરીનું ગૌરવ અપાવે તેવા સ્મૃતિ કાર્યક્રમો આ સાર્ધ જન્મસતાબ્દી વર્ષમાં જનભાગીદારીથી ઉજવાય તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ વ્યવક્ત કરી હતી.
સયાજીરાવનું પ્રસાશન સુરાજ્યની દિશામાં કઇ રીતે લઇ જવાય તેનું ઉત્તમ જીવંત દ્રષ્ટાંત છે અને આથી જ સયાજીરાવ ૧૫૦મી જન્મજયંતી મહોત્સવને નવી જનચેતના પ્રગટાવવાના અવસર તરીકે ઉજવવા તેમણે આહવાન કર્યું હતું.
શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની સુશાસક તરીકેની સર્વક્ષેત્રીય ઉપલબ્ધીઓ વડોદરાવાસીઓ અને ગુજરાત માટે ગૌરવરૂપ છે તેવી લાગણી મહાનગર ઉજવણી સમિતિના અધ્યક્ષ મેયર ડૉ. જ્યોતિ પંડ્યાએ આવકાર પ્રવચનમાં વ્યક્ત કરી હતી.
વર્તમાન સમયમાં સાચા માણસને પારખવાની શક્તિ કેળવીએ એજ સયાજી સંદેશ એવી લાગણી વ્યક્ત કરતા દિગ્ગજ સાહિત્યકાર પ્રા. સિતાંષુ યશસચંદ્ર મહેતાએ અતિથિવિશેષ તરીકે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.
આ ગૌરવશાળી પ્રસંગે સયાજીરાવ ગાયકવાડના રાજવી પરિવારજનો, જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, પ્રવાસન રાજ્ય મંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા, સંસદીય સચિવ શ્રી યોગેશ પટેલ, સાંસદ શ્રી બાલકૃષ્ણ શુકલ, ધારાસભ્યો, નગરસેવકો અને આમંત્રિતો તથા વડોદરાના નગરજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.