પ્રગતિશીલ ખેડૂતોના સંમેલન અને કૃષિ પ્રદર્શન મેળાનું ઉદ્ઘાટન
કૃષિ ક્રાંતિના એ બીજ ગુજરાતે વાવ્યા છે જેની ઉપજ ભવિષ્યની પેઢીઓને સમૃદ્ધ બનાવશે
ગુજરાતના આદિવાસીઓ રંગરંગીન ફૂલોની ખેતીમાં સમૃદ્ધ બન્યા છે
સાગરકાંઠે ઓર્ગેનિક અને ઓર્નામેન્ટલફીશની ખેતી સમૃદ્ધિની છોળ બિછાવશે
ગુજરાત એગ્રીકલ્ચર કમિશન રચાશે
કૃષિક્રાંતિના બીજ ભવિષ્યની સમૃદ્ધ ખેતીની ઉત્તમ સંભાવના છે
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે દક્ષિણ ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતોને રાજ્યની કૃષિક્રાંતિની સફળતા માટે ગૌરવરૂપ ગણાવ્યા હતા. રાજ્યની કિસાનશકિતનો પુરૂષાર્થ જ કૃષિ વિકાસ ક્ષેત્રે ગુજરાતની શાખ વધારી શક્યો છે, એમ નવસારીમાં યોજાયેલા ખેડૂત સંમેલનમાં તેમણે જણાવ્યું હતું.કૃષિક્રાંતિ માટેની સફળતામાં સરકાર અને કિસાનશકિતની બધીજ તાકાત કામે લાગી છે તેનો આ પરિપાક છે તેની ભૂમિકા આપી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના ખેડૂતોને સફળ ખેતી માટે પાણીને બદલે વીજળી મેળવવાના અવળા રવાડે ચઢાવીને કઇ રીતે બરબાદ થવું પડ્યું તેની પણ સમજ આપી હતી.
૫૩માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં ભાગ લેવા નવસારી આવી પહોંચેલા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કૃષિ યુનિવર્સિટી પરિસરમાં યોજાયેલા કૃષિ પ્રદર્શન મેળાનું નિરીક્ષણ કર્યું હતું. મેંગો ફેસ્ટીવલ ખુલ્લો મૂક્યો હતો અને રાજ્યના કૃષિક્રાંતિનું નેતૃત્વ કરી રહેલા પ્રગતિશીલ ખેડૂતોના સેમિનારને પ્રેરક સંબોધ કર્યું હતું.વિકાસના જનઆંદોલન અને વિકાસમા સૌની ભાગીદારીનો જે માર્ગ ગુજરાતે અપનાવ્યો છે તેનાથી જનજન સરકારની યોજનાઓ સાથે જોડાયો છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
કૃષિ ક્ષેત્રે ગુજરાતની સફળ કૃષિ વિકાસની સિદ્ધિઓના સફળ પ્રયોગો અને તેના નિદર્શનોની પ્રસ્તુતિ નિહાળવાનું ઇંજન તેમણે આપ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં કૃષિ વિકાસની અનેક સંભાવનાઓ પડેલી છે. કચ્છના રણમાં અને રેતાળ જમીનમાં પણ હવે ગુજરાતના ખેડૂતોના પસીનાએ નવા પ્રાણ પૂર્યા છે. રાજ્યના પ્રગતિશીલ ખેડૂતોએ જે પ્રયોગો ખેતીક્ષેત્રે કર્યા છે તેને અને કૃષિ યુનિવર્સિટી સાથે એગ્રોસ્કેનોલોજી અને સંશોધનની સફળતાની કૃષિ ક્ષેત્રે ક્રાંતિ કરી બતાવી છે. તેના મોડેલનો અન્ય કૃષિ નિષ્ણાતોએ અધ્યયન કરવાની જરૂર છે, એમ તેમણે જણાવ્યું હતું.કૃષિક્ષેત્રે ઉત્તમ સફળ પ્રયોગોમાં સહભાગી બનનારી બધી જ શકિતઓને ભેગી કરવાનું કામ કૃષિ મહોત્સવ દ્વારા થયું છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
