સ્વામિ વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ
ગુજરાતના લાખો યુવાનોને હુન્નર કૌશલ્યવાન બનાવવાનું અભિયાન
રાજ્યની આ સરકારે ગુજરાતના યુવાનોની કારકિર્દી ઘડવાનું મિશન ઉપાડયું છે
આઇ.ટી.આઇ. અને રોજગાર કચેરીઓનું આખુ કલેવર બદલી નાંખ્યું છે
અમદાવાદ ઝોનના છ જિલ્લાઓના યુવાનોને ખાનગી ક્ષેત્રમાં રોજગારીના ૧૩૩૮૦ નિયુકિતપત્રો એનાયત
એકજ સપ્તાહમાં ૬૫૦૦૦ યુવાનોની રોજગાર નિયુકિત
ચાર ઝોનમાં રોજગાર નિયુકત અભિયાન
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં, રોજગાર કચેરીઓ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું આખેઆખું કલેવર બદલી નાંખવાનું મિશન ગુજરાત સરકારે ઉપાડયું છે અને રાજ્યના લાખો યુવાનો કૌશલ્યવાન બને તે માટે હુન્નર-રોજગારની તાલીમનું વ્યાપક ફલક વિકસાવ્યું છેમુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે સ્વામી વિવેકાનંદ યુવા રોજગાર સપ્તાહ દરમિયાન રાજ્યના ૬૫૦૦૦ યુવાનોને રોજગાર નિયુકિતપત્રો એનાયત કરવાના અભિયાન અન્વય આજે ત્રીજા ચરણમાં અમદાવાદ ઝોનના છ જિલ્લાઓના ૧૩૩૮૦ યુવાનોને ખાનગી નોકરીદાતાઓ તરફથી નિયુકિતપત્રો એનાયત કર્યા હતા. આ અગાઉ રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના ૮ જિલ્લાઓના ૧૩૦૭૯ યુવાનો અને વડોદરાતમાં મધ્ય ગુજરાત ઝોનના છ જિલ્લાઓના ૧૩૨૨૯ યુવાનોને નિયુકિતપત્રો મુખ્યમંત્રીશ્રીએ આપ્યા હતા. આવતીકાલે સુરતમાં દક્ષિણ ગુજરાતના ૬ જિલ્લાના ૨૫૩૧૨ યુવાનોને પણ રોજગાર નિયુકિતપત્રો અપાશે.
રાજ્યના યુવાનની શકિતને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં ભાગીદાર બનાવવા માટે યુવાનોના હુન્નર-કૌશલ્ય, ચારિત્ર અને કારકિર્દી ઘડતર માટેના પાયાના એકમોને પ્રાથકિતા આપવાનું અભિયાન રાજ્ય સરકારે ઉપાડયું છે તેની ભૂમિકા આપી જણાવ્યું કે આઇ.ટી.આઇ.ની ઔદ્યોગિક તાલીમના આખા ક્ષેત્રમાં કાયાકલ્પ કરી દીધો છે. આઇ.ટી.આઇ.નું ક્ષેત્ર એટલુ ઉપેક્ષિત હતું કે તેમાં તાલીમ લેનારા યુવા ઉમેદવારોને નાનમ લાગતી હતી. સમાજ પણ ઉપેક્ષિત ભાવ રાખતો હતો પરંતુ દશ વર્ષમાં આ.ટી.આઇ.નું કલેવર બદલીને નવી ગરિમા આપી છે.
આ જ રીતે રાજ્ય સરકારના શ્રમ-રોજગાર વિભાગની સ્થિતિ પણ ઉપેક્ષિત હતી. આજે શ્રમ અને રોજગાર વિભાગ યુવાનોને રોજગારી અને હુન્નર રોજગાર-તાલીમના ક્ષેત્રે પ્રાણવાન - જાનદાર બની ગયો છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
આઇ.ટી.આઇ.ના ભવનો અને માળખાકીય સુવિધાઓની આધુનિકતા એવી ઉંચાઇ ઉપર પહોંચાડી છે કે ભારત સરકારે પણ તેને મોડેલ તરીકે સ્વીકારવા ભલામણ કરી છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આઇ.ટી.આઇ.ની તાલીમમાં ટેકનીકલ સ્કીલ ડેવલપમેન્ટને પ્રાધાન્ય આપીને હાઇટેક હુન્નરો અને ઉદ્યોગોની આધુનિક જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્યનું સંવર્ધન કરવાનું આખુ ફલક રાજ્યમાં આઇ.ટી.આઇ. નેટવર્ક દ્વારા વિકસાવ્યું છે. દશ વર્ષ પહેલા રાજ્યમાં માત્ર ૨૭૪ આઇ.ટી.આઇ.માં ૭૭૦૦૦ યુવાનો તાલીમ મેળવતા હતા. અત્યારે ૧૧૦૦ કૌશલ્ય-તાલીમની સંસ્થાઓમાં પોણાપાંચ લાખ યુવાનો આઇ.ટી.આઇ. કોર્સમાં સ્કિલ ડેવલપમેન્ટ મેળવે છે.
પરંપરા હુન્નર કૌશલ્યના તાલીમ-કારીગરીમાં આમૂલ પરિવર્તન લાવી દીધું છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ડ્રાઇવીંગની આધુનિક તાલીમ પણ ઓટોમેશન સ્ટીમ્યુલેટર્સના કોર્સથી અપાય છે જે એવા સમાર્થ્યવાન ડ્રાઇવરો તૈયાર કરે છે જેની પાસે રોડ સલામતીનું જ્ઞાન છે. ઉત્તમ ડ્રાઇવરો તૈયાર કરવાથી લઇને બાંધકામ-નિર્માણ ક્ષેત્રે હાઇટેક કન્સ્ટ્રકશન ટેકનોલોજીનું હુન્નર-કૌશલ્યનું પ્રશિક્ષણ આપવા સુધી આઇ.ટી.આઇ.ને સુસજ્જ બનાવી છે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.
