ગુજરાતમાં ભાજપાની નવી સરકારનું પહેલું બજેટ જનતાને આપેલા અનેક વચનોની પૂર્તિની પહેલ કરી છે
બારમી યોજનાના અમલમાં ભારતના વિકાસ માટે ગુજરાતનો સિંહફાળો
ગુજરાત બજેટના ૬પ ટકા વિકાસ પાછળ ખર્ચે છે જ્યારે કેન્દ્ર સરકાર ૩પ ટકા જ વિકાસમાં ખર્ચ કરે છે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ગુજરાતના સને ર૦૧૩-૧૪ના અંદાજપત્રની વિશેષતા સંદર્ભમાં જણાવ્યું હતું કે ભાજપાની નવી સરકારના પાંચ વર્ષનું આ પહેલું બજેટ છે અને પહેલા વર્ષમાં જ જનતા જનાર્દન સમક્ષ મૂકેલા સંકલ્પોની પૂર્તિ કરવાની પહેલ કરી છે. બારમી પંચવર્ષીય યોજના શરૂ થઇ છે અને ગુજરાતે વિકાસના ક્ષેત્રે જે હરણફાળ ભરી છે, અનેકવિધ સિધ્ધિઓ મેળવીને દેશ અને દુનિયાનું ધ્યાન ગુજરાત ઉપર કેન્દ્રીત કર્યું છે તે સંદર્ભમાં ગુજરાતની નવી સરકારનું આ પ્રથમ બજેટ રાજ્યને વિકાસની ઉંચાઇ ઉપર લઇ જવાની સાથોસાથ દેશના વિકાસમાં પણ સિંહફાળો આપશે એમ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું.આગામી પાંચ વર્ષમાં ગુજરાતને નવી ઊંચાઇ ઉપર લઇ જવાની પ્રતિબધ્ધતા સાથે આવતીકાલની સમૃધ્ધિ અને સુખાકારી માટેનો મજબૂત પાયો આ બજેટમાં સુવિચારિત ધોરણે વ્યેકત થયો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સરકાર અને ભારત સરકારના વિકાસલક્ષી બજેટના અભિગમની તુલના દર્શાવી હતી. એમણે જણાવ્યું કે કેન્દ્રા સરકારના બજેટમાં કુલ અંદાજપત્રના ૩પ ટકા જ વિકાસમાં ખર્ચ થાય છે જ્યારે ૬પ ટકા વહીવટ અને વ્યવસ્થામાં વપરાઇ જાય છે.એની સરખામણીમાં ગુજરાતના બજેટના કુલ ૬પ ટકા વિકાસ માટે ખર્ચ કરવામાં આવે છે અને માત્ર ૩પ ટકા જ વ્યવસ્થા પાછળ ખર્ચાય છે. આમ ગુજરાતના બજેટનો રૂપિયો વિકાસના ઉચિત ઉપયોગ માટે વપરાય છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે અને દેશના યુવાનોને વિકાસની સાથે જોડવા માટેના અવસરો મળવા જોઇએ. નવી સરકારના ગુજરાતના બજેટમાં યુવાશકિતને વિકાસની શકિત સાથે જોડવાના અનેકવિધ નવા અવસરો પૂરા પાડવામાં આવ્યા છે.સમાજની મહિલાઓના આર્થિક સશકિતકરણ અને આરોગ્ય તથા શિક્ષણના વિકાસ માટેની મહત્વની જોગવાઇઓ અને કલ્યાણ કાર્યક્રમો વિશે નિર્દેશ આપતા શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે ગુજરાતે આરોગ્યની ઉત્તમ સેવાઓ ગરીબ માનવીને મળી રહે એવી સ્વાસ્ય્તા -સુખાકારીનું ફલક વિકસાવ્યું છે. કુપોષણ સામે જનશકિત ઊજાગર કરીને લડાઇ શરૂ કરી છે.
ગુજરાતમાં મુખ્યત્વે નાના અને સિમાન્તટ ખેડૂતોની ઘણી મોટી સંખ્યા છે અને ટપક સિંચાઇ-સૂક્ષ્મ જળસિંચન પ્રત્યે તેમને પ્રેરિત કરી ઉત્પાદન વધારવા માટે માઇક્રો ઇરિગેશનને કરવેરામાંથી સંપૂર્ણ માફી આપી છે. ખેડૂતોને વીજળીના જોડાણો માટેની સુવિધા ઉપલબ્ધ કરી છે અને ગામડાં તથા શહેરોના સંતુલિત માળખાકીય સુવિધા માટેની જોગવાઇઓ કરી છે.નવોદિત મધ્યેમ વર્ગની વિકાસની અપેક્ષાઓની પૂર્તિ માટે પણ આ બજેટ નવા અવસરો આપે છે એમ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાતની નવી સરકારનું આ પ્રથમ બજેટ વિશ્વમાં ગુજરાતના વિકાસનાં સામર્થ્યની અનુભૂતિ કરાવનારૂં અને સામાન્ય માનવીમાં નવો વિશ્વાસ પેદા કરનારૂ છે.