“ખેતી માટે પાણી જોઇએ, વીજળી નહીં” એવું રાજ્યના ખેડૂતોને આ સરકારે જ પહેલી વાર સમજાવ્યું અને ખેડૂતોએ સહકાર કર્યો ત્યારથી ગુજરાતની કૃષિવિકાસયાત્રા આગળ વધતી જ રહી છે. રાજ્યના ખેડૂતોએ આ સરકારની વાત ઉપર ભરોસો મૂકીને પહેલા જળસંચય અને હવે ટપક સિંચાઇથી જળસિંચનની વાત પણ સ્વીકારી લીધી છે. ૪૦ વર્ષમાં માત્ર ૧૨૦૦૦ હેકટરમાં ડ્રીપ ઇરીગેશન માંડ થતું હતું. આ સરકારના દશ વર્ષના શાસનમાં ટપક સિંચાઇથી નવ લાખ હેકટર આવરી લેવાની ગુજરાતે પહેલ કરી છે.કૃષિક્રાંતિના બીજ ગુજરાતે વાવ્યા છે. જે આગામી સદીઓ સુધી ગ્રામ વિસ્તારની સમૃદ્ધિનો પાક લણી શકાશે એમ તેમણે ઉમેયું છે. આ સંદર્ભમાં ગુજરાત એગ્રીકલ્ચર કમિશન રચાશે તેવો સ્પષ્ટ નિર્દેશ મુખ્યમંત્રીશ્રીએ આપ્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, માત્ર કૃષિ ઉત્પાદન વૃદ્ધિ જ નહીં પણ કૃષિ ઉત્પાદકતા અને મૂલ્યવર્ધિત ખેતી માટે આ સરકારે ગામડાના ખેડૂતોના પરિશ્રમને પ્રોત્સાહિત કર્યા છે. ઓર્ગેનિક ખેતીનો મહિમા સમજાવતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જમીનની ગુણવત્તા ઉંચી આવે તે માટે સોઇલ હેલ્થ કાર્ડ માટે અમારી સરકારે ખેડૂતોને ભરોસો આપ્યો. આજે ખેડૂતો જ જમીનની તંદુસ્તીનું પરિક્ષણ કરવા લેન્ડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં પહોંચી જાય છે. દશ વર્ષમાં આ માનસિકતા બદલાઇ છે. ભણેલા ગણેલા મૂળ ખેડૂત પરિવારોના યુવાનો હવે શહેર છોડીને ઉત્તમ ખેતી માટે ગામડામાં પાછા આવે છે. કૃષિક્ષેત્રે દૂધડેરીઓને પડકાર કરે તેવા પ્રયોગો આ નવ શિક્ષિત કૃષિયુવાનો કરી રહયા છે ÖõÞõ આ સરકાર પ્રોત્સાહન આપશે, તેમ તેમણે જણાવ્યું હતું.કૃષિ મંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયા એ જણાવ્યું હતું કે, એક સમયે ૧૫ મી ઓગષ્ટ, ૨૬ મી જાન્યુઆરી, ૧ લી મે ની ઉજવણીઓ ગાંધીનગર પૂરતી સીમિત હતી પણ મુખ્યમંત્રીશ્રીની દિર્ધદ્ષ્ટિના કારણે આજે દરેક જિલ્લાઓને ઉજવણીઓનો લાભ મળતો થયો છે. નવસારી જિલ્લાને નવલી દુલ્હનની જેમ શણગારવવામાં આવ્યો છે.
દશ વર્ષ પહેલાના રાજયનું કૃષિ ઉત્પાદન માતબર માત્રામાં વધ્યું છે. આજે મગફળી, દિવેલા, કપાસ, જીરાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે. ૬૫ થી ૭૦ ટકા વસ્તી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતી હોય ત્યારે કૃષિનો વિકાસ કરવો અત્યંત જરૂરી છે. જેથી ગુજરાતના ખેડૂતો વધારેમાં વધારે આધુનિક ખેતી કરી વધુ ઉત્પાદન મેળવતા થાય તે દિશામાં પ્રયત્નો કરવામાં આવી છે. ૧૦ વર્ષ પહેલા રાજયમાં ૪ હજાર ચેકડેમો હતાં જયારે મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં આજે ૧.૫૦ લાખ જેટલા ચેકડેમોનું નિર્માણ થયું હોવાનું તેમણે ઉમેર્યુ હતું.
નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યોજાયેલ ઇનોવેટીવ ફાર્મર્સ ઘ્વારા અભિનવ કૃષિ પ્રયોગોનું એક વિશેષ પ્રદર્શન યોજાયું હતું.આ પ્રદર્શનમાં પ્રગતિશીલ ખેડૂતોએ કૃષિના અભિનવ પ્રયોગોથી મેળવેલ વિશિષ્ટ સિધ્ધિઓ કુલ ૩૦ વિભાગોમાંમાં રજૂ થઇ રહી છે.
અહી કેરીની ૧૦૦ જેટલી વિવિધ જાતોના ૧૦૦૦ નમુનાઓ અને ફુલોનું પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.
આ કેમ્પસમાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના વરદ્ હસ્તે રૂા.૨૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ વિશાળ પશુ ચિકિત્સાલયનું ઉદ્ઘાટન કરાયું હતું. આ પશુ ચિકિત્સાલયમાં રોજના ૭૦ જેટલા પશુઓની સારવાર કરાય છે.
આ ઉપરાંત રૂા.૨૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ૧૦૦ જેટલા અનુસ્નાતકના વિદ્યાર્થીઓ માટેની છાત્રાલયનું પણ લોકાર્પણ કરાયું હતું.આ ઉપરાંત અહી તા.૧/૫/૨૦૧૩ થી ૨/૫/૨૦૧૩ દરમ્યાન ખેડૂતો માટે હોર્ટિકલ્ચર મુલ્યવર્ધન, નફાકારક પશુપાલન, મત્સ્યપાલન, ડાંગર, શેરડી અને કપાસ માટેના વિશેષ સેમિનારનું આયોજન કરાયું છે.
નવસારી કૃષિ યુનિર્વસીટી કેમ્પસ ખાતે યોજાયેલ ‘ભુમિ વંદના’ કાર્યક્રમમાં આ વિસ્તારના કલાગુરૂ શ્રી જશુભાઇ નાયકના પુત્ર શ્રી હિતેન્દ્ર નાયક ઘ્વારા કેનવાસ ઉપર તૈયાર કરેલા મુખ્યમંત્રીશ્રીના ચિત્રને અર્પણ કર્યુ હતું.
આ ઉપરાંત મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે શાકભાજીના પાકો, મત્સ્યપાલન, સ્વાસ્થ અને પોષક આહાર, કૃષિલક્ષી યોજના અને સહાય, બાગાયતી પાકોની સમજણ સહિતનાં પાંચ પુસ્તિકાઓનું પણ લોકાર્પણ કરાયું હતું.
આ વિસ્તારની શ્રી કાવેરી સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીને રાજય સરકાર ઘ્વારા શેર કેપીટલ પેટે રૂા.૫.૫૫ કરોડનો ચેક ચેરમેન શ્રી શૈલેષભાઇ દેસાઇને અર્પણ કરાયો હતો.આ પ્રસંગે જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલ, વન અને પર્યાવરણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા, પાણી પુરવઠા રાજય મંત્રી શ્રી નાનુભાઇ વાનાણી, સાંસદ સર્વશ્રી સી.આર.પાટીલ, દર્શનાબેન જરદોશ, જયશ્રીબેન, ધારાસભ્યો સર્વશ્રી મંગુભાઇ પટેલ, પિયુષભાઇ દેસાઇ, આર.સી.પટેલ, તેમજ અન્ય જિલ્લાના ધારાસભ્યોશ્રીઓ, શહેર અને જિલ્લાના અગ્રણીઓ, પદાધિકારીશ્રીઓ, મુખ્ય સચિવ શ્રી વરેશ સિંહા, ગૃહ સચિવ શ્રી એસ.કે.નંદા, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સચિવ શ્રી ભાગ્યેશ જહાં સહિત અન્ય સનદી અધિકારીશ્રીઓ, જિલ્લા કલેકટર શ્રી જયપ્રકાશ શિવહરે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.એમ.પટેલ, કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ.એ.આર.પાઠક, ખેડૂત ભાઇબહેનો અને જિલ્લાવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતાં.