અષાઢસ્ય પ્રથમ દિવસે : ત્રિદલમ્ - ૨૦૧૨
મંચ પર બિરાજમાન મંત્રીમંડળના મારા સાથી શ્રી ફકીરભાઈ વાઘેલા, શ્રી જયસિંહભાઈ ચૌહાણ, આજે જેમનું સન્માન થયું એવા સંસ્કૃત અને સંસ્કૃતિને સમર્પિત સર્વે મહાનુભાવો, ઉપસ્થિત સંસ્કૃતપ્રેમી નાગરિક ભાઈઓ-બહેનો અને સંસ્કૃત પ્રત્યે પૂરી શ્રદ્ધા સાથે જીવનની નૌકા ચલાવવાનો નિર્ધાર કરનાર સૌ વિદ્યાર્થી મિત્રો..!
કમનસીબે આપણા દેશમાં બારસો વર્ષની ગુલામીના કાર્યકાળનો પ્રભાવ એટલો બધો રહ્યો છે કે જેના કારણે આપણી પાસે કેવી શ્રેષ્ઠ વિરાસત પડી છે, માનવજીવનને આજના યુગમાં પણ ઉપકારક થાય એવી કેટલી બધી વાતો આપણી પાસે ઉપલબ્ધ છે અને સંસ્કૃત પ્રત્યેની ઉપેક્ષાને કારણે, અજ્ઞાનને કારણે એ આખોય ખજાનો હજુ એમને એમ માનવજાતની સેવા કરવા માટે પ્રતીક્ષા કરી રહ્યો છે. અનેક સંકટોનો સામનો કરવો હોય તો આપણા પૂર્વજોએ જીવનમાં સંબંધિત બધા જ શાસ્ત્રોને એ યુગમાં પોતાની રીતે અધ્યયન કરીને, સંશોધન કરીને, ઋષિઓએ - મુનિઓએ, જે એ યુગના વૈજ્ઞાનિકો હતા, એ યુગના વૈજ્ઞાનિકોએ આપણને એક અખૂટ વારસો આપેલો છે. પણ જ્યાં સુધી એના પ્રત્યે આપણને ગૌરવ ન થાય, ત્યાં સુધી એના તરફ જોવાનો દ્રષ્ટિકોણ બનતો નથી.
બીજી બાજુ, જીવનની બધી ગતિવિધિ અર્થ સાથે જોડાયેલી હોય છે. આ અતૂટ ભંડાર હોય, અમૂલ્ય ભંડાર હોય, અખૂટ ભંડાર હોય, પણ જો જીવનના અર્થ વિભાગ સાથે એનો નાતો ન જોડી શકીએ તો કોણ એના માટે પ્રયાસ કરશે, આ એક સમસ્યા બનતી હોય છે. અને તેથી સમાજમાં એવી એક રચનાની પણ જરૂરિયાત પડે કે જેમાં સંસ્કૃતને સમર્પિત જીવન હશે તો એને ક્યારેય ભૂખે મરવાનો વારો નહીં આવવા દઈએ, એને પણ અન્ય શાસ્ત્રોના જાણકારની જેમ જીવન વિકાસ માટે પૂરતો અવસર મળશે. આજ આપણા પૂર્વજોના શાસ્ત્રો પૈકીનું એક શાસ્ત્ર જ્યોતિષ, અને એનો અર્થ સાથે બરાબર સંબંધ જોડાઈ ગયો છે..! અચ્છા અચ્છા લોકો લાઈનમાં ઊભા હોય. પોતાની જાતને મહાન નિરીશ્વરવાદી કહેતા હોય, આ દેશની સંસ્કૃતિને - પરંપરાને જેટલું ભાંડી શકાય એટલું ભાંડતા હોય, એ લોકોય ત્યાં લાઈનમાં જઈને ઊભા રહ્યા હોય અને ગમે તેટલી ફી લેવાતી હોય, એ આપતા હોય. એમાં એમને વાંધો નથી પડતો, કારણ એમાં એમના નિહિત સ્વાર્થની પૂર્તિની કોઈ સંભાવનાઓ દેખાય છે. જો સંસ્કૃતનો આ એક ભાગ આજના યુગમાં પણ જો રેલેવન્ટ હોય અને સંસ્કૃતનો આ એક હિસ્સો આજે પણ લોકોને આર્થિક કારણસર જોડતો હોય, તો એવા બીજા પણ ઘણા બધા ભાગો હોય કે જેને જોડી શકાય.
