ગુજરાત રાજ્ય આચાર્ય સંધના અધિવેશનનું અંબાજીમાં ઉદ્દધાટન
મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત રાજ્ય આચાર્ય સંધનું અધિવેશન અંબાજીમાં ખૂલ્લુ મૂકતા શિક્ષણના કર્મયોગીઓને ટેકનોસેવી બનવાનું આહ્વાન કર્યું હતું. ટેકનોલોજી દ્વારા શિક્ષણના ગુણાત્મક પરિવર્તનો લાવવામાં શિક્ષક આચાર્યની ભૂમિકા નિર્ણાયક બનવાની છે એમ તેમણે જણાવ્યું હતું.ગુજરાતના વિકાસની દિશા, ઝડપ અને વ્યાપક ફલકને ધ્યાનમાં રાખીને શિક્ષણમાં પરિવર્તનની આવશ્યકતા ઉપર ભાર મૂકતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્ર ઉપર પણ ટેકનોલોજીનો સાર્વત્રિક પ્રભાવ વધતો રહેવાનો છે. આચાર્યશ્રીઓને ટેકનોલોજી દ્વારા શિક્ષણના નવા આયામો અને માધ્યમોની પધ્ધતિઓ માટે સજ્જતા કેળવવા તેમણે આગ્રહપૂર્વક અનુરોધ કર્યો હતો.
સ્વામિ વિવેકાનંદની દોઢસોમી જન્મજ્યંતીની ઉજવણીને યુવાશકિતને હુન્નર-કૌશલ્યમાં સામર્થ્યવાન બનાવવાનો અવસર ગણવાનું આહ્્વાન આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ર૧મી સદી જ્ઞાનયુગ છે અને જ્ઞાનયુગોમાં ભારત વિશ્વગુરૂ બનેલું છે અને ર૧મી સદીમાં પણ ભારત જ વિશ્વ ઉપર સર્વોપરિતા પ્રસ્થાપિત કરે એ માટે આપણા યુવાનોનું સશકિતકરણ અને જ્ઞાનનો માર્ગ જ ઉત્તમ માધ્યમ છે.
વિશ્વનો સૌથી યુવાદેશ ભારત છે અને ૬પ ટકા યુવાસંપદા ધરાવતા ભારતમાં શિક્ષણના ક્ષેત્રે નવા મૌલિક સંશોધનો, નવા પ્રયોગો, નવા વિચારોને હકિકતમાં સાકાર કરવા ગુજરાતે પહેલ કરી છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત સરકારે તેજસ્વી બૌધ્ધિકતા ધરાવતા યુવાનો માટે ટેકનોક્રેટ નારાયણમૂર્તિના માર્ગદર્શનમાં I Create વર્લ્ડકલાસ ઇન્કયુબેશન સેન્ટર શરૂ કર્યું છે. અને શિક્ષણ ક્ષેત્રે નવીનત્તમ મૌલિક પ્રયોગો, સંશોધનોને પ્રોત્સાહિત કરવા "ગુજરાત એજ્યુકેશનલ ઇનોવેશન કમિશન' કાર્યરત કર્યું છે. શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તનો માટે નીતિનિર્ધારણ કરવા નવા ચિન્તન અને મંથનને ગુજરાત હંમેશા આવકારે છે.
મુખ્યમંત્રીશ્રીએ જ્ઞાન-શિક્ષણના વિશાળ ફલકને આવરી લેવા ભારત સરકાર પાસેથી એકમાત્ર ગુજરાતે જ ૩૬ મેગાહર્ટ્ઝનું સેટેલાઇટ કોમ્યુનિકેશન ટ્રાન્સપોન્ડર મેળવી લીધું છે અને તેના દ્વારા દૂર-સૂラદુરના અંતરિયાળ વિસ્તારોમાં લોંગ ડિસ્ટન્સ એજ્યુકેશન આપવાનું અને શિક્ષણ તથા આરોગ્ય સેવાઓ ગુણવત્તાસભર બનાવવાની પહેલ કરી છે તેની રૂપરેખા પણ આપી હતી.
ગુજરાત સરકારે ઉત્તમ શિક્ષકોની આજના જ્ઞાનયુગની જરૂરિયાતની પૂર્તિ કરવા IITE જેવી ટિચર્સ યુનિવર્સિટી અને યુવાનોને હુન્નર-કૌશલ્યમાં પારંગત કરવા ૯૭૬ જેટલા સેવાક્ષેત્રોના હુન્નર કૌશલ્યના અભ્યાસક્રમોને સંશોધન કરીને તૈયાર કર્યા છે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ખેલમહાકુંભ દ્વારા નવી પેઢીમાં રમતના મેદાનોમાં પરસેવો પાડીને શારિરીક અને માનસિક કૌશલ્ય માટેના સશકિતકરણના અવસરો આપ્યા છે એમ જણાવ્યું હતું.
આચાર્યશ્રીઓને તેમણે સરસ્વતીના ઉપાસકો ગણાવ્યા હતા અને ભારતને વિશ્વશકિત બનાવવા નવી પેઢીને જ્ઞાનસંપન્ન કરવાનું આહ્્વાન આપ્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી જયસિંહજી ચૌહાણ તથા આચાર્યસંધના હોદ્ેદારો અને યોગ સંસ્થાનના મુરલિધરન ક્રિષ્ના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આચાર્ય સંધના પ્રમુખશ્રી દિનેશભાઇ ચૌધરીએ સ્વાગત અને મહામંત્રીશ્રી અરવિંદભાઇ એ આભારદર્શન કર્યું હતું.
પ્રારંભમાં આચાર્ય સંધના પ્રમુખશ્રી દિનેશભાઇ ચૌધરીએ સ્વાગત પ્રવચનમાં સંધની રચનાત્મક પ્રવૃત્તિ ઓની રૂપરેખા આપી હતી. આ પ્રસંગે રૂ. ૧,૧૧,૧૧૧નો ચેક મુખ્યમંત્રીશ્રીના કન્યા કેળવણી નિધિમાં આચાર્ય સંધ દ્વારા અર્પણ કરાયો હતો.