એક લાખ ચો. મી. પરિસરમાં ભારતના સૌથી મોટા ઇન્ટરનેશનલ એકઝીબિશનને ખૂલ્લું મૂકતા મુખ્યમંત્રી

અન્ય રાજ્યો માટે ગુજરાત ટ્રેન્ડ સેટર

દર બે વર્ષે ગુજરાત ઇન્ટરનેશનલ એગ્રોટેક ફેર યોજશે

૩૦ ડોમમાં વિશ્વભરની કંપનીઓના ૪૧૦૦૦ ઉત્પાદનોની પ્રદર્શની

વિકાસની ગંગાનો મહાકુંભ ગુજરાતને આંગણે શરૂ થયો છે - નરેન્દ્ર મોદી

 

મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધીનગરમાં ગ્લોબલ ટ્રેડ શોર૦૧૩ના ભારતના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્દઘાટન કરતા જાહેર કર્યું હતું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો ની ઉત્તરોત્તર સફળતાના પગલે દર બે વર્ષે ગુજરાત ઇન્ટરનેશનલ એગ્રોટેક ફેર યોજશે. ટ્રેડફેર કે ટ્રેડ શો નો હેતુ ભાવિ પેઢીના પ્રશિક્ષણસંસ્કાર સંક્રમણની દ્રષ્ટિએ પ્રયોજવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ : ર૦૧૩ના ભાગસ્વરૂપે આજથી ગાંધીનગરમાં હેલીપેડ પરિસરના એક લાખ ચો.મી. માં આ ભવ્ય વ્યાપારઉદ્યોગ પ્રદર્શન યોજવામાં આવ્યું છે. દુનિયાના અનેક દેશોની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કંપનીઓએ આ પ્રદર્શનમાં ભાગ લીધો છે. ૪૧૦૦૦ જેટલા ઉત્પાદનો સહિત આધુનિક ટેકનોલોજીનો વિનિયોગ કરીને ૩૦ જેટલા ડોમમાં આ વિશાળ પ્રદર્શન ૬ દિવસ સુધી ચાલશે. જેમાં ૧૧૯પ કંપનીઓએ પ્રસ્તુતિ કરી છે. સમગ્ર તયા ૧પ લાખ લોકો આ પ્રદર્શન નિહાળે તેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

મુખ્યમંત્રીશ્રીએ ગણમાન્ય વેપારઉદ્યોગના અગ્રણીઓ સાથે આ વિશ્વવ્યાપાર પ્રદર્શનનું નિરીક્ષણ કર્યું હતું. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વભરમાં વિશ્વસનિયતા પ્રસ્થાપિત કરી છે અને તેથી હવે ટ્રેડફેરમાં ઉત્તરોત્તર ભાગીદારી વધતી રહી છે. ટ્રેડ એકઝીબિશનનો પ્રારંભ ટાગોર હોલના નાના પરિસરમાંથી આજે એક લાખ ચો.મી.ના પરિસરને આવરી લે છે. કયાંથી કયાં ગુજરાત પહોંચી ગયું છે? ગુજરાતે કરેલી આ પહેલ હવે ગુજરાત પૂરતી સીમિત નથી રહી, પરંતુ અનેક રાજ્યો પણ પોતાની ક્ષમતા અનુસાર આ જ રસ્તે આગળ વધ્યા છે. આમ, ગુજરાતની ગ્લોબલ ઇવેન્ટ હવે આપણા દેશ માટે ટ્રેન્ડ સેટર બની ગઇ છે. વિશ્વના અનેક દેશો અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગુજરાતની ટ્રેડ ફેરની ક્ષમતાસુવિધાથી માત્ર પ્રભાવિત જ નથી થયા પરંતુ તેમને ભરોસો બેસી ગયો છે કે સેલર્સબાયર્સ વચ્ચે સંબંધોનો એવો સેતુ બાંધી શકાયો છે જે બંનેને પરસ્પર લાભદાયી બને છે.

દુનિયાના ઉત્કૃષ્ઠ ઉત્પાદનોના ખરીદવેચાણ પૂરતું આ પ્રદર્શન સિમિત નથી પરંતુ ભાવિ પેઢીઓ માટે નવું VISION નવી દ્રષ્ટિ સંયોજવામાં આ ટ્રેડ શો એક નવી કેડી કંડારશે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.