હવે આજે નાસા અવકાશની દિશામાં ઘણા બધાં કામ કરતું હોય, પણ આપણા પૂર્વજોએ પણ અવકાશ શાસ્ત્રમાં ખૂબ બધું કામ કર્યું છે. એ બંનેનો તાલમેલ કરવા માટેનો જો ઇનિશ્યેટીવ હિંદુસ્તાનનો હોય તો પછી આપણા પૂર્વજોએ આપેલું જ્ઞાન, આજનું વિજ્ઞાન, એમાં આ ટેક્નોલૉજી અને એમાં આ ઍસ્ટ્રૉનૉટ્સ જોડાય તો હું ચોક્કસ માનું છું કે કદાચ વિશ્વને નવું આપવાનું સામર્થ્ય આપણામાં ઊભું થાય. આજે વિજ્ઞાન જે બાબતો કહે છે ગ્રહોની પ્રદક્ષિણા બાબતમાં, સૂર્ય-પૃથ્વીની ગતિવિધિ બાબતમાં, એક ગ્રહથી બીજા ગ્રહના ડિસ્ટન્સ બાબતમાં... આ બધી જ બાબતો આપણા પૂર્વજોએ એ વખતે એમના શાસ્ત્રોના આધારે આજેપણ લિપીબદ્ધ કરીને મૂકેલી છે. હજાર વર્ષ પહેલાં કહેલું હશે કે બે હજાર વીસમાં ફલાણી તારીખે, ફલાણો ગ્રહ, ફલાણી જગ્યાએ હશે અને આ પ્રકારનું ગ્રહણ થવાનું છે કે આ પ્રકારનું ગ્રહણ આટલી મિનિટ રોકાવાનું છે... આ બધી જ બાબતો ઉપલબ્ધ છે અને એમાં ક્યાંય કોઈ ડિસ્પ્યૂટ નથી. એનો અર્થ એ થયો કે આ ભાષામાં ધરબોળાયેલું જે કંઈ શાસ્ત્ર છે, એ શાસ્ત્ર વિજ્ઞાનની કસોટીએ ખરું ઊતરેલું શાસ્ત્ર છે.
અનેક વિદ્વજનો એમ કહે છે આજનું કોમ્પ્યુટર, જેણે જીવનની ઘણીબધી બાબતોમાં એણે મનુષ્યના એક અંગ તરીકે જગ્યા લઈ લીધી છે, પણ કોમ્પ્યુટરને સૌથી કોઈ અનુકૂળ ભાષા હોય તો એમ કહે છે કે તે સંસ્કૃત ભાષા છે. અગર આપ વિચાર કરો આપણને ઘણીવાર આઘાત લાગે કે આપણા દેશમાં રેડિયો આવ્યો, પણ રેડિયો પર સંસ્કૃતમાં સમાચાર સંભાષણ નહોતું થતું. આપણા દેશમાં ટી.વી. આવ્યું, પણ ટી.વી.માં સંસ્કૃત સમાચાર નહોતા. જગતમાં પહેલી વાર સંસ્કૃત સમાચાર જર્મનીમાં આવતા હતા, જર્મનીમાં. પછી હિંદુસ્તાનના લોકોને લાગ્યું કે ત્યાં સંસ્કૃત સમાચારો બોલાય છે, તો આપણા દેશમાં કેમ નહીં? અને પછી આપણે ત્યાં આવ્યું..! એટલે મને એમ લાગે છે કે એકવાર આપણી સંસ્કૃત ભાષા વાયા અમેરિકા જો લટાર મારીને આવી, તો સાહેબ આપણા દેશમાં શીરાની જેમ ગળે ઊતરી જશે લોકોને..! કારણકે આપણે ત્યાં જરા ફોરેન રિટર્ન હોય તો જોવાનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. પણ આની જે તાકાત, આનું જે મહાત્મ્ય છે, એ મહાત્મ્યનું ગૌરવ થાય. અને તમે જોયું હશે કે આપણામાંથી કોઈ સંસ્કૃતના પંડિત ન હોઈએ તો પણ આ જે ભાષણ થયાં, ગુજરાતીમાં થયાં હોય અને જે રીતે સમજીએ, એમ બધાને સમજણ પડતી હતી. બધા તાલી પાડવાની હોય ત્યાં જ તાલી પાડતા હતા, કોઈ મોડા નહોતા પાડતા. એનો અર્થ કે આપણને એમાં પોતાપણાનો ભાવ થાય છે અને આપણને થાય એવું નહીં, આસામનો નાગરિક અહીં બેઠો હોતને તો એણે પણ તાલી એવી રીતે જ પાડી હોત, કેરલનો નાગરિક બેઠો હોત તો એણે પણ એટલા જ ભાવથી પાડી હોત, તમને સમજવામાં જેટલો સમય લાગ્યો એટલી જ ફ્રેક્શન્ ઑફ સેકન્ડમાં એણે પણ સમજી લીધું હોત એનો અર્થ એ થયો કે આપણને બધાને ભાવાત્મક રીતે જોડવાની તાકાત આનામાં પડેલી છે. આ ભાવાત્મક બંધનોથી બાંધવાનું જે સામર્થ્ય છે ને એ મહામૂલી મૂડી છે મિત્રો, મહામૂલી મૂડી છે.
