૨૧મી સદીમાં ગુજરાતની સૌર ઊર્જામાં ઐતિહાસિક સિધ્ધિ..
એશિયાનો સૌથી મોટો ગુજરાત સોલાર પાર્ક અને ૬૦૦ મેગાવોટના એક સાથે દશ સોલાર પાવર પ્લાન્ટ
રાષ્ટ્રને સમર્પિત કલાઇમેટ ચેંજ સામે કલાઇમેટ જસ્ટીસનું વિશ્વને પથદર્શક બનતું ગુજરાત ગુજરાત ગ્લોબલ સોલાર હબ
નરેન્દ્રભાઇ મોદીઃ ગુજરાત સરકાર રૂફટોપ સોલાર પાવર પોલીસી લાવી રહી છે ગુજરાતે સમગ્ર હિન્દુસ્તાનનેઊર્જાવાન બનાવ્યું ઉત્તર ગુજરાતના રણ કાંઠે ચારણકામાં એક જ વર્ષમાં ૩૦૦૦ એકરમાં ગુજરાત સોલાર પાર્ક કાર્યાન્વિત દેશવિદેશના ૨૧ સોલાર પાવર ડેવલપર્સનું ફોરમ અમેરિકારના કોન્સલ જનરલની વિશેષ ઉપસ્થિતિ ચારણકા સ્વર્ણિમ સૂર્યતીર્થ બન્યું
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે એશિયાનો સૌથી મોટો ચારણકા ગુજરાત સોલાર પાર્ક અને રાજ્યના જુદા જુદા સ્થળોએ આજથી કાર્યરત થયેલા કુલ ૬૦૦ મેગાવોટ વીજક્ષમતાના દશ સોલાર પાવર પ્લાન્ટ એકમો રાષ્ટ્રને સમર્પિત કરતાં જણાવ્યું કે સમગ્ર હિન્દુસ્તાનને ઉર્જાશકિત પુરૂ પાડતુ સામર્થ્યવાન રાજ્ય ગુજરાત બની ગયુ છે. આ ગુજરાત સોલાર પાર્ક સોલાર અને વિન્ડ એનર્જીનો હાઇબ્રીડ પાવર પ્રોજેક્ટ છે અને હવે ગુજરાત સરકાર સૌર વીજળી માટેની રૂફ ટોપ સોલાર પાવર પોલીસી લાવી રહ્યું છે જેના પરિણામે સામાન્ય નાગરિક પણ પોતાના મકાનની છત પર સૂર્ય ઉર્જાથી વીજળી પેદા કરીને સરકારને વેચી શકશે એવી જાહેરાત તેમણે કરી હતી.
ઉત્તર ગુજરાતના રણકાંઠે ચારણકામાં ૩૦૦૦ એકર પડતર જમીનમાં મુખ્ય મંત્રીશ્રીની દ્રષ્ટિવંત પ્રેરણાથી સ્થપાયેલો ગુજરાત સોલાર પાર્ક સમગ્ર એશિયામાં સૌથી મોટો છે અને ડીસેમ્બર૨૦૧૦માં મુખ્ય મંત્રીશ્રીના હસ્તે જ તેનો શિલાન્યાસ થયો હતો. આ સોલાર પાર્ક વિકસાવવામાં ગુજરાત સરકાર સાથે ૨૧ જેટલી દેશવિદેશની આંતરરાષ્ટ્રીય સોલાર પાવર કંપનીઓ સહભાગી બની છે અને એક જ વર્ષમાં વિક્રમ સર્જક સમયમાં એશિયાનો ૫૦૦ મેગાવોટ સૌરઉર્જાથી ઉત્પાદન કરતો આ પાર્ક કાર્યરત કર્યો છે.
ચારણકાની મરૂભૂમિને સ્વર્ણિમ સૂર્યતીર્થમાં રૂપાંતર કરવાનું સ્વર્ણિમ સપનું સાકાર કરનારા સોલાર પાવર ડેવલોપર્સને અભિનંદન આપતાં મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતના ૧૦ જિલ્લાઓમાં આજથી કાર્યરત થયેલા કુલ ૬૦૦ મેગા વોટના સોલાર પાવર પ્લાન્ટનું પણ ચારણકાથી એક સાથે રાષ્ટ્રને સમર્પણ કર્યુ હતું. સમગ્ર ગુજરાત સોલાર પાર્કનું વિશાળ ટાવર ઉપરથી વિહંગાવલોકન કર્યા બાદ મુખ્ય મંત્રીશ્રીએ ડેવલપર્સ કંપનીના પદાધિકારી સંચાલકોને અમેરિકાના કોન્સેલ જનરલ શ્રી પીટર હેશ, એ.ડી.બી.ના અને આઇ.એફ.સી.ના વરિષ્ઠ પ્રતિનિધિઓ સાથે આ સૌરશકિત નિર્માણમાં સહભાગી બનવા માટે આવકાર અને અને અભિનંદન આપ્યા હતા. બિન પરંપરાગત અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોની દિશામાં રાષ્ટ્રને સમર્પિત ૬૦૦ મેગાવોટના સૌર ઉર્જાના એકમોની આ ઐતિહાસિક ઘટનાને વિશ્વ માટે પથદર્શક ગણાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે આ સિધ્ધ માત્ર ઉર્જા સુરક્ષાનું એક અગ્રીમ કદમ નથી પરંતુ આવનારી અનેક પેઢીઓને ઉર્જાવાન બનાવવાનું વિશ્વ માટે વિઝન પૂરૂ પાડયું છે.
