પૂણે ગુજરાતી બંધુ સમાજના શાનદાર શતાબ્દી મહોત્સવનું ઉદ્ઘાટન કરતા મુખ્યમંત્રીશ્રી
પૂણેમાં વસતા ગુજરાતી પરિવારોમાં અભૂતપૂર્વ ઉત્સાહ ઃ મુખ્યમંત્રીશ્રીનું ઉત્સાહસભર સન્માન
ગુજરાત ભવન સંકુલનું ખાતમૂહુર્ત મુખ્યમંત્રીશ્રીના હસ્તે સંપન્ન
ગુજરાત વિકાસના કારણે વિશ્વમાં ગૌરવ મેળવે છે ત્યારે કેન્દ્રની સરકાર તેના વહીવટી નિષ્ફળતાને કારણે આબરૂ ગુમાવે છે ઃ મુખ્યમંત્રીશ્રી
ગુજરાતની બધી ૧૧ પંચવર્ષીય યોજનાઓ મળીને કુલ ૨.૩૦ લાખ કરોડ ૧૨મી યોજના રૂા. ૨.૫૫ લાખ કરોડ
‘‘વાયબ્રન્ટ ગુજરાત શબ્દસમૂહ નથી ગુજરાતનું વિકાસ જીવન છે’’
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પૂણે ગુજરાતી બંધુ સમાજના શતાબ્દી મહોત્સવનો આજે શાનદાર પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, ગુજરાત તેના વિકાસની ઊંચાઇના કારણે વિશ્વભરમાં ગૌરવ અને વિશ્વસનીયતા મેળવી રહ્યું છે ત્યારે હિન્દુસ્તાનની કેન્દ્ર સરકાર તેની અવળી નીતિઓ અને દિશાશૂન્ય તથા ભ્રષ્ટ વહીવટના કારણે વિશ્વમાં આબરૂ ગુમાવી રહી છે. વાયબ્રન્ટ ગુજરાત શબ્દ સમૂહ નથી ગુજરાતનું વિકાસ જીવન છે એમ તેમણે જણાવ્યું હતું.સને ૧૯૧૩માં સ્થપાયેલા પૂણે ગુજરાતી બંધુ સમાજની શાનદાર શતાબ્દી ઊજવણી આજથી પૂણેમાં શરૂ થઇ હતી. સમાજની ૬ એકર જમીન ઉપર નિર્માણ પામનારા ગુજરાતી ભવન સંકુલનું ખાતમૂહુર્ત પણ શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું. પૂણેમાં અંદાજે સાડા ત્રણ લાખ જેટલા ગુજરાતી પરિવારો વસે છે અને શ્રી નરેન્દ્રભાઇ મોદીના આગમનથી અભૂતપૂર્વ આનંદ અને ઉત્સાહની હેલી તેમનામાં જોવા મળી હતી. સમાજના ટ્રસ્ટી મંડળે અને અન્ય સમાજના અગ્રણીઓએ શ્રી નરેન્દ્રભાઇ મોદીનું ઉષ્માસભર સન્માન કરીને ગુજરાત રત્ન એવોર્ડની નવાજેશ કરી હતી.
ગુજરાતથી આવતા ગુજરાતીઓની સુવિધા માટે આધુનિક ભવન અને સવલતો માટેની કાળજી લેવા માટે અને સો - સો વર્ષથી ગુજરાતી પરિવારોના સુખ સગવડોની ચિંતા કરવા માટે ગુજરાતી બંધુ સમાજના સૌ સાથી, સહયોગી અને દાતાઓની સદભાવનાને મુખ્યમંત્રીશ્રીએ શત શત વંદન કર્યા હતા.
ગુજરાત આજે વિકાસની એવી ઊંચાઇ પર પહોંચી ગયું છે કે, જેનાથી દેશ અને દુનિયામાં ગુજરાત અને ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે તેનો ઉલ્લેખ કરી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે,
દસદસ વર્ષથી વિકાસની યાત્રામાં ૬ કરોડ ગુજરાતીઓના પરિશ્રમથી હવે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ‘વોશિંગ્ટન પોસ્ટ’ અને ‘ટાઇમ’ જેવા ગ્લોબલ મિડિયાએ તેની સગર્વ નોંધ લીધી છે અને ગુજરાતને વિકાસનું મોડલ ગણાવ્યું છે. આ ગુજરાતની નાની સિદ્ધિ નથી એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતનો વિકાસ તેના નાણાંકીય સુચારુ વ્યવસ્થાપનથી થયેલો છે. દસ વર્ષ પહેલાં ૬૭૦૦ કરોડની વહીવટી ખાધ ધરાવતું ગુજરાત આજે રેવન્યુ ડેફીસીટ સ્ટેટમાંથી રેવન્યુ સરપ્લસ સ્ટેટ બન્યું છે અને છતાં, એક પણ રૂપિયાનો નવો કર વેરો નાંખ્યો નથી માત્ર ને માત્ર ભ્રષ્ટાચારના બધા જ દરવાજા બંધ કરી દીધા છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતે વિકાસના ચમત્કાર સર્જ્યા છે. દેશમાં વીજળીના રૂસણા રોજીંદા છે પણ ગુજરાતમાં ૧૮ હજાર ગામડાં જ્યોતિગ્રામ યોજનાથી ૨૪ કલાક અવિરત વીજળી મેળવે છે. વીજળીની સમસ્યામાંથી મૂક્તિ અપાવનારી આ સરકારે દેશમાં વિશ્વાસ જગાવ્યો છે કે, રાજકીય ઇચ્છા શક્તિ હોય તો એના એ જ સાધનો, માનવશક્તિ અને વ્યવસ્થાથી પણ નિરાશાજનક સ્થિતિ બદલી શકાય છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની ૧૨મી પંચવર્ષીય યોજના રૂા. ૨.૫૫ લાખ કરોડ ઉપર પહોંચી છે તેનો ગૌરવભેર ઉલ્લેખ કરી જણાવ્યું કે, ગુજરાતની સ્થાપના પછી ૨૦૦૨ સુધીની બધી જ ૯ પંચવર્ષીય યોજનાઓનું કુલ કદ રૂા. ૫૫૩૯૫ કરોડનું હતું જ્યારે ૨૦૦૨ થી ૨૦૧૨ સુધીની દસમી અને અગિયારમી પંચવર્ષીય યોજનાઓનું પ્રોવિઝન જ ૧.૫૫ લાખ કરોડ હતું. આથીય વિશેષ ગુજરાતની અગિયારમી પંચવર્ષીય યોજના સુધીની કુલ જોગવાઇ રૂા. ૨.૩૦ લાખ કરોડ હતી તેની તુલનામાં બારમી પંચવર્ષીય યોજનાનું એકલાનું કદ રૂા. ૨.૫૫ લાખ કરોડ થવા જાય છે. વિકાસની કેટલી મોટી હરણફાળ ગુજરાત ભરી રહ્યું છે તે આનાથી પૂરવાર થાય છે એમ તેમણે જણાવ્યું હતું.
ગુજરાતમાં કપાસની નિકાસબંધીથી લાખો ખેડૂતો પાયમાલ થઇ ગયા છે એકાએક લાદેલી નિકાસબંધી ખેડૂતોના આક્રોશથી ઝૂકી જઇને કેન્દ્રની સરકારે ઉઠાવી લીધી પરંતુ ભારત સરકારની બેદરકારીભરી નીતિથી વિશ્વના બજારોમાં તેની વિશ્વસનીયતા તળિયે બેસી ગઇ છે એમ પણ તેમણે જણાવ્યું હતું.
ગુજરાત પારદર્શી નીતિઓથી જ વિકાસની યાત્રા આગળ ધપાવી રહ્યું છે એમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે, કૃષિ ક્રાંતિના ક્ષેત્રે પણ વિશ્વમાં નામના મેળવી છે. દુનિયાનું એક પણ ઓટોમોબાઇલ વાહન એવું નહિ હોય, જેનો ઓટો સ્પેરપાર્ટસ ગુજરાતમાં મેન્યુફ્રેકચર ન થયો હોય. ગુજરાત હવે દુનિયાનું ઓટો હબ બની રહ્યું છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું અને આખા દેશની કુલ રોજગારીના ૭૩ ટકા રોજગારી એકલું ગુજરાત પૂરંુ પાડે છે તેની ભૂમિકા પણ આપી હતી.
પૂણે ગુજરાતી બંધુ સમાજના અધ્યક્ષ શ્રી નીતિનભાઇ દેસાઇએ મુખ્યમંત્રીશ્રીને દેશના વિરલ રાજપુરૂષ અને વિકાસ પુરૂષ ગણાવ્યા હતા.