હવે આપણે એ પણ જોઈએ કે બારસો વર્ષના ગુલામીના કાલખંડમાં આ ભાષાના વિકાસ માટે અવસર ન મળ્યો, જે કંઈ પ્રયત્નો થયા એ એનું રક્ષણ કરવા માટેના થયા, જે પણ જીવનો ખપ્યાં એ એનું રક્ષણ કરવા માટે ખપ્યાં છે. બારસો વર્ષના ગાળાના ગૅપ પછી પણ જે ભાષા આજે પણ સ્તુત્ય હોય, જો બારસો વર્ષ દરમિયાન એનો ક્રમિક વિકાસ થયો હોત તો કદાચ આજે વિશ્વમાં કઈ ઊંચાઈએ આ ભાષા હોત..! હિસાબ લગાવીએ તો ક્યાં જઈને ઊભો રહે? તો બારસો વર્ષના ગૅપ પછી પણ આટલું જ રેલેવન્સ હોય એનું, આ ઘટના નાની નથી. એનો અર્થ એ કે એનામાં કાંઈક તો ઓજ અને તેજ પડ્યાં હશે, અંતર્નિહિત કોઈ ચેતનતંત્ર તો પડ્યું જ હશે કે જેના કારણે આજે પણ એના સામર્થ્યથી આપણે અભિભૂત થઈ શકતા હોઈએ અને જો માનવ જાતનું દુર્ભાગ્ય, હું માનું છું માનવજાતનું દુર્ભાગ્ય, માત્ર હિંદુસ્તાનનું નહીં, માનવજાતનું પણ દુર્ભાગ્ય ન હોત અને બારસો વર્ષ દરમિયાન એણે એનો ક્રમિક વિકાસ કર્યો હોત તો આજે જગતની ઘણીબધી સમસ્યાઓનાં સમાધાન આ જ શાસ્ત્રમાંથી ઉપલબ્ધ થયાં હોત. વૈદિક ગણિત, હિંદુસ્તાનમાં વૈદિક ગણિતની વાત કરો તમે તો સવાર-સાંજ તમારા માથાના વાળ ખેંચી લે લોકો. તમે સાંપ્રદાયિક છો, વૈદિક ગણિત ક્યાંથી લઈ આવ્યા? તમે પુરાણપંથી છો, તમે અઢારમી સદીમાં દેશને ઢસડી જવા માગો છો, આજનો જમાનો જુદો છે, કોમ્પ્યુટરનો છે, વિજ્ઞાન જ્યાં ચાલતું હોય ત્યાં વૈદિક ગણિત ક્યાંથી લઈ આવ્યા..? હવે એણે વૈદિક ગણિત જોયુંયે ન હોય, એને ખબરેય ન હોય ભાઈઓ, પણ એમાં કંઈક સંસ્કૃત નામ આવ્યું નથી ને તમારા ઉપર તૂટી પડ્યા નથી..! મિત્રો, આજે યુરોપના અનેક દેશોમાં વૈદિક ગણિત એ ત્યાંના વિદ્યાર્થીઓના સિલેબસનો હિસ્સો બન્યો છે. જે ઝડપે કોમ્પ્યુટર વિજ્ઞાનનું ગણિત ગણે છે, એટલી ઝડપે વૈદિક ગણિત જાણનારો નાનકડો વિદ્યાર્થી કરે છે. આપણે ત્યાં ગુજરાતમાં વિજ્ઞાનમેળા જ્યારે થાય છે ત્યારે, આ પ્રકારનું સંસ્કૃત પરંપરામાં પડેલું જે ગણિત અને વિજ્ઞાનનું શાસ્ત્ર છે એના પ્રયોગો કરવા માટે બાળકોને આપણે પ્રોત્સાહિત કરીએ છીએ. અને મેં જોયું હમણાં છેલ્લો જે વિજ્ઞાનમેળો જોવા હું ગયેલો, તો બાળકોએ વૈદિક ગણિતના આધારે નાનાં નાનાં નાનાં મૉડ્યૂલ્સ બનાવેલાં હતાં. અને એ મૉડ્યૂલના આધારે બાજુના કોમ્પ્યુટર કરતાં વધારે સ્પીડે સાતમા, આઠમા, નવમા ધોરણનાં બાળકો ગણિતની પઝલો ઉકેલતા હતા અને બધાને અચરજ થતું હતું. એનું કારણ શું? એમના હાથમાં વૈદિક ગણિત હતું. અગર જો આટલો મહાન ભંડાર પડ્યો હોય, પણ કેમ કે એ સંસ્કૃત પરંપરાનો છે માટે અછૂત થઈ જાય, એ જે વિકૃત માનસિકતા દેશમાં ગુલામીએ પકડી રાખેલી છે એના કારણે આપણી આ મહાન વિરાસતને લોકો ભૂલી ગયા છે.