મુખ્ય મંત્રીએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મંિગ અને કલાઇમેટ ચેઇન્જના સંકટોથી ઘેરાઇ ગયેલા વિશ્વને કલાઇમેટ જસ્ટીસ પૂરૂ પાડવાનું આપણું સ્વપનું છે. મુખ્ય મંત્રીશ્રીએ ચારણકાની આજની આ સિધ્ધિદાયક ઘટના ગુજરાતને માત્ર ભારત માટે જ નહીં પરંતું સમગ્ર વિશ્વને પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઉર્જાની દિશા પૂરી પાડે છે. ગુજરાતે આખા દેશમાં સર્વપ્રથમ સોલાર એનર્જી પોલીસી ૨૦૦૯માં અમલમાં મૂકી ત્યારે ભારત સરકાર આ અંગે પ્રાથમિક વિચારણા કરતી હતી તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ સૂર્યશકિતથી વીજ ઉર્જાનું ઉત્પાદન સસ્તું થાય તે દિશામાં રાજ્ય સરકારના પ્રયાસોની ફલશ્રુતિ રજૂ કરતા જણાવ્યું કે સૂર્ય ઉર્જાથી શરૂમાં રૂા.૧૫ પ્રતિ યુનિટ વીજળી ઉત્પાદન ખર્ચ આવતો હતો તે ઘટીને રૂ.૮.૫૦ થઇ ગયો છે અને ભવિષ્યમાં સૂર્ય ઉર્જાથી પેદા થતી વીજળીનો પુરવઠો વધતો જશે ત્યારે તેની કિંમત પ્રતિ યુનિય રૂા.૪ થઇ જશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.
એકલું ગુજરાત સોલાર પાવરમાં દેશનું કુલ ૬૬ ટકા હિસ્સો ધરાવે છે અને આજે સમગ્ર દેશમાં ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ થઇ ગયું છે એમ છતાં રિન્યુએબલ એનર્જીના વિકાસ માટે અત્યારે પણ રૂા.૨૦૦૦ કરોડનું રોકાણ બજેટ ફાળવેલું છે. આ દર્શાવે છે કે કલાઇમેટ ચેઇન્જ માટે ગુજરાત વિશ્વને વૈકલ્પિક ઉર્જા તરફ પ્રેરિત કરવા પથદર્શક બન્યું છે. આજે ૧૯મી એપ્રિલ છે અને ભારતે સ્પેસ શટલ સેલ્યુર૧ અને પ્રથમ ઉપગ્રહ આર્ય ભટ્ટની સિધ્ધિ પણ આજ દિવસે અગાઉ મેળવી હતી તથા આજે જ અગ્નિ૫ પણ છોડવામાં આવ્યું તે ગૌરવપૂર્ણ દિવસે જ એશિયાના સૌથી મોટા સોલાર પાવર પાર્કનું રાષ્ટ્રને સમર્પણ થયું તેનો ગૌરવસહ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે જેઓએ એક વર્ષ પહેલાં આ ભૂમિ ઉપર સોલાર પાર્કનો વિરોધ કરેલો તેઓએ આ મરૂભૂમિની એકજ વર્ષમાં કેવી આર્થિકસામાજિક કાયાપલટ થઇ ગઇ તેની આંખ ઉઘાડતા આ વિકાસ સિધ્ધિની ભૂમિકા આપી હતી. આ રેગિસ્તાન ઉપર વસતા લોકોને સૂર્યના પ્રખર તાપની વેદના પીડતી હતી.
આજે આ પાકિસ્તાનની સરહદે આવેલો પ્રદેશ સૂર્ય ઉર્જાથી હિન્દુસ્તાનના વિકાસની શકિતરૂપે ઉર્જા ક્ષેત્રે અગ્રેસર બની ગયો છે એમ પણ તેમણે જણાવ્યું હતું ઉર્જા સુધારાથી ગુજરાતે ગ્રામીણ જીવનની ગુણાત્મક કાયાપલટ કરી છે તેનો ઉલ્લેખ કરી મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ભારત અને વિશ્વમાં કોલસા, ગેસ, થર્મલ જેવા પરંપરાગત વિજ ઉત્પાદનના ઈંધણોની તંગીના સંકટો આવી રહ્યા છે ત્યારે ગુજરાતે સૂર્ય અને પવન ઉર્જાથી વીજળી શકિત પેદા કરીએ આગામી અનેક પેઢીના ભવિષ્યની સુખાકારીની દિશા ખોલી છે. દશ જ વર્ષમાં ગુજરાતે ૪૦૦૦ મેગાવોટ વીજળી ઉત્પાદનમાંથી હરણફાળ ભરી ૧૮૦૦૦ મેગાવોટનું સપનું પાર પાડયું છે તેમ જણાવ્યું હતું.
