પ્રગતિનાં મૂળ : ગુજરાતની સર્વગ્રાહી પ્રગતિ માટેનાં વૃક્ષોનું વાવેતર
પ્રિય મિત્રો,
આવતી કાલે શ્રાવણ મહિનાની ‘પવિત્રા બારસ’ ના પવિત્ર અવસરે હું આ વર્ષના ‘વન મહોત્સવ’ નું ઉદઘાટન કરીશ. પાછલાં કેટલાંક વર્ષોમાં, ગુજરાતમાં આ વાર્ષિક વન મહોત્સવ અભિયાનોએ સામાજિક વનનિર્માણની વિભાવનામાં એક તદ્દન નવા અર્થનો ઉમેરો કરેલ છે. તે આપણી ભાવિ પેઢીઓને આપણા દ્વારા એક હરિયાળો બગીચો આપી જવાનું સુનિશ્ચિત કરવાના આપણા નિશ્ચય તથા પ્રતિબદ્ધતાને પ્રગટ કરે છે.
આ વર્ષના ‘વન મહોત્સવ’ નું ઉદઘાટન કરવા માટે હું પંચમહાલના સંતરામપુર તાલુકામાં આવેલ એક સુંદર પહાડી ગામ માનગઢ જઈશ. માનગઢની ભૂમિએ કેટલાક અત્યંત બહાદુર આદિવાસી શૂરવીરો પેદા કરેલ છે, કે જેઓએ અન્યાયી સંસ્થાનવાદી સામ્રાજ્યવાદ સામે બળવાનું રણશિંગું ફૂંક્યું હતું. અગાઉ 1913 માં, અંગ્રેજોએ નિર્દયપણે 1507 આદિવાસીઓની હત્યા કરી હતી, જ્યારે તેઓ અવિરત શોષણનો વિરોધ કરવા માટે એકઠા થયા હતા, આ આપણને ઘાતકી જલીયાંવાલા બાગના હત્યાકાંડની યાદ અપાવે છે. 1857 ની આઝાદીની પ્રથમ લડાઈ પછી પ્રથમ વખત એવું બનેલ કે આટલી તીવ્રતા, સમર્પણ અને આદર્શવાદ સાથે ગુજરાતના લોકોમાં દેશભક્તિની ચિનગારી સળગાવવામાં આવેલ.
આ આદિવાસીઓનું નેતૃત્વ બહાદુરી અને પ્રેરણાત્મક નેતૃત્વની મશાલ સમાન ગોવિંદ ગુરુ દ્વારા કરવામાં આવેલ. પોતાના આધ્યાત્મિક ઉપદેશો દ્વારા તેઓએ આદિવાસી સમુદાયોની સ્વાતંત્ર્ય અધિકારો અને સ્વમાનના હેતુ માટે કામ કરેલ. તેમણે પોતાના લોકોમાં જાગરૂકતા પેદા કરવા માટે અથાક રીતે કામ કર્યું, જેથી તેમનો સમુદાય બાકીના સમાજ સાથે સમાન રીતે વિકાસ કરી શકે.
ગોવિંદ ગુરુ વાસ્તવમાં તેમના સમય કરતાં આગળ હતા. ગોવિંદ ગુરુ જેવા વ્યક્તિઓનો ફાળો સમયની સ્મૃતિમાં ધારદાર રહે છે અને કંઈક એવો છે કે જેને ઇતિહાસની તવારીખમાંથી ભૂંસી શકાય તેમ જ નથી. ગુજરાતના લોકો રાષ્ટ્રને આઝાદી તરફના માર્ગે લઈ જવા માટે ગોવિંદ ગુરુ જેવા તેમના ગૌરવશાળી પુત્રોનો પ્રચંડ ફાળો ક્યારેય ભૂલશે નહીં.
આજે જ્યારે આપણે માનગઢથી ‘વન મહોત્સવ - 2012’ ની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે, આપણે આ બહાદુર વ્યક્તિઓને આપણી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ કે જેઓએ સત્ય અને ન્યાયની યજ્ઞવેદીમાં પોતાની જાતની આહુતિ આપી દીધી. આ શૂરવીરોને અંજલિ રૂપે 1507 વૃક્ષો તથા વિવિધ પ્રદર્શનો સાથેના ‘ગોવિંદ ગુરુ સ્મૃતિ વન’ નું નિર્માણ કરવામાં આવશે. આપણા આદિવાસી મિત્રોની પ્રકૃતિ સાથેની એકરૂપતા ખૂબ જાણીતી છે અને મને ખાતરી છે કે આ પગલું ઘણા અન્ય લોકોને ફક્ત ગોવિંદ ગુરુ જેવાઓમાંથી પ્રેરણા લેવા માટે જ નહીં, પરંતુ આપણાં જંગલોની સાચવણીને મહત્વ આપવા માટે સમર્થ બનાવશે.