આ રાજ્ય સરકારનો પ્રયાસ છે કે એને માત્ર રક્ષિત કરવી એવું નહીં, એના વિકાસ માટે, એના વિસ્તાર માટે ભરપૂર પ્રયાસ કરીએ. મિત્રો, કદાચ દુનિયામાં હું એક જ પોલિટિકલ ફિલ્ડનો માણસ એવો છું કે જેની વેબસાઈટ અંગ્રેજીમાં પણ છે, હિન્દીમાં પણ છે, ગુજરાતીમાં પણ છે અને, સંસ્કૃતમાં પણ છે. અને મારા પોતાના મનના આનંદ માટે છે. મેં એના લીધે સંસ્કૃતની સેવા કરી દીધી એવો મારો દાવો નથી, પણ આ મહાન પરંપરા સાથેના મારા ગૌરવભાવની અભિવ્યક્તિ માટેનું એક માધ્યમ છે મારું. ઘણીવાર આધુનિક યુગના લોકો પોતાની વાતને જરા બહુ તાકાતથી રજૂ કરવી હોયને તો શેર-શાયરીનો ઉપયોગ કરતા હોય છે, ગઝલનો ઉપયોગ કરતા હોય છે જેથી પોતાની વાત જરા બરાબર તાકાતથી મૂકાય. મિત્રો, આપણે બધા નિશાળમાં જયારે ભણતા હતા અને જે સંસ્કૃત સુભાષિતો છે, શાયદ એક આખું છાપું ભરીને લખાયેલી ચીજો હોય એ જ સંસ્કૃત સુભાષિતમાં એ વ્યક્ત કરવાનું સામર્થ્ય આપણા પૂર્વજો આપણા હાથમાં મૂકી ગયા છે. ઇવન બાળકોને કે જીવનને સંસ્કાર કરવા માટેના સરળ ઉપાયો જો કોઈ મને પૂછે કે ભાઈ, આ અમારા બાળકનું ઘડતર કરવું છે તો કઈ કઈ બાબતોમાં ધ્યાન આપીએ? તો હું એમ કહીશ કે તમે વધારે નહીં, એને પાંચસો સંસ્કૃત સુભાષિત શિખવાડી દો અને બરાબર એને બોલતાં, લખતાં, વાંચતાં, તર્ક આપતાં, દલીલ કરતાં આવડે એવાં કરાવી દો. મિત્રો, હું વિશ્વાસથી કહું છું, એ બાળક મોટું થશે અને જીવનમાં એણે આ કરવું કે તે કરવું, આમ જાવું કે તેમ જાવું એનો જ્યારે નિર્ણય કરવાનો આવશે, ત્યારે પેલું સંસ્કૃત સુભાષિત સામે આવીને ઊભું હશે અને સંસ્કૃત સુભાષિત એને કહેશે કે આમ કર. બારસો વર્ષ, પંદરસો વર્ષ પહેલાં, પાંચ હજાર વર્ષ પહેલાં લખાયેલું કોઈ સુભાષિત આજે પણ જીવનની દિશા બતાવી શકતું હોય તો એનાથી મહામૂલાં જીવનનાં મોતી કયાં હોઈ શકે? આ બધું ઉપલબ્ધ છે, પડ્યું છે આપણે