સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદા આધારિત પાઇપલાઇનોની વોટરગ્રીડની યુધ્ધના ધોરણે થઇ રહેલી કામગીરી
અઢી મહિનામાં ધ્રાંગધ્રા કેનાલથી રાજકોટ સુધીની પાણી પૂરવઠા પાઇપલાઇન પૂરી કરી નિર્ધારિત ધોરણે આજથી વધારાનો પાણી પૂરવઠો શરૂ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદા આધારિત વોટરગ્રીડ પ્રોજેકટ દ્વારા જૂદાજૂદા જિલ્લાઓ અને શહેરોમાં પાણી પૂરવઠો પહોંચાડવા માટે યુધ્ધના ધોરણે ચાલી રેહલી કામગીરીની આજે ઉચ્ચસ્તરીય બેઠકમાં સમીક્ષા કરી હતી.
વિધાનસભાની ચૂંટણીના કારણે આચાર સંહિતાનો અમલ કરવાના ચૂંટણીપંચના આદેશો અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટેના નિર્ધારિત સમયપત્રકનો અમલ કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ શહેરની જનતાને ખાતરી આપી હતી કે ચૂંટણીનું મતદાન ગુજરાતમાં પુરૂં થતાં જ નર્મદા આધારિત કેનાલના પાઇપલાઇનથી વોટરગ્રીડ દ્વારા નિર્ધારિત ધોરણે પાણી પૂરવઠો આપવાનો શરૂ કરાશે. આજની બેઠકમાં એવી માહિતી આપવામાં આવી હતી કે ગત ચોમાસામાં અપૂરતા વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં, નર્મદા કેનાલની પાઇપલાઇનનું કામ યુધ્ધના ધોરણે પુરૂં કરવાના સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલોના જૂદા જૂદા કામો માટે મંત્રીમંડળની પેટા સમિતિએ ઓગસ્ટર૦૧રમાં સમયપત્રક તૈયાર કર્યું હતું. તદ્અનુસાર માત્ર સાડા ચાર મહિનામાં જ વિવિધ વિસ્તારોની પાઇપલાઇનો નાંખીને સૌરાષ્ટ્ર અને કચ્છના એકંદરે ૯૭૧ ગામો અને ર૧ શહેરોનો ઉમેરો કરીને નર્મદાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે. રાજકોટ શહેરને આજથી નર્મદાનો ૧૪ કરોડ લીટરનો પાણી પૂરવઠો શરૂ થઇ ગયો છે.
આ બેઠકમાં નાણા મંત્રીશ્રી વજૂભાઇ વાળા, જળસંપત્તિ મંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, કૃષિમંત્રીશ્રી દિલીપભાઇ સંઘાણી, ઊર્જા રાજ્યમંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, પાણી પૂરવઠા રાજ્યમંત્રીશ્રી પરબતભાઇ પટેલ, કૃષિ રાજ્યમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયા, મુખ્ય સચિવશ્રી એ. કે. જોતિ, પાણી પૂરવઠાના અગ્ર સચિવશ્રી ડો. રાજીવકુમાર ગુપ્તા, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવશ્રી કે. કૈલાસનાથન, શહેરી વિકાસ અગ્ર સચિવશ્રી આઇ. પી. ગૌતમ, સરદાર સરોવર નર્મદા નિગમના મેનેજિંગ ડિરેકટરશ્રી એસ. જગદિશન, શ્રી એસ. કે. હૈદર અને સચિવશ્રી મહેશસિંઘ ઉપસ્થિત હતા.મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના મળીને આઠેય જિલ્લાઓના ગામ અને શહેરી વિસ્તારોમાં નર્મદાની બ્રાન્ચ કેનાલો આધારિત પાઇપલાઇનોના કામો યુધ્ધના ધોરણે પૂરા કરી, અગ્રતાના ધોરણે નર્મદાનો પાણી પૂરવઠો પહોંચાડવામાં સમયપત્રક કરતાં પણ પહેલાં કામો પૂરા થાય તેવી આપણી નેમ છે.