આ ગ્લોબલ ટ્રેડ શો માં મહિલા ઉદ્યોગ સાહસિકોને અને યુવા ઉદ્યોગ સાહસિકોને માટે વિશેષ પ્રોત્સાહનો ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે કારણ વિશ્વની આર્થિક વ્યવસ્થામાં મહિલાશકિત અને યુવાશકિતને મહત્તમ ભાગીદાર બનાવવાની નેમ છે.

"પ્રયાગમાં ગંગા કિનારે આધ્યાત્મિક કુંભમેલા જેમ સાબરમતી તટ પર ગાંધીનગરમાં વિકાસનો કુંભમેળો શરૂ થઇ રહયો છે. વિકાસની ગંગા ઘર આંગણે આવી છે એનું પ્રગતિમાન કરીએ એવંુ ભાવવાહક નિમંત્રણ તેમણે આપ્યું હતું."

આ ગ્લોબલ ટ્રેડ શો થી વિશ્વભરની ઇનોવેશન, ટેકનોલોજી, મેનેજમેન્ટ, હયુમન રિસોર્સસહિત અનેક નવતર પહેલ અને પહેલની ગતિ જોવા મળશે. ભારતના વિકાસ માટે ગુજરાત પ્રતિબધ્ધ છે. દેશના તમામ રાજ્યોની ભાગીદારી, ભારત સરકારની ઉપસ્થિતિ, વિદેશી સરકારો અને વિશ્વની આંતરરાષ્ટ્રીય કંપનીઓ આ ગ્લોબલ ટ્રેડ શો માં ભાગીદાર બની તે માટે મુખ્યમંત્રીશ્રીએ આભારની લાગણી વ્યકત કરી હતી.

કેન્દ્ર સરકારના ભારતીય વ્યાપાર પ્રોત્સાહન સંગઠનના ચેરપર્સન અને મેનેજિંગ ડિરેકટર શ્રીમતી રીટા મેનને ગુજરાત સરકાર દ્વારા આયોજિત વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોની સફળતા માટે શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે,  આ પ્રકારના પ્રદર્શનોથી ઉદ્યોગ અને વેપારકારો સાથે વપરાશકારોનું લાંબાગાળાનું સંયોજન તો સધાય છે, સાથોસાથ નવા સંશોધનો, ટેકનોલોજી અને આધુનિક શોધખોળોનું આદાનપ્રદાન પણ થાય છે. તેમણે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન યુગમાં આ પ્રકારના ટ્રેડ શો સાંપ્રત જ નહીં ખર્ચની સામે પર્યા વળતર આપનારા પણ સાબિત થઇ રહ્યા છે. વેચાણકારો અને વપરાશકારો એક જ સ્થળે એકત્ર થઇને વ્યાપારમાર્કેટ ક્ષેત્રે નવા સંશોધનો પણ કરી શકે છે. ઇન્ફર્મેશન ટેકનોલોજીના વિસ્તારવિકાસથી આખું વિશ્વ પરિવર્તન પામ્યું છે ત્યારે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો જેવા મલ્ટી બ્રાન્ડમલ્ટી પ્રોડકટસ પ્રદર્શનો વધુ સફળ થઇ રહ્યા છે.

૬ઠ્ઠી વાયબ્રન્ટ ગુજરાત સમિટના આયોજન માટે અભિનંદન આપતાં અને સફળતા માટે શુભકામનાઓ પાઠવતાં શ્રીમતી રીટા મેનને આ પ્રકારના આયોજનોમાં પુરતી મદદ અને સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

ગુજરાત રાજ્યના ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મહેશ્વર શાહુએ સ્વાગત ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોના આયોજન માટે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે ૧૮ મહિના પહેલાં સૌ પ્રથમ બેઠક યોજાઇ હતી ત્યારે જ તેમણે આ ટ્રેડ શોના ત્રણ આયામો વિષે સૂચનો આપી હતી અને એ જ પ્રમાણે આ ટ્રેડ શો ગુજરાતના સામાન્યમાં સામાન્ય નાગરિકો, યુવાનો, મહિલાઓ માટે ફળદાયી બની રહે, ઉદ્યોગકારોવેચાણકારો વચ્ચે લાંબાગાળાના જોડાણોની સંભાવના વધે તથા અતિઆધુનિક સંશોધનો અને ટેકનોલોજીનું આદાનપ્રદાન થાય તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે.

