મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના સાંસદ સ્વ.શ્રી મૂકેશ ગઢવીના દુઃખદ આકસ્મિક અવસાન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યકત કરી સદ્દગતને આદરપૂર્વક શ્રધ્ધાંજલિ પાઠવી છે. સદ્દગત મૂકેશ ગઢવીના શોકસંતપ્ત પરિવારને પાઠવેલા સંદેશામાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે છેલ્લા કેટલાક દિવસોથી શ્રી મૂકેશભાઇ જિંદગી માટે જંગ કરતા હતા, મૃત્યુને હંફાવતા હતા, આખરે એ કમનસિબ ઘટના ઘટી અને મૂકેશભાઇને આપણે ગુમાવવા પડયા.
ખૂબ નાની વયે ગુજરાતના જાહેરજીવનમાં પ્રવૃત્ત શ્રી મુકેશભાઇને આપણે ગુમાવ્યા છે. આ દિવસો દરમ્યાન હું એમના પરિવાર સાથે સંપર્કમાં હતો. બધા જ પ્રકારની સારવાર માટેની આપણી મથામણ હતી, પરંતુ કમનસિબે આપણે મૂકેશભાઇને બચાવી ન શકયા. એમનું તથા એમના પિતાશ્રીનું જાહેરજીવન હંમેશા પ્રજા સાથે સક્રિય રીતે સંકળાયેલું રહયું છે તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, બનાસકાંઠામાં આદિવાસી વિસ્તાર હોય કે ખેડૂતો, સૌને માટે સ્વ. મૂકેશભાઇ અને એમનો પરિવાર રાજકીય પ્રવૃતિથી પરિચીત હતો.
એમના પરિવાર માટે પણ આ એક અસહય મોટી ઘાત છે તે વેળાએ મુખ્યમંત્રીશ્રીએ પરમાત્મા સ્વ. મૂકેશભાઇના પરિવારને આ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી અભ્યર્થના સાથે સ્વર્ગસ્થના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી છે.