ત્યાં. એને કેવી રીતે આપણે સમાજજીવનમાં પ્રભાવી ઢંગથી લાવીએ..! ગુજરાત સરકારે ગયા વખતે એક પ્રયાસ કર્યો, સ્વર્ણિમ જયંતી વર્ષમાં, એક લાખ લોકોને સંસ્કૃત બોલતાં શિખવાડવા. અને એ પ્રયોગ એટલો સફળ રહ્યો અને પોતે બોલતાં શીખ્યા એટલે એકલા પોતે જ શીખ્યા એવું નહીં, કારણકે એક કુટુંબમાંથી એકાદ જણ શીખવા આવ્યો હોય ને, તો એ પ્રૅક્ટિસ ઘરમાં જેને નહોતું આવડતું એમની જોડે જ કરતો હતો, એટલે ઘરના બીજા લોકોને બોલવા માટે મજબૂર કરતો હતો. એ એમ કહે કે, ‘અહં ગચ્છામિ’ એટલે પછી ઘરવાળાને સમજવું જ પડે કે ભાઈ, આ ગયો હવે, બીજા બધાને જોડાવું જ પડતું હતું..! એટલે ઇન્ અ વે, એક લાખ કુટુંબોમાં સંસ્કૃત બોલી શકાય છે, સમજી શકાય છે, સહજ સરળ છે, એ વિશ્વાસ પેદા કરવાનું કામ ગુજરાતમાં સ્વર્ણિમ જયંતી વર્ષમાં આપણે કરી શક્યા હતા.
અહીંયાં જેમનું સન્માન કરવાનો અવસર મળ્યો. આપ વિચાર કરો, એક લાખ લોકોને સંસ્કૃત લખતાં શિખવાડ્યું એમણે..! આ નાની સેવા નથી. હું માનું છું કે આખી એક પેઢીને... અને મિત્રો, આજે તમે જુઓ, કેવા પ્રકારના માપદંડો છે. પુરાતત્વ વિભાગ, પંદરસો વર્ષ જુનો એક પથરો જડ્યો હોય, સહેજ એના પર કોતરકામ હોય, તો કોઈને એને હાથ અડાડવાનો અધિકાર નથી હોતો. એને એટલો બધો સુરક્ષિત રાખવા માટે સરકારની તિજોરીમાંથી લાખો રૂપિયા ખર્ચાય તો ખર્ચવા પડતા હોય છે. અને એમાં કોઈ સાંપ્રદાયિકતાનું આળ નથી લાગતું, કોઈ તમારી ઉપર આરોપ ના આવે. પણ પંદરસો વર્ષ જુની એક સંસ્કૃતની ચોપડી સાચવવા માટે, એને ડિજિટલ કરવા માટેનું બજેટ વિચાર્યું હોય તો ત્યાં પ્રશ્ન આવે કે સરકારના બજેટમાંથી આ બધું કરવાનું છે તમારે, ભાઈ? આટલી વિકૃતિ આવી છે, સાહેબ. એક પથરો સાચવવા માટે કોઈ નડે નહીં, કોઈ પૂછે નહીં તમને, પણ એક ગ્રંથ સાચવવો હોય તો તમને સવાલો પૂછવામાં આવે, એવા વિકૃતિના વાતાવરણની અંદર કામ કરવાનું છે.
