ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સદ્દગત પંડિત નવલકિશોર શર્માને ભાવસભર શ્રધ્ધાંજલિ અર્પતા મુખ્યમંત્રીશ્રી
સદ્દગત પંડિતજીને ગુજરાત કયારેય ભૂલશે નહીં
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતના પૂર્વ રાજ્યપાલ સદ્દગત પંડિત નવલકિશોર શર્માને અત્યંત ઉષ્માસભર શ્રધ્ધાંજલિ આપી છે.
મુખ્યમંત્રીશ્રીએ પાઠવેલા શોકસંદેશામાં સ્વર્ગસ્થ પંડિત નવલકિશોર શર્માને સાચા ગાંધીવાદી, સાદગીભર્યું અને વિદ્વતાપૂર્ણ જીવન જીવનારા દેશભકત ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓએ સાચા અર્થમાં લોકશાહી મૂલ્યોને આત્મસાત કર્યા હતા. ગુજરાતના રાજ્યપાલ પદે બિરાજમાન રહીને તેમણે સંવૈધાનિક અને બંધારણીય સંસ્થાઓનું જતન કેમ કરવું અને તેનો માનમરતબો કેમ જાળવવો તે અંગે કોઇ સમાધાન કર્યું ન હતું.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની યુનિવર્સિટીઓની સ્થાપનામાં પંડિત નવલકિશોર શર્માના યોગદાનને બિરદાવતા જણાવ્યું કે, તેમણે યુનિવર્સિટીઓને રાજકારણથી પર રાખવાનો સફળતાપૂર્વક પૂરો પ્રયાસ કર્યો હતો. તેઓ ધારત તો યુનિવર્સિટીઓના રાજકારણમાં ચંચૂપાત કરી શકયા હોત પરંતુ, તેનાથી પર રહીને તેમણે પોતાના કાર્યકાળ દરમ્યાન ગુજરાતમાં યુનિવર્સિટીઓની સંખ્યા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેના કારણે જ ગુજરાત આજે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે યશ મેળવી શકયું છે.
વ્યકિતગત રૂપે પંડિત નવલકિશોર શર્માની વિદાયથી તેમને મોટી ખોટ વર્તાય છે. તેમ જણાવતાં મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉમેર્યું છે કે સદ્દગત પંડિતજી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેમનો પિતૃતૂલ્ય પ્રેમ સદાસર્વદા મળતો રહયો હતો.
ગુજરાત પંડિત નવલકિશોર શર્માને કયારેય ભૂલી શકશે નહીં એમ પણ મુખ્યમંત્રીશ્રીએ ભાવસભર શોકાંજલિ પાઠવતા જણાવ્યું છે.