બેઠકમાં જણાવવામાં આવ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના હાલ પપ૮૮ ગામો અને ૭૯ શહેરો નર્મદા આધારિત પાઇપલાઇનથી જોડીને તેમજ સ્થાનિક પાણી પૂરવઠા યોજનાઓ અમલી બનાવીને પાણી પુરવઠા વિભાગે કામગીરી કરેલી છે. નર્મદા આધારિત વોટરગ્રીડની કામગીરીની બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં માળીયા કેનાલમાં હેડવર્કસથી રાજકોટ, જામનગર અને પોરબંદર જિલ્લાના મળી ૧૦૪પ ગામો અને ર૩ શહેરોને ૩૬ કરોડ લીટર પ્રતિદિન પાણી પૂરવઠો, માળિયા હેડવર્કસથી કચ્છ જિલ્લામાં ૮૦૧ ગામો અને ૮ શહેરોને પ્રતિદિન ૧૯ કરોડ લીટર, નાવડા હેડવર્કસથી ભાવનગર, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લાઓના મળી ર૩રપ ગામો અને ૩૮ શહેરોને પ્રતિદિન ૧૭ કરોડ લીટર, સાદુલકા (ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ)થી મોરબી સુધીની પાઇપલાઇન યુધ્ધના ધોરણે નાંખીને રાજકોટ અને જામનગર જિલ્લાઓના ૧૦૪પ ગામો અને ર૩ શહેરોને વધારાના પીવાના પાણીનો જથ્થો ઉપલબધ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના પાંચદેવડાથી આગળ ૬૦૬ ગામો અને ૧૪ શહેરો જોડીને ખંભાળીયા તથા કલ્યાણપુરને પાણી પહોંચાડયું છે. ધોળીધજા ડેમથી થાનગઢરતનપર સુધીની પાઇપલાઇન માટે ડેમમાંથી પમ્પીંગ કરીને વધારાનું આઠ કરોડ લીટર પાણી આપવાની કામગીરી યુધ્ધના ધોરણે પૂરી કરાશે.
નાવડા હેડવર્કસ પમ્પીંગ સ્ટેશનોની ક્ષમતા વધારીને ઓગસ્ટર૦૧રમાં ૩પ કરોડ લીટર પાણી વહન થતું હતું તે વધારીને ૪૪ કરોડ લીટર કરવામાં આવ્યું છે અને એપ્રિલ સુધીમાં તો વિશાળ પંપીંગ સ્ટેશન પૂર્ણ થતા ૬૦ કરોડ લીટર પાણી પૂરવઠો અપાશે. આમ ઓગસ્ટ મહિનામાં કુલ પાણીનો જથ્થો ૭૦ કરોડ લીટર હતો તે નર્મદાની પાઇપલાઇનો યુધ્ધના ધોરણે આગળ વધારીને ૧પ કરોડ લીટર વધારો કર્યો છે અને હાલ નર્મદામાંથી કુલ ૧૦૦ કરોડ લીટર પ્રતિદિન તથા અન્ય સ્થાનિક સ્ત્રોત મળી કુલ ૧૬૩ કરોડ લીટર પ્રતિદિન પાણી પુરૂ પાડવાનું કાર્ય સુવિધિત ધોરણે આગળ વધી રહયું છે. બેઠકમાં સ્વર્ણિમ સૌરાષ્ટ્ર કચ્છ વોટરગ્રીડના તમામ કામોની પ્રગતિની સમીક્ષા પણ કરવામાં આવી હતી.મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં મળેલી સૌરાષ્ટ્ર અને કચ્છની નર્મદા આધારિત વોટરગ્રીડના કામોની આ સમીક્ષામાં પાણીની ચોરી અટકાવવા માટેના અસરકારક પગલાં અને “સૌની” યોજના દ્વારા સૌરાષ્ટ્ર નર્મદા અવતરણ ઇરિગેશન યોજના અંગે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો.
સૌરાષ્ટ્ર અને કચ્છના આઠેય જિલ્લાઓ માટે નર્મદા આધારિત વોટરગ્રીડના કામો જે રીતે યુધ્ધના ધોરણે આગળ વધી રહયા છે તેને વહેલામાં વહેલી તકે પૂરા કરવા મુખ્યમંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.