૬૭૦૦૦ હેકટર વિસ્તારમાં બંનીના ધાસચારા વિકાસનો પ્રોજેકટ હાથ ધર્યો છે
નિયમિત ખેતી, પશુપાલન અને વૃક્ષની ખેતીના ત્રિવિધ સમાન હિસ્સાથી અર્થકારણને ગતિશીલ રાખીયે
કૃષિ મહોત્સવમાં વિડિયો કોન્ફરન્સથી ખેડૂતો સાથે પ્રેરક વાર્તાલાપ કરતા મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યના અર્થતંત્રને સુદ્રઢ બનાવવા નિયમિત ખેતી, પશુપાલન અને વૃક્ષની ખેતીના ત્રણ સમાન હિસ્સાને પ્રોત્સાહિત કરવાની નેમ વ્યકત કરી હતી.કૃષિ મહોત્સવમાં આજે ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા ખેડૂતો સાથે સીધો વાર્તાલાપ મુખ્યમંત્રીશ્રીએ કર્યો હતો. ખેતી દ્વારા પણ અર્થકારણને રોજગારલક્ષી ગતિશીલ બનાવી શકાય તે ગુજરાતે બતાવ્યું છે. ગુજરાતની સહકારી ડેરીઓનું દૂધ આખા દેશના મહાનગરોમાં દરરોજ મોકલવા રેલવેની ટેન્કરો ભારત સરકાર વધારે આપે તો દર લીટરે એક રૂપિયો રેલવે પરિવહન દ્વારા દૂધ મોકલાય તે બચે એ ગણતરીએ કરોડો રૂપિયા દૂધ પરિવહનમાં બચે તેમ તેમણે જણાવ્યું હતું.
ધોમધખતી ગરમીમાં પણ કૃષિ મહોત્સવ ખેતી અને ખેડૂતની સમૃધ્ધિની શિતળતાનો અનુભવ કરાવતો આગળ વધી રહ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે ખેતીને આર્થિક મજબૂત પાયા ઉપર લઇ જવી જોઇએ. માત્ર ખેડૂતોના ભરોષે, વરસાદના ભરોશે ખેતીનો વિકાસ થઇ શકે નહિ. ખેતીને આર્થિક પ્રવૃત્ત્િાનો આધાર કઇ રીતે બનાવાય તેના લાંબા આયોજન સાથે ગુજરાત સરકાર આગળ વધી રહી છે.
કમનસીબે ખેતી પ્રધાન દેશ અને ગામડાં વિશે વાતો ધણી થાય છે પરંતુ તેના ઉપર કૃષિ અર્થતંત્રના સુવિચારીત આયોજન વિશે કશુ નકકર થતું નથી ત્યારે ગુજરાત સરકારે કૃષિ અર્થતંત્રને મજબૂત પાયા ઉપર લઇ જવા માટેનું ત્રિસ્તરીય આયોજન કર્યું છે. જેમાં નિયમિત ખેતી, પશુપાલન અને વૃક્ષની ખેતીના ત્રણેય વિષય ઉપર ખેડૂતો આગળ વધે તેવી પ્રેરણા તેમણે આપી હતી.
ખેતી સાથે પશુપાલનનું મહત્વ સમજાવતાં શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું કે દશ વર્ષ પહેલાં ખેડૂતો અને પશુપાલકો ઢોરઢાંખર લઇને સ્થળાંતર કરતા હતા તે દુર્ભાગ્યપૂર્ણ દિવસો આજે પણ યાદ આવે છે પરંતુ દશ વર્ષમાં ગુજરાતે કરી બતાવ્યું છે કે વર્ષો પહેલા સહકારી ડેરી પાલવે તેવી નથી તેવા ભૂતકાળના શાસકોએ ફતવા બહાર પાડી ડેરીઓ બંધ કરી દીધી હતી. આ સરકારે એ ડેરીઓને સજીવન કરી દીધી છે. રોજની પાંચ કરોડ રૂપિયાની દૂધના વેચાણની આવક અને નવ લાખ લીટર દૂધ ડેરીઓમાં જાય છે. રાજ્ય સરકારે રૂા.૧૮૫ કરોડ સહકારી ડેરીઓ સુદ્રઢ બનાવવા પાછળ ખર્ચ્યા છે. ડેરી અને પશુપાલન વિકાસના દશ વર્ષની વિકાસયાત્રાની ભૂમિકા આપતાં તેમણે જણાવ્યું કે, દૂધમંડળીઓ ૧૦ હજારમાંથી ૧૬ હજાર બની છે. છેલ્લા દશ વર્ષમાં સહકારી દૂધ મંડળીના સભાસદોની સંખ્યા ૨૨ લાખથી વધીને ૩૨ લાખે પહોંચી છે. મહિલા દૂધમંડળીઓ પહેલા ૮૦૦ હતી આજે ૨૨૫૦ ઉપર આ મહિલા દૂધ મંડળીઓ ચાલે છે. સહકારી ડેરીમાં ૪૬ લાખ લીટર દૂધ ભરાતું આજે ૧૦૦ લાખ લીટર દૂધ ઉત્પાદન ડેરીઓમાં એકત્રિત થાય છે. ગૌચર જમીન અંગે જુઠાંણા ચલાવનારા બેબાકળાં બની ગયા છે તેમની પરવાહ નથી. ડેરીના દૂધ વેચાણ રૂા.૨૪૦૦ કરોડમાંથી રૂા.૧૨૨૫૦ કરોડનો આંક આંબી ગયા છે. દૂધના ઉત્પાદનમાં ૬૮ ટકાનો વધારો દશ વર્ષમાં થયો છે તેમ તેમણે જણાવ્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ડેરીઓનું દૂધ ૮ લાખ લીટર મુંબઇમાં ૨૦ લાખ લીટર દિલ્હીમાં, અને પાંચ લાખ લીટર કલકત્તામાં પહોંચે છે અને ભારતીય લશ્કરમાં પણ ગુજરાતની ડેરીઓ દ્વારા જ દૂધનો પાવડર પહોંચે છે. દેશની રક્ષાશકિતમાં પણ મહિલા દૂધ સંચાલકોનું આ રીતે યોગદાન રહ્યું છે. વનબંધુ યોજનામાં આદિવાસી પશુપાલક માતૃશકિતને સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમમાં જોડીને પાંચ લાખ આદિવાસીઓની આવક બમણી કરવાના લક્ષ્યાંક સાથે છ લાખ આદિવાસી પશુપાલકોની આવક બમણી કરી છે.
કચ્છ કાઠિયાવાડના ૧૧ લાખ પશુપાલકો સહકારી ડેરી પર નભે છે ત્યારે ડેરીને અપગ્રેડ કરવાથી નવો પ્રાણ પુરાયો છે. ગુજરાત સરકારે પશુઓના ઉત્તમ આહાર તરીકે ધાસચારાનું ઉત્પાદન વધારવા લીધેલા પગલાંની રૂપરેખા આપતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, ધાસચારાના વૈજ્ઞાનિક મોડેલ ગામેગામ બને તો ઉત્તમ પોષણ ઉત્તમ પશુ આહાર તરીકે ધાસચારાના સુધારેલા બિયારણની કિટસ એક લાખ પશુપાલકોને કૃષિ મહોત્સવમાં વિનામૂલ્યે આપી છે.
કચ્છમાં બંની ધાસચારા વિકાસ સુધારણા પ્રોજેકટ પણ રાજ્ય સરકારે ૬૭૦૦૦ હેકટરમાં હાથ ધર્યો છે તેની ભૂમિકા પણ તેમણે આપી હતી.