રક્ષાશક્તિ યુનિવર્સિટી દ્વારા સુરક્ષા સેવાઓના સર્વસમાવેશક પ્રશિક્ષણથી પ્રભાવિત થતા વિવિધ રાજ્યોના વરિષ્ઠ પોલીસ પદાધિકારીઓ
મુખ્યમંત્રીશ્રીની સૌજન્ય મુલાકાતે આવેલા ૧પ રાજ્યોના વરિષ્ઠ પોલીસ અફસરો સાથે સુરક્ષા સેવાઓને સુસજ્જ બનાવવા ગુજરાતની પહેલ અંગે વિચાર-વિમર્શ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મૂલાકાત આજે ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટી અને પોલીસ યુનિવર્સિટીની રચના અંગેના સેમિનારમાં ભાગ લેવા આવેલા દેશના વિવિધ રાજ્યોના ૧પ જેટલા વરિષ્ઠ પોલીસ પદાધિકારીઓએ લીધી અને ગુજરાતમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીએ ખૂબજ ટૂંકા ગાળામાં સુરક્ષા સેવાઓના ક્ષેત્રમાં માનવસંશાધન વિકાસનું જે કાર્ય હાથ ધર્યું છે તેને દૃષ્ટાંતરૂપ ગણાવ્યું હતું.
રક્ષાશક્તિ યુનિવર્સિટી માત્ર પોલીસ સેવાઓની તાલીમ નથી પરંતુ સર્વસમાવેશક સુરક્ષા સેવાઓના વર્તમાન યુગમાં વિકસી રહેલાં નવા ક્ષેત્રોમાં વ્યવસાય કૌશલ્યથી પ્રશિક્ષિત માનવશક્તિને પ્રાણવાન બનાવે છે તેની ભૂમિકા આ રાજ્યોના પોલીસ પદાધિકારીઓએ મુખ્ય મંત્રીશ્રી પાસેથી જાણીને ખૂબજ પ્રભાવિત થયા હતા.
ગુજરાતે તો રક્ષાશક્તિ યુનિવર્સિટી, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીનો પરસ્પર વિનિયોગ કરીને સુરક્ષા સેવાઓના ક્ષેત્રોનો વર્તમાન યુગના પડકારો સામે સુસજ્જ કરવાની પહેલ કરી છે એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લો આખો દશકો શાંતિ અને વિકાસનો રહ્યો છે તેના કારણે અને વ્યવસ્થા સાથે સંકળાયેલા પોલીસ બળની કાર્યસંસ્કૃતિમાં નવા આયામો અને બદલાવ ઉપર પણ રાજ્ય સરકારે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એમ મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
રક્ષાશક્તિ યુનિવર્સિટીનું ફલક વ્યાપક અને આંતરરાષ્ટ્રીય સ્તરનું વિકસાવવાના સૂચનો વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ કર્યાં તેને આવકારતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, રક્ષાશક્તિ યુનિવર્સિટીની મલ્ટી ડિસીપ્લીનરી ક્વોલીટી ટ્રેઇનીંગ જોતાં દેશની અન્ય સૂચિત પોલીસ યુનિવર્સિટીઓને પણ સહયોગ આપવા તત્પર છે. ઉત્તર-પૂર્વના રાજ્યોના મહિલા પોલીસને ગુજરાતમાં બે વર્ષમાં ક્રમશઃ દર વર્ષે ર૦૦ મહિલા પોલીસની સેવાઓ ડેપ્યુટેશન ઉપર લેવાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં કરેલી દરખાસ્તનો નિર્દેશ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આના પરિણામે ઉત્તર-પૂર્વના રાજ્યોની મહિલા પોલીસને નવું પ્રશિક્ષણ મળશે.
આ બેઠકમાં રક્ષાશક્તિ યુનિવર્સિટીના ડાયરેકટર જનરલ અને મુખ્ય મંત્રીશ્રીના અધિક અગ્રસચિવ (ગૃહ) સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
શ્રી વિકાસ સહાયે રક્ષાશક્તિ યુનિવર્સિટીના રિસર્ચ અને ડેવલપમેન્ટ વિષયક પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.