આગામી સમયમાં ગુજરાત સરકારની આ પહેલ સમગ્ર વિશ્વના એનર્જી માર્કેટને પ્રભાવક કરશે તેવો પૂરો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત સરકાર સોલાર પાવર ઇકવીપમેન્ટ મેન્યુફેકચરીંગના એકમો મોટાપાયે સ્થાપવા માંગે છે અને તેના કારણે ત્રીસ હજાર યુવાનો ને સોલાર એનર્જી ક્ષેત્રે રોજગારીના દરવાજા ખૂલી ગયા છે. આ હુન્નરકુશળ માનવશકિત તૈયાર કરવા આઇ.ટી.આઇ.ના નેટવર્કમાં હાઇટેક સુપિરીયર આઇ.ટી.આઇ. ટેકનોલોજી સેન્ટર્સમાં સોલાર એનર્જી ટેકનોલોજીના કોર્સ શરૂ થઇ ગયા છે. સોલાર સહિત રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રે નવા સંશોધનો માટે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીએ સોલાર એનર્જી માટેના સંશોધનને વેગ આપવા સ્કુલ ઓફ સોલાર એનર્જી પણ શરૂ કરી દીધી છે.
ગુજરાતનો ભવિષ્યનો વિકાસ આઇ.ટી., બાયોટેનોલોજી (બી.ટી.) અને અન્વાયરમેન્ટ ટેકનોલોજી (ઇ.ટી.)ના ત્રણ આધાર સ્થંભ ઉપર થઇ રહ્યો છે તેમ પણ તમેણે જણાવ્યું હતું. વડાપ્રધાનશ્રીને સનસન મુવમેન્ટ (લ્શ્ફ્ લ્બ્ફ્ પ્બ્સ્ચ્પ્ચ્ફ્વ્) શરૂ કરીને સોલાર રેડીએશન ધરાવતાં દેશોનું ભારત નેતૃત્વ લે તેવી રજૂઆત કરી છે તેની યાદ અપાવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજકીય ઈચ્છા શકિત હોય તો ભારત સમગ્ર વિશ્વમાં સૂર્ય ઉર્જા શકિતથી પોતાનું વર્ચસ્વ પ્રસ્થાપિત કરી શકે છે પરંતું કમનશીબી એ છે કે ભારત સરકારના વર્તમાન શાસકોમાં આ સપનું સાકાર કરવાની નિયત નથી. પરંતુ ગુજરાત સરકાર સૂર્ય ઉપાસના કરીને સમગ્ર વિશ્વના ભાગ્યને બદલવામાં નવો વિશ્વાસ આપે છે જે ગ્લોબલ વોર્મિગ સામે લડવામાં નવી તાકાત આપશે એવો નિર્ધાર તેમણે વ્યકત કર્યો હતો.
ઉર્જા રાજ્ય મત્રી શ્રી સૌરભભાઇ પટેલે ગુજરાતને દેશનું સૌથી વિકાસશીલ રાજ્ય ગણાવતાં સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ગુજરાતે એક દાયકા પૂર્વે પંચામૃત શકિત આધારિત વિકાસની જે નવી દિશા અપનાવી તેમાં ઉર્જા શકિત એક મહત્વપૂર્ણ શકિત તરીકે ઉભરી આવી અને તેની ફલશ્રુતિએ ગુજરાત આજે વીજપુરાંત વાળુ રાજ્ય બન્યું છે એટલું જ નહીં સૌર ઉર્જા ઉત્પાદનનો નવો રાહ ગુજરાતે દેશને બતાવ્યો છે. અમેરિકન કોન્સલ જનરલ શ્રીયુત પીટર હેશે ગુજરાતની સૌર ઉર્જા ઉત્પાદનના હબ બનવાની સંભાવનાઓમાં સુર પૂરાવતાં જણાવ્યું કે, વિકસિત રાષ્ટ્રો પણ ગુજરાત જેવા વિકાસ પ્રતિબધ્ધ રાજ્યમાં સૌર ઉર્જા સહિતના અનેક વિધ ક્ષેત્રોમાં રોકાણ અને સહયોગ કરવા તત્પર છે તે જ ગુજરાતના વિકાસની વૈશ્વિક કિર્તીનું સ્વયં પરિમાણ છે.
આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી શંકરભાઇ ચૌધરી, જેડા અધ્યક્ષ શ્રી આઇ.એમ.ભાવસાર તેમજ એશિયન ડેવલપમેન્ટ બેંકના સીનીયર કલાઇમેટ ચેન્જ સ્પેશીયાલીસ્ટ શ્રીયુત્ નાઓકી સાકાઇ, ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનના રીન્યુએબલ એનર્જી સેકટરના સ્પેશીયાલિસ્ટ શ્રીયુત ડાના યંગર, ઉર્જાના અગ્રસચિવ શ્રી પાંડીયન તેમજ અધિકારીઓ સહિત દેશ વિદેશની સૌર ઉર્જા ઉત્પાદન ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના ઉદ્યોગ સંચાલકો, આમંત્રિતો તથા સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.