ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીઃ ત્રીજો દિક્ષાંત મહોત્સવ સંપન્ન
૧ર૯ વિઘાર્થીઓને ડિગ્રી-ડિપ્લોમા સુવર્ણચંદ્રકો એનાયત
મુખ્ય મંત્રીશ્રી
જીવનના હરેક ક્ષેત્રની કસોટીમાંથી પાર ઉતરવા સામર્થ્યવાન બનવાનું આહ્વાન
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ શ્રી જસ્ટીસ દવે
કાયદાના અભ્યાસની તજજ્ઞતા સાથે સમાજ દાયિત્વનો કર્તવ્યભાવ પણ નિભાવવા હાર્દભર્યો અનુરોધ
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના ત્રીજા દિક્ષાંત સમારોહમાં કાયદાના શિક્ષણની દિક્ષા-શિક્ષા મેળવનારા સફળ વિઘાર્થીઓને જીવનના હરેક ક્ષેત્રમાં કસોટીઓમાંથી પાર ઉતરવા સામર્થ્યવાન બનવાનું આહ્વાન કર્યું હતું.
સને ર૦૦૪માં કાર્યરત ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના આજે ગાંધીનગર નજીક યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા ત્રીજા દિક્ષાંત સમારોહમાં કાયદા અનુસ્નાતક અને સ્નાતક તથા ડીપ્લોમાની ૧૨૯ જેટલી પદવીઓ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ શ્રી અનિલ આર. દવેના હસ્તે એનાયત કરવામાં આવી હતી. મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ મુખ્ય મહેમાન તરીકે યશસ્વી વિઘાર્થીઓને સુવર્ણચંદ્રકો એનાયત કર્યા હતા.
કાયદાના સફળ વિઘાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, દિક્ષાંત સમારોહ ભારતીય સંસ્કૃતિના તૈતરીય ઉપનિષદમાં પણ જોવા મળે છે. શિક્ષા-દિક્ષા મેળવનારાએ જીવનમાં કેટલી પારંગતતા મેળવી છે તે જ સાચી દિક્ષા-શિક્ષા છે. જીવનના હરેક ક્ષેત્રમાં કસોટીમાંથી પાર ઉતરવાનું સામર્થ્ય એમાંથી પ્રાપ્ત થવું જોઇએ, એમ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિઘાર્થીઓને આત્મવિશ્વાસથી એના પડકારો ઝીલવા શક્તિમાન બનવાની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું.
જી.એન.એલ.યુ. કેમ્પસનું શિક્ષણ જીવનના દરેક પગલે પ્રેરણાદાયી બનશે એવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, જ્ઞાનની શિક્ષા-દિક્ષા માટે ગુરૂ-શિષ્યની ભારતીય સંસ્કૃતિની પરંપરા એવી આદર્શ હતી કે, હજારો વર્ષ પછી એકલવ્યનો શિષ્ય ભાવ જ સફળ બનાવશે.
કાયદાવિદ એવા આઝાદીની લડતના જાહેરજીવનના અગ્રેસર મહાનુભાવોના અનુભવોમાંથી પ્રેરણા લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો.
સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ જસ્ટીસ શ્રી અનિલ આર. દવેએ દિક્ષાંત સમારોહમાં કાયદાની ઉપાધિ પ્રાપ્ત કરનારા વિઘાર્થીઓને કાયદા-કાનૂનના વ્યવસાયિક ક્ષેત્રે પદાર્પણ કરવા સાથે સમાજ પ્રત્યેના દાયિત્વનો કર્મયોગ ભાવ પણ સુપેરે અદા કરવાનો હાર્દભર્યો અનુરોધ કર્યો હતો.
માત્ર ડીગ્રી કે પદવી પ્રાપ્ત થતાં વિઘાર્થીકાળ પૂર્ણ થતો નથી તેમ જણાવી જસ્ટીસ શ્રી દવેએ ઉમેર્યું કે, જ્ઞાનના વિશાળ મહાસાગરની આતો આચમની માત્ર છે. કાયદા ક્ષેત્રે અભ્યાસની સંપૂર્ણતા કે પૂર્ણ તજજ્ઞતા કદી પૂર્ણ થઇ શકતી જ નથી. સતત નવા કાનૂનો, આવિસ્કરણો અને ચુકાદાઓ તથા કેસ દરમિયાનની વિવિધ દલીલો આજીવન અનુભવ જ્ઞાન અને શિક્ષા-દિક્ષાનું અવિરત ભાથું આપતા રહે તે માટે પણ સજ્જતા કેળવવી એ વર્તમાન સમયની માંગ છે, એમ તેમણે સદ્રષ્ટાંત જણાવ્યું હતું.
ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના આ ત્રીજા પદવીદાન સમારંભની શરૂઆતમાં યુનિવર્સિટીના ડાયરેકટરશ્રી ર્ડા. બીમલ પટેલે યુનિવર્સિટીનો પ્રોગ્રેસ રીપોર્ટ રજૂ કર્યો હતો. તેમણે યુનિવર્સિટીની સિદ્ધિઓ અને ભાવિ આયોજન વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે કાયદાના અનુસ્નાતક કક્ષાએ બે ગોલ્ડ મેડલ અને સ્નાતક કક્ષાએ ૧૯ ગોલ્ડ મેડલ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સફળ વિઘાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા.
આ પદવીદાન સમારોહમાં રાજ્યના કાયદો અને ન્યાય તંત્ર રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.