અમારું મક્કમપણે એવું માનવું છે કે ગુજરાત સરકારની પ્રત્યેક પહેલ પૂર્ણરૂપે એક લોક આંદોલન હોવી જોઈએ! લોકશક્તિની સંપૂર્ણ તથા સક્રિય સામેલગીરીથી વધારે પવિત્ર બીજું કંઈ જ નથી. આ સંદર્ભમાં, અમે સુનિશ્ચિત કરેલ છે કે તમામ મહત્વની સરકારી પહેલો રાજ્યના પાટનગરની મર્યાદામાં જ નહીં, પરંતુ લોકોની વચ્ચે આયોજિત થાય. આ વન મહોત્સવ પણ કોઈ અપવાદ નથી - તમને જાણીને આનંદ થશે કે 2005 થી આ મહોત્સવનું આયોજન ગુજરાતના જુદા જુદા ભાગોમાં થાય છે, જે વિશિષ્ટ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે. આપણે ત્યાં એક ‘વન’ ના સ્વરૂપમાં એક કાયમી યાદગીરી સ્થાપિત કરવા માટેનો પ્રયત્ન કરીએ છીએ, જે પોતાની રીતે સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળ તરીકેનો હેતુ પાર પાડે છે, ચાહે તે ગાંધીનગરનું ‘પુનીત વન’ (2004) હોય, અંબાજીનું ‘માંગલ્ય વન’ (2005) હોય, તારંગાનું ‘તીર્થંકર વન’ (2006) હોય, સોમનાથનું ‘હરિહર વન’ (2007) હોય, ચોટીલાનું ‘ભક્તિ વન’ (2008) હોય, શામળાજીનું ‘શ્યામલ વન’ (2009) હોય, પાલિતાણાનું ‘પાવક વન’ (2010) હોય કે પાવાગઢનું ‘વિરાસત વન’ (2011) હોય. આપણી સંસ્કૃતિના અન્વેષણ માટેની તથા ઇતિહાસ સાથેનાં આપણાં મૂળને મજબૂત કરવા માટેની સાચા અર્થમાં આ એક અનન્ય તક બની રહે છે.
ગુજરાત સમગ્ર રાજ્યમાં હરિયાળી વધારવામાં કોઈ કસર બાકી રાખતું નથી. હજી એક અઠવાડિયાં પહેલાં જ, મને એક સમાચારપત્રનો અહેવાલ વાંચીને ખૂબ જ આનંદ થયો, જેમાં જણાવાયું હતું કે ગાંધીનગર ભારતમાં વૃક્ષોની રાજધાની છે. તાજેતરના આંકડા દર્શાવે છે કે ગુજરાતની રાજધાનીનો 53.9% ભાગ વૃક્ષોથી છવાયેલ છે, એનો અર્થ એ થયો કે પ્રત્યેક 100 વ્યક્તિ દીઠ 416 વૃક્ષો છે. આપણા દેશમાં વૃક્ષોથી આચ્છાદિત ભૌગોલિક વિસ્તાર 2.82% છે, જ્યારે ગુજરાતમાં આ આંકડો 4% છે. 2003 માં, જંગલ વિસ્તાર સિવાયના ભાગમાં આપણે ત્યાં 25.1 કરોડ વૃક્ષો હતાં અને 2009 સુધીમાં તે સંખ્યા 26.9 કરોડે પહોંચી ગઈ; આવતા દસ વર્ષમાં આપણે તેને 35 કરોડે પહોંચાડવાની દિશામાં કાર્ય કરી રહ્યા છીએ. હકીકતમાં, મને જણાવતાં આનંદ થાય છે કે ગાંધીનગર, વડોદરા અને ભાવનગર ભારતનાં મોટા ભાગનાં લીલાં શહેરો કરતાં વધારે હરિયાળાં છે.
મિત્રો, પ્રકૃતિની પૂજા કરવી એ આપણી સમૃદ્ધ સંસ્કૃતિનો એક અભિન્ન હિસ્સો છે. આપણી સંસ્કૃતિમાં આપણે માનીએ છીએ કે વૃક્ષોમાં ભગવાનનો વાસ રહેલો છે! મને વિશ્વાસ છે કે ‘વન મહોત્સવ’ નો આ પ્રયત્ન ગુજરાતને વધારે હરિયાળું તથા વધારે સુંદર બનાવવામાં સફળ નીવડશે. આપણે શક્ય તેટલાં વધારે વૃક્ષો વાવવાં જોઈએ - ખરેખર તો હું ઘણી વાર મા-બાપોને પુત્રીના જન્મ પર બે વૃક્ષો વાવવાનું કહું છું.
ગોવિંદ ગુરુ ઉપરના એક પુસ્તકની નકલ તથા “ગુજરાતના શહેરી વિસ્તારોમાં વૃક્ષોના વ્યાપની સ્થિતિ” નો અહેવાલ હું આ સાથે જોડું છું. હું જંગલ ખાતાને આપણાં શહેરોમાં વૃક્ષોના વ્યાપ ઉપર આટલો અગત્યનો અહેવાલ પ્રગટ કરવા બદલ અભિનંદન આપું છું. મને વિશ્વાસ છે કે આપને આ સુંદર કામને વાંચવાનો આનંદ થશે.
atin;mso-bidi-language: GU'>પાલિતાણાનું ‘પાવક વન’ (2010) હોય કે પાવાગઢનું ‘વિરાસત વન’ (2011) હોય. આપણી સંસ્કૃતિના અન્વેષણ માટેની તથા ઇતિહાસ સાથેનાં આપણાં મૂળને મજબૂત કરવા માટેની સાચા અર્થમાં આ એક અનન્ય તક બની રહે છે.
આપનો
નરેન્દ્ર મોદી
E Book- ઈ-બુક - માનગઢ ક્રાંતિના નાયક - શ્રી ગોવિંદ ગુરુ
ઈ-બુક - ગુજરાતના શહેરી વિસ્તારોમાં વૃક્ષોના વ્યાપની સ્થિતિ (30મી જુલાઈના રોજ તેનું વિમોચન થયા બાદ ઉપલબ્ધ થશે)