ભાઈઓ-બહેનો, આર્કિયૉલૉજી પણ સંસ્કૃત સાથે જોડાયેલો આખો વિષય છે અને પુરાતત્વની રખેવાળી પણ એટલી જ મહત્વની છે, એનું મૂલ્ય ઓછું ન આંકવું જોઇએ. એક એક પથ્થરનું મૂલ્ય છે. અને કેટલું સામર્થ્ય... મને યાદ છે અહીંયાં એક ડૉ.ગોદાણી હતા. આ ડૉ.ગોદાણી પોતે તો મેડિકલ પ્રૅક્ટિશનર હતા પણ પુરાતત્વમાં એવું એમનું સમર્પણ હતું, ટોટલ ડેડીકેશન..! એકવાર હું એમને ખાસ મળવા ગયેલો, એમની બધી ચીજો જોવા ગયેલો. મને કહે કે ભાઈ, મેં વીસ ફિયાટ, એ વખતે ફિયાટ ગાડીનો જમાનો હતો, મેં વીસ ફિયાટ પથ્થરોની અંદર આથડવામાં ખતમ કરી નાખી છે. કારણકે શુક્ર, શનિ, રવિ હું મારી ફિયાટ લઈને ભટકતો જ હોઉં જ્યાં ને ત્યાં, એવા દુર્ગમ જંગલોમાં ને બધે જાઉં અને બધા પથરા શોધતો હોઉં અને કેવી કેવી ચીજો શોધી લાવેલા..! કદાચ બીજી કોઈ વ્યક્તિનો આટલો મોટો સંગ્રહ હોય એવું મેં સાંભળ્યું નથી. એમનો એક સ્લાઇડ શો મેં જોયેલો. એમાં કાર્બન ટેસ્ટિંગથી આઠસો વર્ષ જુના પથ્થરની ઘટના એમાં કંડારાયેલી હતી. એક પથ્થર પર કોતરકામ એવું હતું કે જેમાં એક સગર્ભા માતાનું કોતરકામ હતું. અને આઠસો વર્ષ પહેલાં કોઈ ડૉકટરોએ પથ્થર નહોતો કોતર્યો, સામાન્ય પથ્થર કોતરનાર કારીગરોએ કોતર્યો હતો. અને સગર્ભા માતાના પેટમાં બાળક કઈ પોઝિશનમાં છે એ આખું પથ્થર પર કંડારાયેલું હતું અને એના પેટ ઉપર ચામડીનાં કેટલાં લેયર હોય, એના લેયર પથ્થરમાં કંડારેલાં હતાં. આઠસો વર્ષ જુની આ કલાકૃતિ હતી. વિજ્ઞાને આ વાત માંડ દોઢસો વર્ષ પહેલા શોધેલી છે, હિંદુસ્તાનના પથ્થર કંડારનારના ટાંકણાથી આઠસો વર્ષ પહેલાં એ વિજ્ઞાન કંડારાયેલું પડ્યું હતું. એનો અર્થ કે જ્ઞાન હશે જ એ લોકોને, અને ચામડીનાં લેયર કેટલાં હોય ત્યાં સુધીનું પથ્થર પર તરાસેલું હોય એનો અર્થ એ થયો કે આપણા લોકો વિજ્ઞાનને કેટલું જાણતા હતા..!
આખી એ વિરાસત, આ વારસો એનું ગૌરવગાન કરવા માટેનો આજનો દિવસ છે. જેમણે આને માટે જીવન ખપાવ્યું છે એમનું સન્માન કરવાનો અવસર છે, એમને પુરસ્કૃત કરવાનો અવસર છે અને આ વખત અમે એવી પરંપરા ઊભી કરી છે કે જૂની પેઢીએ આ કર્યું છે, એની સાથે સાથે નવી પેઢી આને માટે પ્રેરિત થાય, એમ બંને પેઢીને જોડીને એમને સન્માનિત કરવાનો એક નવો પ્રવાહ આપણે ઊભો કર્યો છે. જેથી કરીને જે યંગ જનરેશન છે એ જો સંસ્કૃત માટે કંઈક કરે, તો એને કરવાનું મન રહે, નહીંતર એ નેવું વર્ષનો થાય ને પછી શાલ ઓઢાડીએ ત્યારે કંઈ કરવા જેવું જ ન રહ્યું હોય..! પણ પચીસ, ત્રીસ કે પાંત્રીસ વર્ષની ઉંમરે એ પણ જો સન્માનિત થાય તો એને ખબર પડે કે આગામી પચાસ-સાંઇઠ વર્ષ આના માટે હું ખપાવીશ અને બીજા પાંચ-પચાસને આમાં ખપાવવા માટે પ્રેરિત કરીશ. એક એવી પરંપરા ઊભી કરવાની મથામણ છે અને એના ભાગરૂપે જ ‘અષાઢસ્ય પ્રથમ દિવસે’ આ કાર્યક્રમની એક પરંપરા આપણે ઊભી કરી છે, એ કાર્યક્રમના ભાગ રૂપે સંસ્કૃત માટે જીવન ખપાવી દેનાર સૌ મહાનુભાવોને હું વંદન કરું છું, અભિનંદન કરું છું અને આપ સૌને પણ સંસ્કૃતને માટે યથાયોગ્ય યોગદાન આપવા માટે નિમંત્રણ આપું છું. આપણે સૌ સંસ્કૃતના ભલા માટે, સંસ્કૃત પ્રત્યેના ગૌરવ માટે કંઈક ને કંઈક કરવાનો સંકલ્પ કરીએ એ જ અપેક્ષા. ફરી એકવાર આપ સૌને શુભકામના..!
જય જય ગરવી ગુજરાત..!!