અમદાવાદના સફાઇ કામદારોને ૧૦૨૪ આવાસોનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રીશ્રી
વાલ્મીકિ સમાજના સફાઇ કામદારોના આધુનિક આવાસોના નિર્માણની ર્ડા.આંબેડકર આવાસ યોજનામાં બંધાશે કુલ ૧૯૮૯ આવાસો
રાજ્યના તમામ સફાઇ કામદારોને આવાસ સુવિધા આપવાની નેમ
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વાલ્મીકિ સમાજના સફાઇ કામદારોને ર્ડા.આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના અન્વયે ૧૦૨૪ આવાસોનું આજે લોકાર્પણ કરતા આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે, સવાર સાંજ ગુજરાતમાં જૂઠાણા ફેલાવતા તત્ત્વોને ગરીબની કે વિકાસની પડી નથી પરંતુ આ સરકાર રાજ્યના તમામ સફાઇ કામદારોને આવાસ સુવિધા આપશે.આપણાં સંતાનોને ગરીબી વારસામાં નથી આપવી એવો સંકલ્પ કરવા આવાસ-સુવિધા મેળવનારા સફાઇ કામદાર પરિવારોને તેમણે આહ્વાન કર્યું હતું.
અમદાવાદ મહાનગર સેવા સદન અને ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમના સંયુકત ઉપક્રમે અમદાવાદમાં ૧૯૨૪ આવાસો વાલ્મીકિ સમાજને આપવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. પ્રત્યેક આવાસ આધુનિક પાયાની સુવિધા સાથે બે રૂમ રસોડાના એક યુનિટની કિંમત રૂા.૨.૭૦ લાખ થાય છે. જેમાં કિંમતી જમીનની કિંમતનો સમાવેશ નથી પરંતુ પ્રત્યેક સફાઇ કામદાર લાભાર્થીને તો માત્ર રૂા.૩૫૦૦૦ જ ભરવાના આવ્યા છે. બાકીનો તમામ આર્થિક બોજ રાજ્યની સરકારે ઉપાડેલો છે. રાજ્યમાં ૪ લાખ સફાઇ કામદારોને અસ્વસ્થ વ્યવસાયમાં સ્વચ્છતાની સમાજસેવામાં રોકાયેલો હોવા છતાં તેમના પરિવારોની સુખાકારી-સુવિધાની કાળજી રાજ્ય સરકાર લઇ રહી છે.સ્વ.શ્યામાપ્રસાદ મુખરજીની જન્મજયંતીએ ર્ડા.આંબેડકરના સપના સાકાર કરવા સમાજની સફાઇ-સ્વચ્છતાની સેવા કરનારા વાલ્મીકિ સમાજના સફાઇ કામદારોને આવાસોમાં વસાવવા માટેના સરકારના અભિયાનની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબોને સરકારી આવાસોની ફાળવણીમાં પરિવારની નારી-સભ્યને જ પ્રાથમિકતા આપવાનો નિર્ણય આ સરકારે જ કર્યો છે, જેથી કુટુંબની બહેનોનું-મહિલાઓનું સામાજિક-આર્થકિ સશકિતકરણ કરવું છે. મહિલાઓને ઓશિયાળા રહેવું ના પડે અને છેવાડાના ગરીબ પરિવારોને માટે પણ સુખશાંતિના સપના સાકાર કરવા છે, એમ તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે સફાઇ કામદાર તરીકે જેમણે જીંદગી ખપાવી છે તેમના સંતાનો સફાઇ કામદાર ના રહે પણ ભણીગણીને સ્વચ્છતા સફાઇનો કોન્ટ્રાકટ લઇને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાંથી પૂરક આવક મેળવે એવી નેમ રાખી છે. અમદાવાદના ૫૯ જેટલા સફાઇ કામદારો સેનિટરી ઇન્સ્પેકટર બની ગયા છે. ઉચ્ચ શિક્ષણ માટેની લોનની યોજના દેશમાં ૧૧૦ સફાઇ કામદાર સંતાનોએ લાભ લીધો તેમાં એકલા ગુજરાતના જ ૯૪ વાલ્મીકિ સમાજના વિઘાર્થીઓ છે, જેમાંથી ચાર તો વિદેશ અભ્યાસ કરે છે.મુખ્ય મંત્રીશ્રીએ આધુનિક આવાસની સ્થાયી જિંદગી મળતા બધી જ કુરીતિ, વ્યસનોથી મૂકિત મેળવીને નવી જીંદગીના સપના સાકાર કરવા સંતાનોને કોઇપણ ભોગે ભણાવીને વિકાસની નવી ઉંચાઇ પાર કરતા ગુજરાતમાં મળતા તકો અને અવસરોનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
વાલ્મીકિ સમાજના સંતાનો બદલાતા યુગમાં કોમ્પ્યુટર ટેકનોલોજીનું શિક્ષણ મેળવે તે માટે eMPOWER પ્રોજેકટમાં એક પણ રૂપિયાની ફી ભર્યા વગર તદ્દન વિનામૂલ્યે કોમ્પ્યુટર બેઝીક કોર્સનો લાભ લેવા, ૧૪ વર્ષથી મોટી ઉંમરના ધો-૫ પાસ કોઇપણ સફાઇ કામદારની યુવક-યુવક-મહિલા, પુરૂષને અનુરોધ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો.
અમદાવાદના મેયર શ્રી આસિત વોરાએ નગર વિકાસના નવતર આયોજનો સાથે અમદાવાદમાં ડસ્ટ ફ્રી સિટી, કલીન સિટીને જનસુખાકારીના અભિગમમાં રાજ્ય સરકારના માર્ગદર્શન અને સહયોગ માટે મુખ્ય મંત્રીશ્રીના નેતૃત્વને પ્રેરક ગણાવ્યું હતું.
સફાઇ કામદારો સહિત ગરીબ પછાત વર્ગોને ધરના ધરનું સપનું પાર પાડવામાં મહાપાલિકા અને રાજ્ય સરકારની યોજનાઓની ભૂમિકા શ્રી વોરાએ આપી હતી. આભાર દર્શન ડેપ્યુટી મેયર દર્શનાબેને કર્યું હતું.
આ પ્રસંગે અમદાવાદ જિલ્લા પ્રભારી મહેસૂલ માર્ગ મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી શ્રી ફકીરભાઇ વાધેલા, શિક્ષણ મંત્રી શ્રી રમણભાઇ વોરા સહિત બોર્ડ-નગિમના અધ્યક્ષો-મહાપાલિકાના પદાધિકારીઓ અને ધારાસભ્યો તથા આવાસ પ્રાપ્ત કરનારા લાભાર્થી પરિવારો નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.