ગાંધીનગરમાં હેલીપેડ મેદાન અને ટાઉનહેાલ સંકુલમાં ૧ લાખ, ૬૦ હજાર ચોરસ મીટર વિસ્તારમાં કુલ ૧ લાખ, ૪ હજાર ચોરસમીટર વિસ્તાર કવર કરીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે તે વિષે જણાવતાં શ્રી મહેશ્વર શાહુએ જણાવ્યું હતું કે, વિદેશની ૯૦ કંપનીઓ સહિત કુલ ૧,૧૯પ કંપનીઓ, સંગઠનોએ આ ટ્રેડ શોમાં ભાગ લીધો છે. સૌ પ્રથમ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ વર્ષ ર૦૦૩માં અમદાવાદના ટાગોરહોલમાં યોજાઇ હતી, ત્યારે યોજાયેલા પ્રદર્શનમાં ૩૬ કંપનીઓએ ભાગ લીધો હતો. ર૦૧૧માં ૭ લાખ લોકોએ પ્રદર્શનનો લાભ લીધો હતો, જયારે આ વખતે ૧પ લાખ મુલાકાતીઓ આ પ્રદર્શનનો લાભ લેશે એવી સંભાવના છે.

આ પ્રકારના પ્રદર્શનોની શરૂઆત યુરોપથી થઇ હતી. અત્યારનો વિશ્વ પ્રસિદ્ધ એફિલ ટાવર આ પ્રકારના જ પ્રદર્શનના પ્રવેશદ્વાર તરીકે નિર્માણ પામ્યો હતો એમ કહીને ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ શ્રી મહેશ્વર શાહુએ જણાવ્યું હતું કે, આવા પ્રદર્શનોમાં જર્મની અત્યાર સુધી અગ્રેસર હતું, પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોથી એશિયાપેસિફીક દેશોએ વિશ્વનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે, તેમાં પણ સ્વાભાવિક રીતે ભારત અને ચીન જ આગલી હરોળમાં છે. ભારતમાં પણ ગુજરાત આવા આયોજનમાં નોંધપાત્ર સાબિત થઇ રહ્યું છે. તેમણે વધુને વધુ યુવાનો, મહિલાઓ, સામાન્ય નાગરિકોને તા. ૧૩મી જાન્યુઆરી સુધી ચાલનારા આ પ્રદર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.

મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દીપ પ્રગટાવીને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે પ્રદર્શનકારોની સૂચિકા( Exhibitors Directory)નું વિમોચન પણ કર્યું હતું. ૩૪૮ પાનાની આ ડિરેકટરીમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોમાં ભાગ લઇ રહેલા તમામ ઉદ્યોગકારો, વેપાર સંગઠનો અને સંસ્થાનોની વિગતવાર માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોના શુભારંભ પ્રસંગે ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ શ્રી વજુભાઈ વાળા, વરિષ્ઠ મંત્રીશ્રીઓ શ્રી નીતિનભાઈ પટેલ, શ્રીમતી આનંદીબેન પટેલ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી સૌરભભાઈ પટેલ, શ્રી રમણલાલ વોરા, શ્રી ગણપતભાઈ વાસાવા તથા મંત્રીમંડળના સભ્યો, મુખ્ય સચિવ શ્રી એ. કે. જોતિ તથા ઉદ્યોગગૃહોના પ્રતિનિધિઓ શ્રી પરિમલ નથવાણી, શ્રી ગૌતમભાઈ અદાણી, શ્રી પ્રશાંત રૂઇઆ, શ્રી સુધીર મહેતા, શ્રી રાજીવ મહેતા, શ્રી પ્રકાશ ભગવતી તથા રાજ્યના વરિષ્ટ ઉદ્યોગકારો, વેપારી સંગઠનોના પ્રતિનિધિઓ, અધિકારીઓ તથા નાગરિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Explore More
78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ

લોકપ્રિય ભાષણો

78મા સ્વતંત્રતા દિવસનાં પ્રસંગે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનાં સંબોધનનો મૂળપાઠ
In young children, mother tongue is the key to learning

Media Coverage

In young children, mother tongue is the key to learning
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
સોશિયલ મીડિયા કોર્નર 11 ડિસેમ્બર 2024
December 11, 2024

PM Modi's Leadership Legacy of Strategic Achievements and Progress