યુવાનોને ‘શ્રમ' મહેનતનો મહિમા સ્વીકારવા અને નકારાત્મક માનસિકતા છોડવાની અપીલ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આઇ.ટી.આઇ. ઉત્તિર્ણ ઉમેદવારોના વ્યકિતત્વનું ઘડતર ગૌરવરૂપ બનાવ્યું છે. દેશના ઘડતરમાં પણ તેનું યોગદાન વ્હાઇટ કોલર જોબ કરનારા કરતા સ્હેજે ઓછું નથી. હવે રાજ્ય સરકારે આઇ.ટી.આઇ. કોર્સ સફળ રીતે પૂર્ણ કરનારા યુવાનો માટે ઉચ્ચ શિક્ષણના દરવાજા ખોલી નાંખ્યા છે અને આઇ.ટી.આઇ. પાસ પણ યુનિવર્સિટી-કોલેજમાં જઇ શકશે. દસમા ધોરણ અને બારમા ધોરણની બોર્ડની પરીક્ષા આપ્યા વગર પણ આઇ.ટી.આઇ. પાસ ડિપ્લોમા અને ત્યારબાદ ડિગ્રી ઇજનેરીમાં ભણી શકશે એમ તમેણે જણાવ્યું હતું.
આ સરકારે ગુજરાતના યુવાનોનો કારકિર્દીના ઘડતરનું અભિયાન ઉપાડયું છે અને તેના જીવનમાં બદલાવ લાવવા, તેના સપના પૂરા કરવાનું મિશન ઉપાડયું છે. ગુજરાતમાં ખાનગી ક્ષેત્રે પારદર્શિતા ધોરણે રોજગારીની નિમણૂંકનો આંક એક લાખને વટાવી જશે. એટલું જ નહીં, સોલાર ઉર્જા, ટપક સિંચાઇ જેવા જળ સંચયના કામોમાં પણ ગુજરાતના હુન્નરબધ્ધ યુવાનોને મોટા પાયા ઉપર રોજગારી મળશે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
૨૧મી સદીના પ્રારંભમાં જ સ્વામિ વિવેકાનંદે યુવાનોને લલકારતા જે સપનું જોયેલું તે સાકાર કરવા રાજ્યની યુવાશકિતને કૌશલ્યવાન બનાવવાનું મિશન આ સરકારે ઉપાડયું છે. જે હિન્દુસ્તાનને વિશ્વગુરૂ બનાવવા યુવાશકિતને નેતૃત્વ લેવાની પ્રેરણા આપશે એમ પ્રેરક માર્ગદર્શન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
શ્રમ અને રોજગાર મંત્રી શ્રી વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, યુવાનોની તાકાનો વિકાસ થાય તે માટે મુખ્યમંત્રીશ્રી અથાગ પ્રયાસો કરી રહ્યા છે. રાજ્યની આઇ.ટી.આઇ. તેમજ કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં ૧૮૦ પ્રકારના તાલીમ-શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. સ્વામિ વિવેકાનંદજીનું નામ નરેન્દ્ર દત્ત હું અને તેઓ ભારતના યુવાનોમાં જોમ-જુસ્સો ભરી દેતા હતા અને મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી પણ ગુજરાતનો એક એક યુવા નરેન્દ્ર દત્ત બને તે માટે તેવા વિચાર સાથે કામ કરી રહ્યા છે.
શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શ્રી લીલાધરભાઇ વાઘેલાએ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પ્રકારના રોજગાર મેળાઓ યોજનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યમાં વિકાસ દ્વારા રોજગારીનું નિર્માણ કરી ગરીબી દૂર કરવાનો ભગીરથ પ્રયાસ છે જેમાં ગ્રામ્યકક્ષાએ કૌશલ્યવર્ધન કેન્દ્રો પણ શરૂ કરવામાં આવેલ છે.
શ્રમ અને રોજગાર અગ્ર સચિવ શ્રી પી.પનીરવેલે જણાવ્યું હતું કે, વાયબ્રન્ટ ગુજરાત જેવા કાર્યક્રમોના કારણે ગુજરાતે ઝડપી વિકાસ આપ્યો છે. ગુજરાતની કુશળ માનવબળની જરૂરીયાત પૂર્ણ કરવા આઇ.ટી.આઇ.માં બેઠકો વધારવામાં આવી છે તેમજ નોકરીદાતાઓનો રૂબરૂ સંપર્ક કરી રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે શ્રમ અને રોજગાર અગ્ર સચિવ શ્રી પી.પનીરવેલે સ્વાગત પ્રવચનમાં રાજ્યમાં યુવાનો માટે ઉપલબ્ધ રોજગારી ની તકો અને શરૂ કરવામાં અવેલ ઉદ્યોગ આધારીત અભ્યાસક્રમોની વિગતો આપી શરૂ કરવામાં આવેલ ડિપ્લોમાં અને આઇ.ટી.આઇ. અભ્યાસક્રમો વિગતો આપી હતી.
રોજગાર અને તાલીમ નિયામક સોનલ મિશ્રાએ યુવાનોને ગુજરાતમાં આવનાર દિવસો ઉદ્યોગોને જરૂર પડનાર રોજગારી વિષે જણાવ્યું હતું.
આ સમારોહમાં મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો તથા યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.